Fri Jun 12 2026

Logo

નાનપણમાં મને ટીવી પર માત્ર ફૂટબૉલ વર્લ્ડ કપની મૅચો જોવાની છૂટ હતી, હવે અમેરિકાના સ્ટેડિયમમાં જઈને જોઈશઃ હૈતીની સૉકરપ્રેમી

Port-au-Prince   2026-06-11 22:49:09
Author: Ajay Motiwala
Article Image

પોર્ટ-ઑ-પ્રિન્સ (હૈતી)ઃ કૅરિબિયન ધરતી (વેસ્ટ ઇન્ડિઝ)માં આપણા દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓ ખાસ કરીને જમૈકા, બાર્બેડોઝ, ઍન્ટિગા, સેન્ટ કિટ્સ વગેરે ટાપુ-રાષ્ટ્રોથી જ પરિચિત છીએ, પરંતુ હૈતી નામનો દેશ પણ સમુદ્રથી ઘેરાયેલા અને અશ્વેતોની વસતીવાળા આ પ્રદેશમાં છે એ કેટલાકને ખબર નહીં હોય. જોકે અહીં ખાસ એ વાત કરવાની છે કે હૈતી જેવો ટચૂકડો દેશ પાંચ દાયકા પછી પહેલી વાર ફિફા વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થયો છે અને એના નાગરિકો માટે માત્ર આ ક્વૉલિફિકેશન વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બરાબર છે. મલાઇકા ડેસરામ્યૉક્સ નામની હૈતીની એક નાગરિકે ખૂબ સરસ અંગત અનુભવ શૅર કર્યો છે.

હૈતી છેક બાવન વર્ષે વિશ્વ કપમાં ક્વૉલિફાય થયું એટલે એના કેટલાક નાગરિકો અમેરિકા જઈને હૈતી (Haiti)ની મૅચ સ્ટેડિયમમાં જોવા આતુર છે. બ્રાઝિલ, મોરોક્કો અને સ્કૉટલૅન્ડ છે. હૈતીની પ્રથમ મૅચ (ભારતીય સમય મુજબ) રવિવાર, 14મી જૂને સવારે 6.30 વાગ્યાથી સ્કૉટલૅન્ડ સામે રમાશે.

30 વર્ષના જોહેન પ્લાસાઇમ અને 30 વર્ષની મલાઇકા (Malaika) ડેસરામ્યૉક્સ હૈતીના છે અને તેઓ હૈતીની મૅચ જોવા બૉસ્ટન જવાના છે. તેમનામાં માત્ર આ મૅચ જોવાની આતુરતા જ નથી, વર્લ્ડ કપને બહાને હૈતીની સંસ્કૃતિ ખેલકૂદના વૈશ્વિક મંચ સુધી પહોંચી, દેશને ગૌરવ મળ્યું અને તેમને હૈતીના ફૂટબૉલ ઇતિહાસમાં (પ્રેક્ષક તરીકે) હિસ્સેદાર બનવા મળ્યું એ બદલ તેઓ ગર્વ અનુભવે છે.

મલાઇકાએ એક મુલાકાતમાં કહ્યું, `હું નાની હતી ત્યારે મને ઘરમાં બહુ ટીવી જોવાની મનાઈ હતી. મારા પપ્પા મને ફક્ત ફિફા વર્લ્ડ કપની મૅચો જોવાની છૂટ આપતા હતા. મારા પપ્પાને કૅબલ કનેક્શન તો શું, ટીવી જ નહોતું ગમતું. અમારા ઘરમાં કૅબલની લાઇન હતી જ નહીં. જોકે ફિફા વિશ્વ કપ આવતો ત્યારે તેઓ ખાસ બે મહિના માટે કૅબલનું કનેક્શન નખાવી આપતા હતા. મોટી ખુશીની વાત એ છે કે હવે હું ફ્રેન્ડ સાથે મારા હૈતી દેશની ટીમનો પર્ફોર્મન્સ અમેરિકાના સ્ટેડિયમમાં બેસીને માણીશ. હું મારા પપ્પાને વર્લ્ડ કપ જોવા મારી સાથે લઈ જવા ઘણા વર્ષોથી ઉત્સુક હતી. કમનસીબે તેઓ હવે હયાત નથી, પણ હું અમેરિકામાં મૅચ જોઈને તેમને યાદ જરૂર કરીશ.'