Fri Jun 12 2026

Logo

કેન વિલિયમસને ટેસ્ટ સિરીઝ પૂરી કર્યા વગર ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી દીધી

London   2026-06-12 19:17:43
Author: Ajay Motiwala
Article Image

અંતિમ મૅચમાં 0 અને 18 રનઃ રનનો ઢગલો અને સફળ કૅપ્ટન્સીમાં વિક્રમોની વણજાર

ક્રાઇસ્ટચર્ચ/લંડનઃ ક્રિકેટ જગતના શ્રેષ્ઠ બૅટ્સમેનોમાં ગણાતા અને ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટના સૌથી સફળ યુગના પ્રતીક સમાન કેન વિલિયમસને શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. વિલિયમસન પર્ફોર્મન્સમાં સાતત્યતા, ત્રુટિહીન માનસિકતા અને અપ્રતિમ કૅપ્ટન્સી માટે જાણીતો હતો અને એ શાનદાર કારકિર્દી પર તેણે પડદો પાડી દીધો છે. એ સાથે, કિવી ક્રિકેટના એક યુગનો અંત આવી ગયો છે.

ચોથી જૂને લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ વિલિયમસનની અંતિમ ઇન્ટરનૅશનલ મૅચ બની ગઈ. તેણે શ્રેણીની બીજી અને ત્રીજી ટેસ્ટમાં ન રમવાનું જણાવીને ઓચિંતી નિવૃત્તિ લઈ લીધી છે. લૉર્ડસની ટેસ્ટના પ્રથમ દાવમાં તે ઝીરોમાં અને બીજા દાવમાં માત્ર 18 રન બનાવીને આઉટ થયો હતો. તે બે વર્ષથી ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ સાથે કૉન્ટ્રૅક્ટથી બંધાયેલો નહોતો અને પસંદગીની આંતરરાષ્ટ્રીય મૅચ જ રમતો હતો અને કેટલીક ટી-20 લીગ ટૂર્નામેન્ટ સાથે પણ કરારબદ્ધ રહ્યો છે.

સાથીઓ માટે `કેન મામા'

ન્યૂ ઝીલૅન્ડના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન તરીકે ગણાતો વિલિયમસન (Williamson) 16 વર્ષની કરીઅરમાં તેના દેશ વતી કુલ 378 મૅચ રમ્યો હતો, તેણે અગણિત વિક્રમો રચ્યા હતા તેમ જ સમગ્ર ક્રિકેટ જગતની વાહ-વાહ મેળવી હતી. તેણે 2025માં ટી-20 ઇન્ટરનૅશનલ ગુડબાય (RETIREMENT) કરી દીધી હતી અને હવે આખી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી છે. હરીફ દેશોના કેટલાક ક્રિકેટરોમાં `કેન મામા' તરીકે જાણીતા કેન વિલિયમસને રિટાયરમેન્ટ જાહેર કરવાની સાથે ભાવુક નિવેદનો પણ આપ્યા છે. કેન (Kane) જ્યારે બીજી વખત પિતા બન્યો ત્યારે અફઘાનિસ્તાનના સ્પિનર રાશીદ ખાને તેને `કેન મામા'ના નામથી સંબોધન કર્યું હતું.

ટોચના આ ચાર બૅટ્સમેનોમાં ગણના

એક સમય હતો જ્યારે ક્રિકેટના ફલક પર ટોચના ચાર બૅટ્સમેનોની એકબીજાના કટ્ટર હરીફ માનવામાં આવતા હતા અને એમાં કેન વિલિયમસન ઉપરાંત વિરાટ કોહલી, જૉ રૂટ અને સ્ટીવ સ્મિથનો સમાવેશ હતો.

અમદાવાદની પ્રથમ ટેસ્ટમાં 131 રન, પ્રથમ વન-ડેમાં ઝીરો

કેન વિલિયમસને ટેસ્ટ અને વન-ડેની શરૂઆત ભારત સામે કરી હતી. નવેમ્બર 2010માં અમદાવાદમાં તે કરીઅરની પ્રથમ ટેસ્ટ રમ્યો હતો જેના પ્રથમ દાવમાં તેણે 131 રન બનાવીને ક્રિકેટ જગતને પોતાની ક્ષમતા બતાવી દીધી હતી. એ ટેસ્ટમાં રાહુલ દ્રવિડે 173 રન અને વીરેન્દર સેહવાગે 104 રન બનાવ્યા હતા. એ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી. જોકે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ત્રણ મહિના વહેલી (ઑગસ્ટ, 2010માં) વન-ડે મૅચથી શરૂ થઈ હતી જેમાં દામ્બુલાની ટ્રાયેન્ગ્યુલર ટૂર્નામેન્ટમાં તે ભારત સામેની વન-ડેમાં શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. 

