નવી દિલ્હીઃ ભારતના વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત વિશે તેના બાળપણના કોચ દેવેન્દર શર્માએ કહ્યું છે કે `પંત વારંવાર હૉરિઝોન્ટલ શૉટ રમે છે અને વિકેટ ફેંકી દેતો હોય છે. જો તે બને એટલા વધુ વર્ટિકલ શૉટ રમશે અને ખાસ કરીને ઑફ સાઇડ પર વધુ શૉટ રમવાનું ફરી શરૂ કરશે તો અગાઉની જેમ શાનદાર પર્ફોર્મ કરી શકશે.'
પંત (Pant)ને લખનઊ સુપર જાયન્ટ્સનું ફ્રૅન્ચાઇઝી બે વર્ષથી આઇપીએલની એક સીઝન રમવાના 27 કરોડ રૂપિયા આપે છે. તે બન્ને સીઝનમાં સારું નહોતો રમી શક્યો. તેની કૅપ્ટન્સીમાં લખનઊની ટીમ 2025ની સીઝનમાં સાતમા સ્થાને અને 2026ની સીઝનમાં છેક છેલ્લા (10મા) સ્થાને રહી હતી. તે થોડા મહિનાઓથી ભારતીય ક્રિકેટમાં માત્ર એક ફૉર્મેટનો (ટેસ્ટનો) ખેલાડી બનીને રહી ગયો છે. તેની પાસેથી ટેસ્ટ ટીમની વાઇસ-કૅપ્ટન્સી પણ પાછી લઈ લેવામાં આવી છે. હવે પંત શનિવારે ન્યૂ ચંડીગઢમાં અફઘાનિસ્તાન સામે શરૂ થનારી ટેસ્ટ મૅચમાં જોવા મળશે.
પંતની ખાસ કરીને વારંવાર હૉરિઝોન્ટલ શૉટ (ક્રૉસ-બૅટ શૉટ) રમવાની આદતની વાત તેના નાનપણના કોચ દેવેન્દર શર્માએ કરી છે.
દેવેન્દર શર્માએ ગુરુવારે પીટીઆઇને ઇન્ટરવ્યૂમાં કહ્યું, `પંત બૅટિંગ દરમ્યાન પોતાના પર વધુ પડતું દબાણ લાવીને રમતો જોવા મળ્યો છે. તેણે આ ટાળવું જોઈએ. તે વારંવાર હૉરિઝોન્ટલ શૉટ રમે છે. જો તે બને એટલા વર્ટિકલ શૉટ રમવાનું શરૂ કરશે તો ફરી સફળ થશે. હું જ્યારે છેલ્લે તેને મળ્યો હતો ત્યારે પણ મેં તેને કહેલું કે વર્ટિકલ શૉટ રમવાની આદત પાડ. એવું કરીશ તો પાછો ફૉર્મમાં આવી જઈશ. જ્યારે રન બનતા હોય તો બૅઝિક્સ પર પાછા આવી જવું જોઈએ.'
પંતના કોચ (Coach)નું એવું પણ કહેવું છે કે `હું તેને ફરી મળીશ ત્યારે કહીશ કે ટેસ્ટ અને ટી-20માં ફરક છે. મને ખાતરી છે કે તે અફઘાનિસ્તાન સામે મૅચ-વિનિંગ પર્ફોર્મ કરશે. મારું માનવું છે કે પંતે આક્રમકતા પર સંયમ રાખવો જોઈએ. પોતાની ગેમ પરની એકાગ્રતા વધારવી જોઈએ. પ્રૉબ્લેમ એ છે કે તે બૅકફૂટ અને ફ્રન્ટફૂટ પરના વધુ પડતાં શૉટ રમે છે. નવા-નવા પ્રકારના શૉટ તેણે ઓછા કરી નાખવા જોઈએ. તેણે ઑન-સાઇડને બદલે ઑફ-સાઇડ પર વધુ રમવું જોઈએ.'
કોચ શર્માએ પંતના થોડા વર્ષ પહેલાંના કાર-અકસ્માતના મુદ્દે પૂછાતાં કહ્યું, `રિષભનું મનોબળ જબરદસ્ત છે. કાર-અકસ્માત બાદ તે ઇંગ્લૅન્ડમાં તે બહુ સારું રમ્યો હતો. તેણે ત્યાં ટેસ્ટના બન્ને દાવમાં સેન્ચુરી ફટકારી હતી. તે નાનો હતો ત્યારથી મેં તેને ક્રિકેટ-કરીઅરની તેની ચરમસીમા સુધી રમતો જોયો છે. કાર-અકસ્માત બાદ તે ઘણી મૅચોમાં સારું રમ્યો છે.'