નવી દિલ્હીઃ પાક વર્ષ 2025-26માં ખાસ કરીને ફળો અને શાકભાજીનું ઉત્પાદન વધુ થતાં દેશમાં બાગાયતી પાકનું ઉત્પાદન બે ટકા વધીને 37.777 કરોડ ટન આસપાસ રહેવાનો સરકારે તાજેતરમાં અંદાજ મૂક્યો હોવાનું આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
ગત ગુરુવારે જાહેર કરવામાં આવેલી અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર પાક વર્ષ 2025-26માં બાગાયતી પાક હેઠળનો વિસ્તાર ગત સાલના 301.36 લાખ હેક્ટર સામે સાધારણ વધીને 301.51 લાખ હેક્ટર રહ્યો છે. કૃષિ મંત્રાલયે જાહેર કરેલા દ્વિતીય આગોતરા અંદાજમાં પાક વર્ષ 2025-26માં દેશમાં બાગાયતી પાક આગલા પાક વર્ષના 3707.38 લાખ ટનની સરખામણીમાં 70.39 લાખ ટન (1.90 ટકા) વધીને 3777.76 લાખ ટનનો મૂકવામાં આવ્યો છે.
આ વર્ષે મુખ્યત્વે ફળો, શાકભાજી, ફૂલો અને ઔષધીય વનસ્પતિના ઉત્પાદનમાં વધારાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે બટાટા, ટમેટા, ભીંડા, વટાણા, કોબીફ્લાવર અને દૂધીનું ઉત્પાદન વધતાં શાકભાજીનું ઉત્પાદન 1.5 ટકા વધીને 2210 લાખ ટન (2177.97 લાખ ટન) રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. મંત્રાલયે કાંદાનું ઉત્પાદન ઘટીને 307.37 લાખ ટન (307.67 લાખ ટન), બટાટાનું ઉત્પાદન વધીને 598.89 લાખ ટન (585.71 લાખ ટન) અને ટમેટાનું ઉત્પાદન વધીને 214.61 લાખ ટન (205.99 લાખ ટન) રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
વધુમાં કૃષિ મંત્રાલયે એરોમેટિક્સ અને મેડિસિનલ (સુગંધી ચીજો અને ઔષધીય વનસ્પતિ)નું ઉત્પાદન આગલા પાક વર્ષના 9.01 લાખ ટન સામે વધીને 9.76 લાખ ટનની સપાટીએ રહેવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે પ્લાન્ટેશન પાકનો અંદાજ 169.34 લાખ ટનનો મૂકવામાં આવ્યો છે. જેમાં ફૂલોનું ઉત્પાદન વધીને 45.84 લાખ ટન (42.65 લાખ ટન)અને સૂંઠ, હળદર, લીમડો, મેથી જેવી ચીજોનું ઉત્પાદન વધતાં તેજાના મસાલાનું ઉત્પાદન વધીને 126.55 લાખ ટન થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.