Sun Jun 14 2026

Logo

અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમની ચોરી કેસમાં SITની રચના, આરોપીના ઘરેથી 10 લાખ રોકડા મળ્યા

2026-06-13 21:23:33
Author: Vimal Prajapati
Article Image

અયોધ્યા: રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાનમાં નાણાકીય ગેરરીતિના મામલે ઉત્તર પ્રદેશ સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક યુવકની અટકાયત કરી છે, જ્યારે યોગી સરકારે સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દીધી છે. SOG દ્વારા લવ કુશ મિશ્રાના યુવકની ધરપકડ કરવામાં આવી છે, જે રુદૌલીના મીનાપુર ફગૌલી ગામનો રહેવાસી છે. તપાસ દરમિયાન પોલીસને તેના ઘરેથી ચોંકાવનારી વિગતો મળી છે. લવકુશના ઘરેથી 10 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જે તેણે પકડાઈ જવાના ડરથી ગોબરમાં છુપાવીને રાખ્યા હતા.

SIT 15 દિવસમાં રિપોર્ટ જાહેર કરશે

તપાસ એજન્સીઓ હાલ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દાનપેટીઓમાંથી રકમની ગણતરી કરવાની પ્રક્રિયામાં લવ કુશની શું ભૂમિકા હતી અને આમાં અન્ય કેટલા કર્મચારીઓ સામેલ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી SIT ને અત્યંત ટૂંકા ગાળામાં તપાસ પૂર્ણ કરવા આદેશ અપાયા છે. તપાસનો પ્રારંભિક રિપોર્ટ આગામી 7 દિવસની અંદર રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ અંતિમ રિપોર્ટ, 15 દિવસની અંદર શાસનને સોંપવાનો રહેશે.

CCTV ફૂટેજ બનશે તપાસનો મુખ્ય આધાર

SIT ની ટીમની વાત કરવામાં આવે તો, લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતને આ SITના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં આઈપીએસ અધિકારી કિરન એસ અને વિશેષ સચિવ (નાણાં) નીલ રતનને સભ્ય નિયુક્ત કરવામાં આવ્યાં છે.  તપાસકર્તાઓ મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા તમામ CCTV ફૂટેજનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી રહ્યા છે. ખાસ કરીને જ્યાં દાનની રકમની ગણતરી કરવામાં આવે છે તે સ્થળોના વિડિયો તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, અન્ય ટેકનિકલ પુરાવાઓ અને નાણાકીય રેકોર્ડ્સની પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

રામ મંદિરમાંથી પ્રસાદની ચોરીના સંદર્ભમાં લવ કુશ મિશ્રા નામના કર્મચારીના ઘરેથી લાખો રૂપિયા મળી આવ્યા છે. અત્યારો સોશિયલ મીડિયામાં લવ કુશ મિશ્રાના પિતાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. લવકુશ મિશ્રાના પિતા બચ્ચુ લાલે દીકરા લવકુશ મિશ્રાનો બચાવ કર્યું છે. સાંભળો શું કહી રહ્યાં છે આરોપીના પિતા...

નૃપેન્દ્ર મિશ્રા અને કેબિનેટ પ્રધાનનું નિવેદન

આ દરમિયાન રામ મંદિર કન્સ્ટ્રક્શન કમિટીના ચેરપર્સન નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની જવાબદારી માત્ર નિર્માણ કાર્યની દેખરેખ પૂરતી મર્યાદિત છે અને તેઓ અહીં બાંધકામની સમીક્ષા કરવા આવ્યા છે. બીજી તરફ, કેબિનેટ પ્રધાન સૂર્ય પ્રતાપ શાહીએ વિશ્વાસ અપાવ્યો હતો કે કોઈપણ ભક્તની આસ્થા સાથે ખીલવાડ કરવામાં આવશે નહીં. ટ્રસ્ટ આ બાબતે જાગૃત છે અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.