Sun Jun 14 2026

Logo

પક્ષપલટો કરનારા નેતાઓ પર કેમ કસાય છે 'આયા રામ ગયા રામ'નો કટાક્ષ? આ રહ્યો 59 વર્ષ જૂનો રોમાંચક ઈતિહાસ

2026-06-13 14:53:00
Author: Darshana Visaria
Article Image

ભારતીય રાજકારણમાં અનેક વખત નાના-નાના વાક્યો પણ એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે તે ઈતિહાસના પાના પર કાયમ માટે નોંધાઈ જાય છે. રાજકીય વર્તુળોમાં જ્યારે પણ કોઈ નેતા વારંવાર પોતાની પાર્ટી બદલે છે, ત્યારે તેના માટે અવારનવાર એક પ્રખ્યાત કહેવત ઉપયોગમાં લેવાય છે 'આયા રામ ગયા રામ'. સમયની સાથે આ કહેવત પક્ષપલટાની રાજકારણનું પર્યાય બની ગઈ છે. પરંતુ, ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ લોકપ્રિય કહેવત પાછળ હરિયાણાના એક અસલી વિધાન સભ્યની રોમાંચક કહાની છુપાયેલી છે. ચાલો આજે તમને વિસ્તારથી જાણાવીએ... 

તો આ સ્ટોરી હરિયાણાના એક વિધાન સભ્ય ગયા લાલની છે, જેમના રાજકીય નિર્ણયોએ દેશને આ નવી કહેવત આપી હતી. પહેલી નવેમ્બર, 1966ના રોજ પંજાબમાંથી અલગ થઈને હરિયાણા એક નવું રાજ્ય બન્યું. ત્યારબાદ વર્ષ 1967માં રાજ્યની પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ 81માંથી 48 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. આ દરમિયાન હસનપુર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ગયા લાલ પણ જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. એ સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ વિધાન સભ્ય આગળ જતાં ભારતીય રાજનીતિનો સૌથી ચર્ચિત ચહેરો બની જશે.

ચૂંટણી પછી કોંગ્રેસના નેતા ભગવત દયાલ શર્માએ 10મી માર્ચ, 1967ના રોજ હરિયાણાના પ્રથમ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા પરંતુ, કોંગ્રેસના જ કેટલાક વિધાનસભ્યોએ બગાવત કરી અને અપક્ષો સાથે મળીને નવો મોરચો માંડ્યો, જેના કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ. એ દાયકામાં પક્ષપલટાનો દોર એટલો ઝડપી હતો કે વિધાન સભ્યો સવાર-સાંજ પોતાના જૂથ બદલતા હતા. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે ગયા લાલ સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર, ગયા લાલે માત્ર 9 કલાકની અંદર જ અનેક વખત પોતાનો રાજકીય પક્ષ બદલી નાખ્યો હતો! તેઓ પહેલા એક જૂથમાં ગયા, ત્યાંથી નીકળીને બીજા જૂથમાં સામેલ થયા અને થોડા જ કલાકોમાં ફરી પાછા મૂળ પક્ષમાં આવી ગયા હતા. હરિયાણામાં સરકાર બનાવવા અને પાડવાની આ હોડમાં ગયા લાલના વારંવાર બદલાતા વલણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું.

24મી માર્ચ 1967ના રોજ સંયુક્ત વિધાયક દળના નેતા રાવ બીરેન્દ્ર સિંહ હરિયાણાના મુખ્ય પ્રધાન બન્યા હતા. આ સમયગાળા દરમિયાન જ્યારે ગયા લાલ ફરી એકવાર પક્ષપલટો કરીને રાવ બીરેન્દ્ર સિંહના પક્ષમાં પાછા ફર્યા, ત્યારે ચંદીગઢમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન રાવ બીરેન્દ્ર સિંહે મીડિયા સામે રમુજી અંદાજમાં કહ્યું હતું કે ગયા રામ હવે આયા રામ છે...

બસ, આ જ કોન્ફરન્સમાંથી 'આયા રામ ગયા રામ' કહેવતની શરૂઆત થઈ. ત્યાર બાદ તત્કાલીન કેન્દ્રીય ગૃહ પ્રધાન વાય. બી. ચવ્હાણે પણ દેશની સંસદમાં આ શબ્દપ્રયોગ કર્યો હતો. ત્યાર પછી આ વાક્ય આખા દેશમાં વાઈરલ થઈ ગયું અને આજે પણ પક્ષ બદલનારા નેતાઓ પર કટાક્ષ કરવા માટે આ જ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે.

વધુ જુઓ...