Fri Jun 12 2026

Logo

હોર્મુઝને ખોલવા પર ઈરાન થઈ ગયું રાજી! પણ બધાનો આધાર આ 14 મુદ્દા પર....

Wasington D.C./Tehran   2026-06-12 16:37:00
Author: Devayat Khatana
Article Image

વૉશિંગ્ટન/તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના તણાવનો અંત આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વૉશિંગ્ટન અને તેહરાન વચ્ચે સમજૂતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને આગામી થોડા દિવસોમાં તેને આખરી ઓપ આપવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર આ સંભવિત સમજૂતી માટે 14 મુદ્દાનો એક પ્રસ્તાવિત ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ હેઠળ લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધને તાત્કાલિક અને કાયમી ધોરણે રોકવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. 

મળતી વિગતો અનુસાર આ પ્રસ્તાવિત ડ્રાફ્ટના સૌથી મહત્વપૂર્ણ પાસાંઓ પર નજર કરીએ તો, આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર માટે ખૂબ જ સંવેદનશીલ ગણાતા જળમાર્ગો પરથી અવરોધો દૂર થશે. સમજૂતીના પાંચમા મુદ્દા અનુસાર, ઈરાની વહીવટીતંત્રની સહમતી સાથે 30 દિવસની અંદર 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને જહાજોની અવરજવર માટે ફરીથી ખોલી દેવામાં આવશે. 
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે કરાર પર હસ્તાક્ષર થતાંની સાથે જ આ વ્યૂહાત્મક જળમાર્ગ ખુલ્લો થઈ જશે. આ સિવાય ત્રીજા અને ચોથા મુદ્દા હેઠળ અમેરિકા આગામી 30 દિવસમાં ઈરાનની દરિયાઈ નાકાબંધી સંપૂર્ણપણે હટાવી લેશે અને ઈરાનની આસપાસથી પોતાની સેના પાછી ખેંચી લેશે. બીજા મુદ્દા મુજબ અમેરિકા ઈરાનની સાર્વભૌમત્વનું સન્માન કરશે અને તેના આંતરિક મામલામાં દખલ નહીં કરે.

આ આર્થિક પેકેજ અને સમજૂતીના ભાગરૂપે ઈરાન પર લાદવામાં આવેલા કડક આર્થિક પ્રતિબંધોમાં મોટી રાહત આપવામાં આવશે. કરારના છઠ્ઠા મુદ્દા હેઠળ ઈરાન પરથી તેલ, પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને તેના ડેરિવેટિવ્ઝના વેચાણ પરના પ્રતિબંધો હટાવી લેવાશે, જેથી ઈરાનને તેના નાણાકીય સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવાની છૂટ મળશે. આ ઉપરાંત, 11મા મુદ્દા મુજબ અંતિમ વાટાઘાટોના 60 દિવસ દરમિયાન અમેરિકા ઈરાનના ફ્રીઝ થયેલા 24 અબજ ડોલર મુક્ત કરશે, જેમાંથી અડધી રકમ વાટાઘાટો શરૂ થાય તે પહેલાં જ આપવી પડશે. 

આ ઉપરાંત, સાતમા મુદ્દા હેઠળ અમેરિકા અને તેના સહયોગી દેશો ઈરાનના પુનઃનિર્માણ માટે ઓછામાં ઓછી 300  અબજ ડોલરની યોજના રજૂ કરશે. જો કે, 14 મા મુદ્દા અનુસાર જ્યાં સુધી અડધી રકમ મુક્ત નહીં થાય અને તેલ-દરિયાઈ નાકાબંધી નહીં હટે, ત્યાં સુધી અંતિમ વાટાઘાટો શરૂ થશે નહીં અને આ વાટાઘાટોમાં ઈરાનના મિસાઈલ કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
 
આ સમજૂતીની વૈશ્વિક અસરો વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુલાસો કર્યો છે કે ઈરાની નેતૃત્વ સાથેની વાટાઘાટો ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ તેમણે ઈરાન પરના પૂર્વ-આયોજિત સૈન્ય હુમલા અને બોમ્બમારો રદ કરી દીધા હતા. વ્હાઇટ હાઉસમાં દસ્તાવેજો ઝડપથી તૈયાર થઈ રહ્યા છે અને ઈરાન પણ આ માટે ઉત્સુક હોવાના અહેવાલ છે.