નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે પુરવઠો વિક્ષેપિત થતાં ઈનપૂટ્સ ખર્ચમાં થયેલ વધારાને ધ્યાનમાં લેતા ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ. આગામી પહેલી જુલાઈથી તેના ઈન્ટરનલ કમ્બશન એન્જિન (આઈસીઈ) અર્થાત્ ઈંધણથી ચાલતા અને ઈલેક્ટ્રિક વાહનો સહિતનાં વાહનોના પોર્ટફોલિયોના ભાવમાં 1.5 ટકા સુધીનો વધારો કરશે, એમ કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે ત્રણ મહિનામાં બીજી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અગાઉ પહેલી એપ્રિલના રોજ આઈસીઈ વાહનોના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
ભાવમાં કરવામાં આવેલો આ વધારો ઈનપૂટ્સ ખર્ચમાં વધેલા ફુગાવાલક્ષી દબાણને આંશિક રીતે અંકુશમાં રાખવા માટે કરવામાં આવ્યો હોવાનું કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું. ઈનપૂટ્સ ખર્ચમાં થયેલા વધારા પૈકી નોંધપાત્ર માત્રા ટાટા મોટર્સ પેસેન્જર્સ વેહિકલ ભોગવી રહી છે અને ગ્રાહકો પર પ્રમાણમાં ઓછો ભાવવધારો પસાર કરવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે આ ભાવ વધારો અલગ અલગ મૉડૅલ અને વેરિઅન્ટ્સ અનુસાર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ પહેલી જૂનના રોજ દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી લિ. એ ફુગાવાલક્ષી દબાણને ધ્યાનમાં લેતા વિવિધ મોડૅલના ભાવમાં રૂ. 30,000 સુધીનો વધારો કર્યો હતો. તેમ જ ગત પહેલી જૂનથી હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિ.એ પણ તેના વાહનોના ભાવ રૂ. 12,800 સુધી વધાર્યા હતા.