Fri Jun 12 2026

Logo

Munich Air Disaster 1958: જીતની ખુશી માતમમાં ફેરવાઈ! સેમીફાઈનલમાં પહોંચેલી આખી ફૂટબોલ ટીમ કેવી રીતે પ્લેન ક્રેશમાં હોમાઈ ગઈ?

2026-06-12 15:43:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં ફિફા વર્લ્ડકપનો ધમાકેદાર પ્રારંભ થયો છે અને ફૂટબોલપ્રેમીઓ માટે આ ઈવેન્ટ ખૂબ જ એક્સાઈટિંગ અને રસાકસીથી ભરપૂર હોય છે. પરંતુ રમત જગતમાં હાર-જીત તો ચાલતી રહે છે, પરંતુ ફૂટબોલના લાંબા ઈતિહાસમાં કેટલીક એવી દુર્ઘટનાઓ પણ ઘટી છે, જેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. છઠ્ઠી ફેબ્રુઆરી 1958નો દિવસ ફૂટબોલના ઇતિહાસમાં એક 'કાળા દિવસ' તરીકે નોંધાયેલો છે. આ એ દિવસ હતો જ્યારે એક ભયાનક વિમાન અકસ્માતમાં એક આખી ફૂટબોલ ટીમ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ હતી. આજે આપણે અહીં જાણીશું મ્યુનિચ સહિત ફૂટબોલ જગતની 5 સૌથી હૃદયદ્રાવક અને કાળજા કંપાવનારી વિમાન દુર્ઘટનાઓ વિશે...

મ્યુનિચ વિમાન અકસ્માત (1958) - માન્ચેસ્ટર યુનાઇટેડનો કાળો દિવસ
છઠ્ઠી ફેબ્રુઆરી 1958ના રોજ તત્કાલીન પશ્ચિમ જર્મનીના મ્યુનિકમાં ભારે બરફવર્ષા થઈ રહી હતી. યુરોપા લીગની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા પાકી કર્યા બાદ માન્ચેસ્ટર યુનાઇટેડની ટીમ બેલગ્રેડથી માન્ચેસ્ટર પરત ફરી રહી હતી. વિમાનમાં કુલ 44 લોકો સવાર હતા. ખરાબ હવામાનને કારણે પાઇલટે બે વાર ઉડાન ભરવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો. ત્રીજી વખત જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે અતિશય બરફના કારણે પ્લેન રનવે પરથી લપસી ગયું અને સીધું સામેના એક મકાન સાથે અથડાયું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 20 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 3 લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. મૃતકોમાં માન્ચેસ્ટર યુનાઇટેડના 8 સ્ટાર ફૂટબોલરો સામેલ હતા. ફૂટબોલના મહાન ખેલાડી બોબી ચાર્લ્ટન આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ ચમત્કારિક રીતે બચી ગયા હતા.

ટોરિનો એફસી પ્લેન ક્રેશ (1949) - પહાડ સાથે અથડાયું વિમાન
ઇટાલીની પ્રખ્યાત ફૂટબોલ ક્લબ 'ટોરિનો એફસી'ના ખેલાડીઓ લિસ્બનમાં એક ફ્રેન્ડલી મેચ રમીને પરત ફરી રહ્યા હતા. ત્યારે ટ્યુરિન નજીક એક પહાડી વિસ્તારમાં ફિયાટનું ત્રણ એન્જિનવાળું કોમર્શિયલ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં કુલ 31 લોકોના મોત થયા હતા, જેમાંથી 18 ખેલાડીઓ હતા. આ અકસ્માતે આખા ઇટાલીને શોકમાં ડૂબાડી દીધું હતું.

અલિયાન્ઝા લિમા દુર્ઘટના (1987)- પ્રશાંત મહાસાગરમાં ખાબક્યું પ્લેન
વર્ષ 1987માં પેરૂની ફર્સ્ટ ક્લાસ ફૂટબોલ ટીમ 'અલિયાન્ઝા લિમા'ના ખેલાડીઓને લઈને જઈ રહેલું વિમાન ટેકનિકલ ખામીના કારણે પેસિફિક મહાસાગરમાં ખાબક્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનામાં ટીમના તમામ 16 ખેલાડીઓ સહિત વિમાનમાં સવાર દરેક વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા.

ઝામ્બિયા રાષ્ટ્રીય ટીમ અકસ્માત (1993)- એટલાન્ટિકમાં સમાઈ ગઈ ટીમ
વર્ષ 1993માં આખી ઝામ્બિયાની ફૂટબોલ ટીમ વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ રમવા માટે ડકાર જઈ રહી હતી. પરંતુ કમનસીબે એટલાન્ટિક મહાસાગરની ઉપર વિમાનમાં ખામી સર્જાઈ અને તે દરિયામાં તૂટી પડ્યું હતું. વિમાનમાં સવાર તમામ 25-25 લોકોના આ અકસ્માતમાં કરુણ મોત થયા હતા.

શાપેકોએન્સે ટીમ ક્રેશ (2016)- ફાઇનલ મેચ પહેલા જ સર્જાયો કાળો કેર
તાજેતરના ઇતિહાસની સૌથી દર્દનાક ઘટના વર્ષ 2016માં બની હતી. બ્રાઝિલની 'શાપેકોએન્સે' ફૂટબોલ ટીમ કોપા સુદામેરિકાનાની ફાઇનલ મેચ રમવા જઈ રહી હતી. કોલંબિયાના પહાડોમાં ફ્યુઅલ ખતમ થઈ જવાના કારણે પ્લેન ક્રેશ થયું અને તેમાં 71 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં ફૂટબોલ ટીમના 19 સભ્યો જેમાંથી 14 ખેલાડીઓ હતા) માર્યા ગયા હતા. આ અકસ્માતમાં માત્ર 3 ખેલાડીઓ જ ચમત્કારિક રીતે જીવતા બચ્યા હતા.

વધુ જુઓ...