દુબઈ: મહિલાઓની એશિયા કપ ટૂર્નામેન્ટ ટી-20 ફૉર્મેટમાં 14 વર્ષથી રમાય છે જેમાં ભારત સૌથી વધુ ત્રણ વખત ચેમ્પિયન બન્યું છે અને હવે ચોથા ટાઇટલથી ફક્ત બે ડગલાં દૂર છે. ગુરુવારે દુબઈમાં એશિયા કપની લીગ મૅચમાં ભારતે સ્મૃતિ મંધાનાની રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સની મદદથી હોંગ કોંગને 137 રનના તોતિંગ માર્જિનથી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ વખતે સેમિ ફાઇનલ (semi final)માં પહોંચનાર ભારત પહેલો દેશ બન્યો છે. હરમનપ્રીત કૌરની ટીમ હવે શનિવાર, પાંચમી સપ્ટેમ્બરે ફાતિમા સનાની પાકિસ્તાની ટીમ સામે લીગ મૅચ રમશે.
સ્મૃતિના 7 છગ્ગા અને 14 ચોગ્ગા
પ્લેયર ઑફ ધ મૅચ સ્મૃતિ મંધાનાએ માત્ર 64 બૉલમાં સાત છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા. ટીમમાં સેકન્ડ હાઈએસ્ટ રન શેફાલી વર્મા (28 રન)ના હતા.

Source: BCCITV
સ્મૃતિએ રચ્યા બે મોટા વિશ્વ વિક્રમ
મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે સ્મૃતિ મંધાના (Smriti Mandhana) 18 સેન્ચુરી સાથે અવ્વલ સ્થાને છે. તેણે 17-17 ઇન્ટરનેશનલ સેન્ચુરી ધરાવતી ઑસ્ટ્રેલિયાની મેગ લૅનિંગ અને સાઉથ આફ્રિકાની લૉરા વૉલવાર્ટનો સંયુક્ત વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી ભારતની ભૂતપૂર્વ ખેલાડી મિતાલી રાજ કુલ 10,868 રન સાથે દુનિયાભરની ખેલાડીઓમાં મોખરે હતી. હવે સ્મૃતિ મંધાના (10,880 રન) અવ્વલ સ્થાને છે.
ભારતના 193માંથી 124 રન સ્મૃતિના
ભારતે પહેલાં બૅટિંગ મળી એનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને 20 ઓવરમાં પાંચ વિકેટે 193 રન કર્યા હતા. એમાંથી 124 રન સ્મૃતિના હતા. સ્મૃતિ-શેફાલી વચ્ચે 74 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. શેફાલીની વિકેટ ભારતીય મૂળની સ્પિનર રુચિતા વેન્કટેશે લીધી હતી, જ્યારે સ્મૃતિ સતત બીજી મૅચમાં રનઆઉટ થઈ હતી.

Source: BCCITV
દીપ્તિ શર્માની એક ઓવરમાં પડી ત્રણ વિકેટ
હોંગ કોંગની ટીમ માટે 194 રનનો લક્ષ્યાંક અશક્ય હતો. તેમણે બીજી જ ઓવરથી વિકેટ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. 31 રનના કુલ સ્કોર પર તેમની બે જ વિકેટ હતી, પરંતુ અચાનક ધબડકો શરૂ થઈ ગયો હતો અને સમયાંતરે વિકેટો પડતી રહી હતી. સ્પિનર દિપ્તી શર્માની એક ઓવરમાં ત્રણ વિકેટ પડી હતી જેમાંની એક વિકેટ ભારતને રનઆઉટમાં મળી હતી.
𝙎𝙘𝙖𝙡𝙞𝙣𝙜 𝙉𝙚𝙬 𝙃𝙚𝙞𝙜𝙝𝙩𝙨 𝙛𝙩. 𝙎𝙢𝙧𝙞𝙩𝙞 𝙈𝙖𝙣𝙙𝙝𝙖𝙣𝙖 🫡
— BCCI Women (@BCCIWomen) September 4, 2026
A special conversation with the leading run-getter in women's international cricket! - By @mihirlee_58 #TeamIndia | #INDvHK | #WomensAsiaCup | @mandhana_smriti pic.twitter.com/L1WwfKVrz7
હોંગ કોંગ 56 રનમાં ઑલઆઉટ
હોંગ કોંગની ટીમે 17મી ઓવર સુધી ભારતને લડત આપી હતી. તેમનો દાવ 16.2 ઓવરમાં બનેલા કુલ 56 રનના સ્કોર પર પૂરો થયો હતો અને ભારતે 137 રનના તફાવતથી વિજય મેળવ્યો હતો. ત્રણ સ્પિનરમાંથી દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ, શ્રી ચરનીએ બે વિકેટ અને પ્રેમા રાવતે પણ બે વિકેટ લીધી હતી. બે વિકેટ પેસ બોલર નંદની શર્માને મળી હતી.