Fri Jun 12 2026

Logo

કેરળની બ્યુટી કૉન્ટેસ્ટની રનર-અપ 11.82 કરોડના ડ્રગ્સ સાથે પકડાઈ

2026-06-12 19:24:23
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: બૅન્ગકોકથી અંદાજે 11.82 કરોડ રૂપિયાના ઉચ્ચ ગુણવત્તાવાળા ગાંજા સાથે મુંબઈના ઍરપોર્ટ પર પહોંચેલી કેરળની બ્યુટી કૉન્ટેસ્ટની રનર-અપની કસ્ટમ્સના અધિકારીઓએ ધરપકડ કરી હતી.

કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) પકડી પાડેલી યુવતીની ઓળખ હર્ષા સની (29) તરીકે થઈ હતી. ખાનગી બૅન્કાં રિલેશનશિપ મૅનેજર તરીકે કામ કરતી હર્ષાએ ગયા વર્ષે કેરળની બ્યુટી કૉન્ટેસ્ટમાં ભાગ લીધો હતો.

હર્ષા બૅન્ગકોકથી ફ્લાઈટમાં ગુરુવારની વહેલી સવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ (સીએસએમઆઈએ) પહોંચી હતી. શંકાને આધારે એઆઈયુના અધિકારીઓએ તેની તપાસ કરી હતી. પર્સનલ સર્ચમાં તેની પાસેથી કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું એટલે અધિકારીઓએ તેના સામાનની ચકાસણી કરી હતી.

હર્ષા પાસેની ટ્રોલી બૅગમાંથી પ્લાસ્ટિકની થેલીનાં 12 પૅકેટ મળી આવ્યાં હતાં. ફીલ્ડ ટેસ્ટિંગ કિટ પર પૅકેટમાંની વસ્તુની તપાસ કરતાં તે હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું જણાયું હતું. અંદાજે 11.82 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરી હર્ષાની ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછમાં હર્ષાએ દાવો કર્યો હતો કે તે વિદેશમાં હતી ત્યારે તેની ઓળખાણ એક વ્યક્તિ સાથે થઈ હતી. તેણે જ આ ટ્રોલી બૅગ ભારત પહોંચાડવાનું કહ્યું હતું.

આરોપી વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે તેને અદાલતી કસ્ટડી ફટકારી હતી. આ મામલે અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે.

(પીટીઆઈ)