Fri Jun 12 2026

Logo

જેલ છે કે કોઈ ફાઇવ સ્ટાર લક્ઝરી રિસોર્ટ? કેદીઓ કરે છે ઘોડેસવારી અને નોકરી, ભારતની આ જગ્યા પર પણ આવેલી છે આવી જ અનોખી જેલ...

2026-06-12 17:38:47
Author: Darshana Visaria
Article Image

આપણે ત્યાં સામાન્યપણે એવું કહેવાય છે કે, જિંદગીમાં ક્યારેય પોલીસ અને વકીલના ચક્કરમાં ન પડવું જોઈએ... લોકોને સલાહ પણ આપવામાં આવે છે કે તેઓ એવું કોઈ કામ ન કરે જેનાથી જેલના સળિયા પાછળ પહોંચવાનો વારો આવે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવી પણ જેલો છે જ્યાં કેદીઓ માટે ન તો કોઈ દિવાલ છે ન તો કોઈ તાળું? આજે આ સ્ટોરીમાં આપણે ભારત સહિત દુનિયામાં આવેલી ત્રણ એવી જેલ વિશે કે જ્યાં કેદીઓ પોતાની સજાની સાથે સાથે આઝાદીનો આસ્વાદ પણ માણી રહ્યા છે... 

સામાન્ય રીતે જેલનું નામ સાંભળતાં જ આપણી આંખો સામે ઊંચી દિવાલો, લોખંડના સળિયા, તાળાં અને અંધારી કાળકોઠડીઓ આવી જાય છે. એટલું જ નહીં, અહીં કેદીઓ દિવસભર બહાર જઈને નોકરી કે ખેતી કરે છે, પગાર કમાય છે અને સાંજ પડતાં જ પોતે જેલમાં પાછા આવી જાય છે. છે ને એકદમ અનોખો કોન્સેપ્ટ, ચાલો જાણીએ આ અનોખા આઈડિયા વિશે... 

બાસ્ટોય જેલ (નોર્વે)- જ્યાં કેદીઓ લક્ઝરી કેબિનમાં રહે છે

સૌથી પહેલા વાત કરીએ નોર્વેની સૌથી મોટી ઇકો-ફ્રેન્ડલી ઓપન જેલ 'બાસ્ટોય જેલ'ની. આ જેલ બાસ્ટોય ટાપુ પર આવેલી છે અને આ જેલ એટલી તો આરામદાયક છે કે કોઈ રિસોર્ટ જેવી લાગે છે. અહીં ગુનેગારોને કેદ કરીને રાખવાને બદલે લાકડાની સુંદર લક્ઝરી કેબિનમાં રાખવામાં આવે છે. અહીં રહેતા કેદીઓ દિવસ દરમિયાન જેલની બહાર નીકળી જાય છે અને ઘોડેસવારી, ખેતીકામ તેમજ માછીમારી જેવી પ્રવૃત્તિઓ કરે છે. ત્યારબાદ સાંજ ઢળતાની સાથે જ તેઓ પોતપોતાની કેબિન એટલે કે જેલમાં પાછા ફરે છે.

સુઓમેનલિન્ના જેલ (ફિનલેન્ડ)- ન કોઈ દિવાલ, ન કોઈ પહેરો

ફિનલેન્ડની 'સુઓમેનલિન્ના જેલ' હેલસિંકી ટાપુ નજીક આવેલી છે. આ ઓપન જેલની આસપાસ ન તો કોઈ મોટી દિવાલો છે કે ન તો દરવાજે તાળાં મારેલાં હોય છે. અહીં સજા કાપી રહેલા કેદીઓ આસપાસના ટાપુઓ પર કે શહેરમાં સામાન્ય લોકોની જેમ નોકરી કરે છે અને સારો એવો પગાર પણ કમાય છે. તેઓ રોજ સવારે પોતાની નોકરી પર જાય છે અને સાંજે કામ પૂરું કરીને પોતે જ જેલના આવાસમાં પાછા આવી જાય છે.

અનંતપુર જેલ (આંધ્રપ્રદેશ, ભારત)- 1400 એકરમાં ફેલાયેલી આઝાદી

આવી અનોખી જેલ માત્ર વિદેશમાં જ નહીં, પરંતુ આપણા ભારતમાં પણ આવેલી છે. આંધ્રપ્રદેશના અનંતપુરમાં 1400 એકરના વિશાળ વિસ્તારમાં એક ઓપન જેલ બનાવવામાં આવી છે. જે કેદીઓ જેલમાં સારું વર્તન કરે છે અને જેમની કઠોર સજાનો થોડો સમય બાકી હોય છે, તેમને અહીં શિફ્ટ કરવામાં આવે છે. આ કેદીઓ આખો દિવસ આ વિશાળ જમીન પર ખેતી કરે છે અને કિંમતી મેડિસિન વેલ્યુ ધરાવતા પ્લાન્ટ્સ ઉગાડે છે અને આ ખેતી દ્વારા તેઓ પોતાની રોજી રોટી કમાય છે.  સાંજ પડતાં જ જેલના પરિસરમાં પાછા આવી જાય છે.

કાયદાના નિષ્ણાતોના મતે, આ પ્રકારની ઓપન જેલનો મુખ્ય હેતુ ગુનેગારોને નફરત કરવાને બદલે તેમની માનસિકતા સુધારીને તેમને ફરીથી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. તમને આ માહિતી કેવી લાગી એ અમને ચોક્કસ લખી જણાવો અને આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...

વધુ જુઓ...