Sat May 02 2026

Logo

આચમનઃ વિશ્વાસ આત્મવિશ્વાસ વધારે...

2026-03-16 10:14:00
Author: અનવર વલિયાણી
Article Image

અનવર વલિયાણી

ધર્મતેજ પૂર્તિના વ્હાલા જિજ્ઞાસુ વાચક મિત્રો! પ્રસ્તુત લેખના ગયા અંકના પહેલા ભાગમાં કહ્યું તેમ આત્મવિશ્વાસ વેચાતો મળતો નથી. તેને કેળવવો પડે છે.

- મહાન માણસો પણ બાલ્યાવસ્થા કે યુવાનીના સમયમાં એટલો પ્રબળ આત્મવિશ્ર્વાસ ધરાવતા ન હોય એવું પણ હોઈ શકે, પણ સમયાંતરે તેમનામાં પરિવર્તન આવ્યું હોય!

- આપણી આજુબાજુમાં જ આત્મવિશ્વાસનો અભાવ ધરાવનારા ઘણા લોકો જીવતા હોય છે, જેમાં આ લેખક પણ મહદ્અંશે સામિલ છે.

- સ્કૂલ કે કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓ તમે જોયા હશે કે જેઓને સ્ટેજ ફિયર હોય છે. સ્ટેજ ફિયર થોડું સોફેસ્ટિકેટેડ નામ છે.

- બાકી મૂળ વાત આત્મવિશ્વાસ ન હોવાની જ છે.
- આવી વ્યક્તિઓને જાહેરમાં હાંસીપાત્ર બનવાનો ડર, 
* લોકોની સ્વીકૃતિ અથવા માન્યતા મળશે કે નહીં એ ડર હોય છે.
- આ ડર જ દરેક કૉમન માણસમાં આત્મવિશ્ર્વાસનો અભાવ ઉત્પન્ન કરે છે.

- જ્યારે આત્મવિશ્વાસથી છલોછલ હોય એવી વ્યક્તિ બીજા શું કહેશે અથવા બીજા મારા વિશે શું વિચારશે એની પરવા કરતી નથી.

- તેઓ જે કરે છે એમાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે.

- વ્હાલા જિજ્ઞાસુ વાચક મિત્રો!
* આવો આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકાય?
- તો જવાબ છે,
* જે બતક એનાં બચ્ચાંને તરતા શીખવાડે છે કે પછી
* પક્ષી એના બચ્ચાંને ઊડતાં શીખવાડે છે બિલકુલ એજ રીતે!
* પક્ષીનાં બચ્ચાં પાસે ઊડવા માટે પાંખ હોય છે છતાં એ ડરે છે, કારણ એને પોતા પર વિશ્વાસ નથી,

- એટલે જ તો કહ્યું છે કે,
* પંખ હોને સે કુછ નહીં હોતા,
* હોંશલોં સે ઉડાન હોતી હે...

- મતલબ કે પાંખો હોવાથી જ ફક્ત ઊડવાનું કે તરવાનું આવડે તેમ નથી હોતું,
- ઊડવા માટે હિંમત અને આત્મવિશ્વાસની જરૂર હોય છે.
- આ બચ્ચાંની મા એમને હળવો ધક્કો મારી આપે છે અને તેઓ પાંખો ફફડાવીને ઊડતાં થઈ જાય છે.
- એક પક્ષી આ રીતે પોતાનાં બચ્ચાંને ઊડતાં શીખવાડે છે.
- એની સરખામણીએ જો આપણી મનુષ્યની વાત કરીએ તો

* કોઈ બાળક પોતાની જાતે જ સાઈકલ શીખવાનો પ્રયાસ કરતો હોય તો તેનાં મા-બાપ એને ટોકશે, વઢશે.
* એ મા-બાપ પોતાનો સમય ભૂલી જાય છે કે જ્યારે પોતે સાઈકલ ચલાવવાનું શીખ્યા ત્યારે કેટલી વાર પડયાં હતાં.
- એ બાળક પડશે, લડશે અને વાગશેય ખરું, પણ ત્યારે જ તો સાઈકલ ચલાવતા શીખશે.
* મા-બાપ તરીકે એ બાળકમાં આત્મવિશ્ર્વાસનો સંચાર કરવો જોઈએ.

વ્હાલા ‘ધર્મતેજ’ના વાચક મિત્રો! સાઈકલ તો એક ઉદાહરણ માત્ર છે. * બાકી જીવનના કોઈ પણ ક્ષેત્રમાં બાળકનો વિકાસ કરાવવો હોય તો એનામાં આત્મવિશ્ર્વાસ વધે એવા પ્રયાસ કરવા જોઈએ.

- યાદ રાખો.

* નાના છોડને જ વાળી શકાય છે.
* મજબૂત થડ કદી વળી શકતું નથી;
- માટે તમે પણ જો તમારા બાળકને ચૅમ્પિયન બનાવવા માગતા હો તો એને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવો, પણ હા,
- એના પર શિસ્તની બેડીઓ ન લાદી દો.

- અતિશય શિસ્ત અને અતિશય નિરંકુશપણું બન્ને બાળકનો વિકાસ રૂંધે છે, એ બન્ને બાબતોથી બચવાની જરૂર છે.
- આ ઉપરાંત
* તમારા બાળકની સરખામણી ક્યારેય અન્ય બાળક સાથે કરશો નહીં.

- દરેક બાળક એ વિશિષ્ટ શક્તિ ધરાવે છે.
- જે વ્યક્તિ પાસે આત્મવિશ્ર્વાસનું ધન હોય છે એ વ્યક્તિ માટે દુનિયાની કોઈ પણ વસ્તુ મેળવવી આસાન હોય છે. (વધુ આવતા અંક) *

મોજમસ્તી:
- એક ફરિયાદી (પોલીસને):
* ‘મને ફોન પર સતત ધમકીઓ મળી રહી છે.’
- પોલીસ: ‘કોણ છે જે તમને ધમકીઓ આપે છે?
- ફરિયાદી: ‘ટેલિફોનવાળા બિલ નહીં ભરો તો ફોન કાપી નાખવાની ધમકી આપ્યા કરે છે.’ *
* ફાળો માગનારા: ‘શેઠ, અમે એક સ્કૂલ ખોલવા માગીએ છીએ; મદદ કરો...!’
- શેઠ: જરૂર; મારાં ત્રણેય છોકરાંઓને તમારી સ્કૂલમાં દાખલ કરી દઈશ.