Fri Jun 12 2026

Logo

જેટ પ્લેનમાં સસરા-વહુની હાઇવોલ્ટેજ મેચ! સાનિયાની બોલિંગ પર સચિને માર્યો શોટ ને સારાએ કેચ પકડીને મચાવી ધમાલ, જુઓ વીડિયો...

2026-06-12 15:10:57
Author: Darshana Visaria
Article Image

ભારતીય ક્રિકેટના મહાનાયક અને 'ક્રિકેટના ભગવાન' તરીકે ઓળખાતા સચિન તેંડુલકર ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા હોય, પરંતુ આ રમત પ્રત્યેનો તેમનો જુનૂન આજે પણ અકબંધ છે. હાલમાં જ સચિન તેંડુલકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક એવો વિડીયો શેર કર્યો છે, જેણે ઇન્ટરનેટ પર સન્સેશન મચાવી દીધું છે. સચિન રમત મેદાન પર નહીં, પરંતુ હવામાં ઉડતા એક પ્રાઇવેટ જેટની અંદર દીકરી સારા તેંડુલકર અને પુત્રવધૂ સાનિયા ચાંડોક સાથે ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં...

સોશિયલ મીડિયા પર માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકરે આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે Altitude જો ભી હો, Attitude ચેન્જ નહીં હોના ચાહિયે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન ફ્લાઈટની કેબિનની વચ્ચે બેટ લઈને પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ઉભા છે. તેમની સામે પુત્રવધૂ સાનિયા ચાંડોક બોલરની ભૂમિકા ભજવી રહી છે અને નાની લાલ ટેનિસ બોલથી બોલિંગ કરી રહી છે, જ્યારે દીકરી સારા તેંડુલકર સોફા પર બેસીને ફિલ્ડિંગ કરી રહી છે.

વીડિયોની શરૂઆતમાં સચિન મસ્તીના મૂડમાં પોતાના પરિવારને ચેલેન્જ આપતા કહે છે કે, તમે લોકો મને ક્યારેય આઉટ નહીં કરી શકો. એટલું જ નહીં, પોતાની બેટિંગ સ્કિલ બતાવવા માટે સચિન બેટને ઊંધું એટલે કે હેન્ડલ તરફથી પકડીને પણ શાનદાર શોટ્સ ફટકારે છે અને કહે છે કે, જો હું આ રીતે રમીશ તો જ તમારી પાસે મને આઉટ કરવાનો થોડો ઘણો ચાન્સ છે.

ત્યાર બાદની ઓવરમાં એક રસપ્રદ વળાંક આવે છે. સાનિયા એક શાનદાર બોલ ફેંકે છે જેના પર સચિન શોટ મારે છે અને નજીક જ ઉભેલી સારા તેંડુલકર હવામાં ડાઇવ લગાવીને એક અદભુત કેચ પકડી લે છે. સચિન આઉટ થતાં જ સારા ખુશીથી ઝૂમી ઉઠે છે અને મોટેથી યેય્ય્! કહીને સેલિબ્રેશન કરવા લાગે છે. તેંડુલકર પરિવારનો આ ક્યુટ ફેમિલી ડ્રામા ફેન્સને ભારે પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાં જ લાખો લોકોએ તેના પર લાઈક અને કમેન્ટ્સ કરી છે. મોટાભાગના ચાહકો સચિનની સાદગી અને નિવૃત્તિ પછી પણ ક્રિકેટ પ્રત્યેના તેમના અવિરત પ્રેમના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે રમુજી અંદાજમાં લખ્યું હતું કે વહુની બોલિંગ પર સસરાજી ક્લીન બોલ્ડ! 

જોકે, બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ફ્લાઇટની અંદર સુરક્ષાના પાસાને લઈને સવાલો પણ ઉઠાવ્યા હતા, પરંતુ વીડિયોમાં વપરાયેલો બોલ ખૂબ જ હળકો હોવાથી આ માત્ર એક પારિવારિક મનોરંજનની ક્ષણ હતી તે સ્પષ્ટ દેખાય છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોયો તો અત્યારે જ જોઈ લો...