Sat May 02 2026

Logo

આચમનઃ પ્રબળ આત્મવિશ્વાસ સપનું સાકાર કરે

2026-03-23 14:51:06
Author: અનવર વલિયાણી
Article Image

અનવર વલિયાણી

જે વ્યક્તિ પાસે આત્મવિશ્વાસનું ધન હોય છે એ વ્યક્તિ માટે દુનિયાની કોઈ પણ વસ્તુ મેળવવી આસાન હોય છે.

- આજ જગતભરમાં જે જાણીતી બાઈક છે એનો ઈતિહાસ જાણવા જેવો છે.

- એના મૂળમાં આત્મવિશ્વાસ જ છે.

- આપણે ત્યાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના આગમન બાદ યુવાનોમાં બાઈકનો ક્રેઝ વધ્યો હતો એ પછી આજે વરસો પછી પણ તે યથાવત્ રહ્યો છે, એ વાત સાચી, પણ એક સમયે બાઈક એટલે હોન્ડા એવું કહેવાતું.

- આ હોન્ડાના સર્જક સોઈચીરો હોન્ડા એક ગરીબ લુહારનો પુત્ર હતો.

- ગરીબાઈના વાદળ એટલાં ગાઢ હતાં કે સુખનો સૂરજ ક્યારેય દેખાય એવી આશા ન હતી.

- આ હોન્ડાના પાંચ ભાઈઓ તો ભૂખમરામાં જ મરી ગયા હતા.

- વળી સોઈચીરો ભણવામાંય ઠોઠ. સ્કૂલમાંથી છૂટીને એ પિતાને સાઇકલ રિપેર કરવામાં મદદ કરતો. નવાંનવાં યંત્રો બનાવવા તેને બહુ ગમતા.

- પ્રથમવાર તેણે કાર જોઇ અને વિચાર્યું કે આવી કાર હું પણ બનાવીશ.

- ત્યારબાદ સંઘર્ષ કરતાં કરતાં તેણે રિપેરશોપ કરી.

- મોટર-કાર માટે પિસ્ટન રિંગ્ઝ બનાવી.

- મોટર-સાઇકલ બનાવવાના પ્રયોગો શરૂ કર્યાં..

- 1948માં તેણે હોન્ડા મોટર કંપની બનાવી. અને પ્રથમ મોટર સાઇકલ લોન્ચ કરી અને જોતજોતામાં આખા જાપાનમાં સોઇચીરો હોન્ડા સૌથી મોટો મોટરબાઇકનો નિર્માતા બન્યો.

- વ્હાલા ધર્મતેજ પૂર્તિમાં શ્રદ્ધાળું વાચક મિત્રો.

- આજે હોન્ડાની આવક અબજોને આંકે છે.

- હવે વિચારી જુઓ કે આ હોન્ડા પાસે કઇ મૂડી હતી.

- ના એના પિતાએ વારસામાં અઢળક ધન આપ્યું હતું કે ના એ ભણવામાં અવ્વલ હતો.

- છતાં એનામાં પ્રબળ આત્મવિશ્વાસ હતો કે યંત્ર સંચાલિત ગાડી બનાવવી અને એ સપનું તેણે સાકાર કર્યું.

- દરેક વ્યક્તિમાં આવી વિશિષ્ટ ટેલેન્ટ હોય છે જ, પણ એ વ્યક્તિ એને જાણી શકતી નથી અથવા જાણે તો બહાર લાવવા જેટલો આત્મવિશ્વાસ ધરાવતી હોતી નથી.

- થોમસ આલ્વા એડિસન * અબ્રાહમ લિંકન * ગાંધીજી *સરદાર પટેલ વગેરે આગવા આત્મબળના ભરોસે જ આ દુનિયામાં કાયમ માટે નામ અમર કરી ગયા.

- આ મહાન વિભૂતિઓનો આત્મવિશ્વાસ એટલો પ્રબળ હતો કે આજની તારીખે પણ તેઓના પ્રસંગો અન્યો માટે પ્રેરણારૂપ બને છે.

- મિત્રો સફળતાનું બીજું નામ જ આત્મ-વિશ્વાસ હોઇ, પ્રસ્તુત લેખનો ચોથો અને છેલ્લો ભાગ આવતા અંકમાં વાંચીશુ અને બોધ હાંસલ કરીશું.
----
જાણવા જેવું:

- વિમાનના શોધક રાઇટ બ્રધર્સે જયારે પ્રથમ વાર આવા હવાઇ જહાજ વિશેનો પ્રસ્તાવ લંડનની સાયન્સ સોસાયટી સમક્ષ મૂકયો ત્યારે તેને હસી કઢાયો હતો. પણ

- આત્મવિશ્વાસથી ભરપૂર આ બન્ને ભાઇઓએ દુનિયાની પરવા કર્યા વગરે પોતોના પર ભરોસો મૂકીને સૌપ્રથમ વિમાન ઉડાવી બતાવ્યું હતું.

વ્હાલા વાચક મિત્રો

- આવા તો એક નહીં અનેક ઉદાહરણો મૌજૂદ છે.

- બેશક: પ્રબળ, આત્મવિશ્વાસ, સપનું સાકાર કરે. 
                                     
મલકાટ

મીનુ એક પગમાં કાળું અને એક પગમાં સફેદ બૂટ પહેરીને સ્કૂલ પહોંચી.

- ટીચર: ઘરે જઇને બદલી આવ.

- મીનુ: કોઇ અર્થ નથી ટીચર, ઘરમાં પણ એક કાળું અને એક સફેદ બૂટ જ છે.