Sat Jul 18 2026

Logo

બદલાઇ જશે 10 અને 20 રૂપિયાની નોટ, RBIએ શું કરી જાહેરાત, તેના બદલે શું આવશે?

2026-07-18 08:28:46
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: યુપીઆઈ (UPI) નો જમાનો છે. લોકો પોતાની પાસે કેશ (રોકડા રૂપિયા) ઓછા જ રાખે છે. આનું કારણ પણ વ્યાજબી છે કારણ કે કાગળની નોટો જલ્દી ખરાબ થઈ જાય છે અને ખૂબ જ સહેલાઈથી ફાટી પણ જાય છે. જોકે, હવે આ સમસ્યા દૂર થવાની છે કારણ કે આવનારા સમયમાં તમારા ખિસ્સામાં રહેલી નોટ પ્લાસ્ટિકની હોઈ શકે છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નોટ છાપનારી વિંગ BRBNMPL એ પ્લાસ્ટિકની નોટો બનાવવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું છે. કંપનીએ દુનિયાભરની કંપનીઓ પાસેથી પોલિમર શીટ બનાવવા અને સપ્લાય કરવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI) મંગાવ્યું છે. એટલે કે, પહેલીવાર નોટ છાપવા માટે જરૂરી પ્લાસ્ટિક મટિરિયલ ખરીદવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થતી દેખાઈ રહી છે. શરૂઆતના તબક્કામાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે 10 અને 20 રૂપિયાની નોટો શરૂ કરવામાં આવી શકે છે.

સૌથી પહેલા કઈ નોટો બદલાઈ શકે છે?

નિષ્ણાતોનું માનવું છે કે જો પાઇલટ પ્રોજેક્ટ શરૂ થાય છે, તો 10 અને 20 રૂપિયાની નોટો સૌથી પહેલા પોલિમરમાં આવી શકે છે. આનું કારણ સ્પષ્ટ છે કે આ નોટોનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને તે સૌથી ઝડપથી ખરાબ પણ થાય છે.

આરબીઆઈ (RBI) નું આ પગલું કેટલું મોટું છે?

BRBNMPL એ જ કંપની છે, જે મૈસૂરુ અને સાલબોનીની પ્રેસમાં ભારતીય ચલણ (કરન્સી) છાપે છે. જ્યારે આ જ કંપની પોલિમર શીટ ખરીદવા માટે વૈશ્વિક કંપનીઓ પાસેથી પ્રસ્તાવ માંગી રહી છે, ત્યારે આ માત્ર એક વિચાર નહીં પરંતુ તૈયારીનો નક્કર સંકેત માનવામાં આવી રહ્યો છે. જોકે, અત્યારે આનો અર્થ એ નથી કે આવતા મહિનાથી જ પ્લાસ્ટિકની નોટો બજારમાં આવી જશે. હાલમાં આ પ્રક્રિયા શરૂઆતના તબક્કામાં છે.

કોઈ નવી વાત નથી

ભારતમાં પોલિમર નોટનો વિચાર આશરે 14 વર્ષ જૂનો છે.
2009ની આસપાસ પહેલીવાર આના પર ચર્ચા શરૂ થઈ.
2012માં સરકારે 10 રૂપિયાની 100 કરોડ પોલિમર નોટોના ફીલ્ડ ટ્રાયલ (પ્રાયોગિક પરીક્ષણ) ને મંજૂરી આપી.
2014માં નક્કી કરવામાં આવ્યું કે કોચ્ચિ, મૈસૂરુ, જયપુર, શિમલા અને ભુવનેશ્વરમાં અલગ-અલગ હવામાનમાં આનું પરીક્ષણ કરવામાં આવશે.
2016માં સરકારે જણાવ્યું કે સામગ્રી ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, પરંતુ ટેકનિકલ અને ઓપરેશનલ (કામગીરીના) કારણોસર આ યોજના આગળ વધી શકી નહીં અને પ્રોજેક્ટ અભરાઈએ ચડી ગયો.

હવે ફરીથી કેમ શરૂ થઈ તૈયારી?

2024-25માં અંદાજે 23.8 અબજ નોટો ચલણમાંથી હટાવવામાં આવી. નોટો છાપવા પાછળ પણ દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આવા સમયમાં લાંબા સમય સુધી ચાલનારી પોલિમર નોટો સરકાર અને RBI માટે ખર્ચ ઘટાડવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.