ભાવુક નિવેદનમાં શું કહ્યું?

35 વર્ષના કેન વિલિયમસને ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડની એક યાદીમાં જણાવ્યું, `હું થોડા સમયથી નિવૃત્તિ વિશે વિચારતો જ હતો, પણ છેલ્લા થોડા દિવસથી મારા મનમાં સ્પષ્ટતા થઈ ગઈ હતી કે રિટાયર થઈ જવાનો આ જ યોગ્ય સમય છે. હંમેશાં મારામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું ઝનૂન હતું અને રન બનાવવાની ભૂખ રહી હતી અને હું મારા દેશ વતી પ્રત્યેક મૅચમાં પૂરી નિષ્ઠા અને ક્ષમતાથી રમ્યો એ બદલ ગર્વ અનુભવું છું. હું મારી પોતાની શરતે છોડી રહ્યો છું એ બદલ પણ પોતાને ભાગ્યશાળી માનું છું. ન્યૂ ઝીલૅન્ડની ટીમ મને બેહદ પ્રિય રહી છે અને સાથે હું આટલા લાંબા સમયથી (16 વર્ષથી) રહ્યો એ બદલ પણ પોતાને ખૂબ જ નસીબવાન ગણું છું. ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે.'

કેન વિલિયમસનની કરીઅરની આંકડાબાજી

(1) 110 ટેસ્ટ, 18306 બૉલમાં 9515 રન, 33 સેન્ચુરી, 38 હાફ સેન્ચુરી, 1063 ચોગ્ગા અને 28 છગ્ગા, 96 કૅચ, 251 રન હાઇએસ્ટ અને 54.06ની બૅટિંગ સરેરાશ.
(2) 175 વન-ડે, 8893 બૉલમાં 7256 રન, 15 સેન્ચુરી અને 47 હાફ સેન્ચુરી, 667 ચોગ્ગા અને 60 છગ્ગા, 76 કૅચ, 148 રન હાઇએસ્ટ અને 48.69ની બૅટિંગ સરેરાશ.
(3) 93 ટી-20, 2092 બૉલમાં 2575 રન, 18 હાફ સેન્ચુરી, 245 ચોગ્ગા અને 58 છગ્ગા, 95 રન હાઇએસ્ટ અને 33.44ની બૅટિંગ સરેરાશ.
(4) અન્ય સિદ્ધિઓઃ ન્યૂ ઝીલૅન્ડ વતી સૌથી વધુ વ્યક્તિગત ટેસ્ટ રન (9515), ડેબ્યૂ ટેસ્ટના પ્રથમ દાવમાં સેન્ચુરી (131 રન), ટેસ્ટના બન્ને દાવમાં સદી, ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન અને 50 કૅચ, ટેસ્ટમાં છઠ્ઠી વિકેટ માટે બીજા નંબરની સૌથી મોટી પાર્ટનરશિપ (વૉટલિંગ સાથે 365 રનની અતૂટ ભાગીદારી), વન-ડેમાં સૌથી વધુ નવ વખત નર્વસ-નાઇન્ટીઝ, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પોતાની કૅપ્ટન્સીમાં ટાઇટલ-વિજેતા (2021ની ફાઇનલમાં ભારત સામે વિજય), 40 ટેસ્ટમાં કૅપ્ટન્સી જેમાંથી બાવીસમાં કિવીઓનો વિજય તથા 10માં પરાજય અને આઠ મૅચ ડ્રૉ, 75 વન-ડેમાં કૅપ્ટન્સી જેમાંથી 39માં વિજય તથા 34માં પરાજય અને એક મૅચ ટાઇ, 2019ના વન-ડે વર્લ્ડ કપમાં અને 2021ના ટી-20 વર્લ્ડ કપમાં કિવીઓ રનર-અપ.