ભુજઃ કચ્છના ગાંધીધામ શહેર ખાતેની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ની મુખ્ય શાખાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે તહેવારોના સમયે જ વરિષ્ઠ નાગરિકોને પેન્શન ન મળતાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
મળતી વિગતો મુજબ, દર વર્ષે પેન્શનરોએ બેન્કમાં હયાતીનું ફોર્મ (લાઇવ સર્ટિફિકેટ) જમા કરાવવાનું હોય છે, જે બેન્ક દ્વારા સરકારી તિજોરી કચેરી ખાતે મોકલવામાં આવે છે. જોકે, આ વખતે શાખામાંથી અંદાજે ૧૦ જેટલાં પેન્શનરોના હયાતીના ફોર્મ જ ગુમ થઈ ગયા હતા. પરિણામે સાતમ-આઠમના પર્વ ટાંકણે જ આ તમામ નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન અટકી પડતાં પરિવારજનોની હાલત કફોડી બની હતી.
નિવૃત્ત કર્મચારી અરવિંદ બુચે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બેન્કમાં આવી ગંભીર બેદરકારી અવારનવાર દાખવવામાં આવે છે અને કર્મચારીઓ બદલાઈ ગયા બાદ અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લે છે. તહેવારના સમયે જ પેન્શન ન મળતાં વરિષ્ઠ નાગરિકોમાં બેન્કના ધાંધિયા સામે ભારે રોષ વ્યાપ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)