રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૦ લાખ કરોડથી વધુનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની આશા, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને મજબૂત રૂપિયા સહિતના પરિબળોને કારણે વ્યાપક લેવાલીના ટેકા સાથે સેન્સેક્સ સત્ર દરમિયાન, ૭૫,૬૦૮.૦૨ની ઇન્ટ્રાડે ઉચ્ચતમ સપાટીને સ્પર્શ્યા બાદ ૧,૬૯૫.૪૧ પોઈન્ટ અથવા ૨.૩૦ ટકા વધીને ૭૫,૫૨૭.૯૫ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી સત્ર દરમિયાન ૨૩,૬૪૫.૩૫ની ઊંચી સપાટીને અથડાઇને અંતે ૪૬૧.૩૦ પોઈન્ટ અથવા ૧.૯૯ ટકા વધીને ૨૩,૬૨૨.૯૦ પર બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૦ લાખ કરોડથી વધુનો ઉમેરો થયો હતો.
ભારતીય શેરબજારોમાં શુક્રવારે જોવા મળેલી મજબૂત તેજીમાં બેન્ચમાર્ક શેરઆંકોએ તાજેતરના અઠવાડિયામાં સૌથી મોટો એક દિવસીય ઊછળો નોંધાવ્યો હતો. તેજી માટેનું પ્રથમ કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોમાં પ્રગતિ સૂચવતા અહેવાલો હતા. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ઇરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થયું હોવાના કથન સાથે ભૂ-રાજકીય જોખમો અંગે ચિંતા ઓછી થવા સાથે ખાસ કરીને ક્રૂડના ભાવ ઘટાડા અને રૂપિયાની મજબૂતીને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં જબ્બર સુધારો જોવા મળ્યો હતો.
બ્લૂમબર્ગના અહેવાલમાં જી-સેવનના અધિકારીએ અમેરિકા અને ઈરાન શાંતિ કરારની નજીક હોવાનું જાહેર કરતા બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. અહેવાલ મુજબ, બંને પક્ષો રવિવારની શરૂઆતમાં સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરી શકે છે. ઔપચારિક કરારની શક્યતાએ રોકાણકારોને ઇક્વિટી સહિતની જોખમી એસેટ્સમાં એક્સપોઝર વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
બજારોને ટેકો આપતો બીજુ મુખ્ય પરિબળ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છે. ભૂ-રાજકીય તણાવ ઓછો થવાની આશા વધતાં, બ્રેન્ટ ક્રૂડ ઝડપી ઘટાડા સાથે લગભગ ૮૭ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. ભારત માટે ક્રૂડના નીચા ભાવ હકારાત્મક છે, જે તેની મોટાભાગની ક્રૂડ તેલની જરૂરિયાતોનો આયાત કરે છે. ક્રૂડના નીચા ભાવ આયાત ખર્ચ ઘટાડવામાં, ફુગાવાના દબાણને ઘટાડવામાં અને દેશની ચાલુ ખાતાની સ્થિતિ સુધારવામાં મદદ કરી શકે છે.
આ ઉપરાંત ભારતીય રૂપિયો પણ યુએસ ડોલર સામે મજબૂત બન્યો હોવાથી બજારના સેન્ટિમેન્ટમાં વધુ સુધારો થયો હતો. બેંકિંગ અને નાણાકીય શેરોમાં લાવલાવનો માહોલ સર્જાતા વ્યાપક બજારને ઊંચી સપાટીએ પહોંચવામાં મદદ મળી હતી. ક્રૂડ તેલના નીચા ભાવ, મજબૂત રૂપિયો અને ઘટેલી ભૂ-રાજકીય અનિશ્ર્ચિતતાના સંયોજનને આધારે રોકાણકારો આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ કમાણી માટે સકારાત્મક ચિત્ર જોઇ રહ્યા છે.