અમદાવાદઃ કાળા માથાનો માનવી અત્યારે જેટલી પ્રગતિ કરી રહ્યો છે, તેની સાથે અધોગતિ પણ એટલી જ કરી રહ્યો છે. જેણે આખું બ્રહ્માંડ બનાવ્યું છે, તેવા ઈશ્વરને પણ હવે માનવી ખરીદવા લાગ્યો છે. આખરે ઈશ્વર પર કોઈ વ્યક્તિ કે સંસ્થાનું સ્વામીત્વ કેવી રીતે હોઈ શકે? આવા પ્રશ્ન વચ્ચે બોટાદમાં આવેલા સાળંગપુર હનુમાનજીના નામ અને સ્વરૂપોના કૉપીરાઇટ-ટ્રેડમાર્ક સુરક્ષા ખરીદવામાં આવ્યાં છે. સ્વામીનારાણય સંપ્રદાય દ્વારા હવે સાળંગપુર હનુમાનજી મહારાજના કોપીરાઈટ્સ લેવામાં આવ્યાં છે. એટલે કે હવે આ સંસ્થાની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સાળંગપુર હનુમાનજી મહારાજના સ્વરૂપો, ચિત્રો અને આધ્યાત્મિક અભિવ્યક્તિઓનો ઉપયોગ નહીં કરી શકે!
પ્રથમ વખત કોઈ ધાર્મિક વારસાના કૉપીરાઇટ ખરીદાયા
દેશભરમાં પ્રથમ વખત કોઈ ધાર્મિક અને આધ્યાત્મિક વારસાના કૉપીરાઇટ ખરીદવામાં આવ્યાં છે. સાળંગપુર હનુમાનજી મહારાજના પવિત્ર વારસાના સંરક્ષણ માટે ટ્રસ્ટનું ઐતિહાસિક પગલું છે તેવો સંસ્થાએ દાવો પણ કર્યો છે. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, ચિત્રો અને આધ્યાત્મિક અભિવ્યક્તિઓને આ સંસ્થાએ પોતાના નામે કરી લીધા છે. સ્વામી નારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાનજીના નામ, સ્વરૂપો, ચિત્રો અને સંબંધિત બૌદ્ધિક સંપત્તિની નોંધણી કરાવવામાં આવી છે.
ગુજરાતભરના સાધુ સંતો અને મહંતોએ વિરોધ નોંધાવ્યો
તમને જણાવી દઈએ કે હવે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દાદાના નામ, ચિત્રો અથવા આધ્યાત્મિક વારસાનો વ્યાવસાયિક ઉપયોગ ટ્રસ્ટની મંજૂરી વગર કરી શકશે નહીં. તેનો ઉપયોગ કરતા પહેલા ટ્રસ્ટની મંજૂરી લેવાની રહેશે. એટલે મૂળ વાત એ છે કે, આ ટ્રસ્ટ હવે સાળંગપુર હનુમાનજી મહારાજનું સ્વામી છે. મંદિર ટ્ર્સ્ટ દ્વારા કૉપીરાઇટ ખરીદવામાં આવ્યાં તેને લઈને ગુજરાતભરના સાધુ સંતો અને મહંતો વિરોધ નોંધાવી રહ્યાં છે. તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે, લાખો લોકો જેની પૂજા કરે છે તેના પર કોઈ પણ સંસ્થા કાનૂની અધિકાર સ્થાપિત કરી શકે નહીં. પરંતુ સાળંગપુર મંદિર ટ્રસ્ટ દ્વારા આ કામ કરવામાં આવ્યું છે, જેથી સાધુ સંતો નારાજ થયાં છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા કેવો દાવો કરવામાં આવ્યો?
મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે, રજીસ્ટ્રેશન ફક્ત કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપને જાળવવા અને ભાવિ પેઢીઓ માટે મંદિરના વારસાનું રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી મેળવવામાં આવ્યા હતા. એવું નોંધાયું છે કે છ મહિનાની કાનૂની પ્રક્રિયા પછી ડોમેન નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ બૌદ્ધિક સંપદા નોંધણી પૂર્ણ કરવામાં આવી હતી. ટ્રસ્ટનું કહેવું છે કે, ‘સાળંગપુરના રાજા’ (King Of Salangpur) ની મૂર્તિને સંબંધિત કોઈ સામાન જેમ કે, ટી-સર્ટ, કિચન, પેન્ડલ, ફોટો ફ્રેમ કે પ્રતિમા બનાવતા કે વેચતા પહેલા મંદિર ટ્રસ્ટની પહેલી મંજૂરી લેવી પડશે! મંદિરના અધિકારીઓનો દાવો છે કે આ પગલાથી નકલી ધાર્મિક ઉત્પાદનોના વેચાણને રોકવામાં મદદ મળશે અને ભક્તોને 'સાળંગપુર' નામથી વેચાતા અસલી પ્રસાદને ઓળખી શકશે અને નકલી પર રોક લગાવી શકાશે.
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો તથા "કિંગ ઓફ સાળંગપુર" સહિત વિવિધ કોપીરાઈટ અને ટ્રેડમાર્કના સર્ટીફીકેટનું દાદાના ચરણોમાં સમર્પણ 11-06-2026
— Shri Hanuman Temple - Salangpur (@kashtbhanjandev) June 11, 2026
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.https://t.co/tteV5KhUvC#salangpur #salangpurdham
🚩 જય શ્રી રામ🚩 pic.twitter.com/Ara8CCQ0bp
શું સાળંગપુર હનુમાનજી માત્ર કોઈ એક સંસ્થાની માલિકી છે?
મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલો આ તર્ક કેટલો પાયાવિહોણો છે. શું સાળંગપુર હનુમાનજી માત્ર કોઈ એક સંસ્થાની માલિકી છે? મુખ્ય વાત એ છે કે, કૉપીરાઇટ ખરીદ્યા બાદ હવે આ સંસ્થા કે ટ્રસ્ટ સાળંગપુર હનુમાનજી સ્વામી છે તેવું સાબિત થયું છે. પ્રખ્યાત ધાર્મિક નેતાઓએ આનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, દૈવી સ્વરૂપોને કોપીરાઈટ અથવા ટ્રેડમાર્ક દાવાઓને આધિન ન કરી શકાય. આ વાત સાચી પણ છે. ઈશ્વર એ ઈશ્વર છે અને માનવી એ માનવી! પરંતુ આ મંદિર ટ્રસ્ટ હવે ઈશ્વરથી પણ ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભગવાનનો કોઈ કોપિરાઈટ થાય નહીંઃ મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી
મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા પ્રતિકોને કાનૂની માલિકીના દાયરામાં જોવું યોગ્ય નથી. ભગવાન અને દેવી-દેવતાઓ સમગ્ર સૃષ્ટિના છે. ભગવાનનો કોઈ કોપિરાઈટ થાય નહીં, ભગવાન મહાદેવ, શ્રીરામ, શ્રીકૃષ્ણ આપણા જે ઉપાસક છે, ક્યારેય કોઈ ઉપાસનામાં કોપિરાઈટ હોઈ જ ન શકે અને ચારેય યુગોમાં હનુમાનજી છે. એટલે કોપિરાઈટ જેણે કર્યું છે, તેની હું તદ્દન નિંદા કરું છું અને કડક શબ્દોમાં વખોડી કાઢું છું.
રાજકોટના એક સંત બાબા જ્યોતિર્નાથ મહારાજે પણ આનો વિરોધ કર્યો છે. આની નિંદા કરતા કહ્યું કે, સનાતન ધર્મના દેવતાઓને ટ્રેડમાર્ક અને બૌદ્ધિક સંપદા અધિકારોના દાયરામાં મર્યાદિત કરી શકાય નહીં. કોઈ પણ પ્રકારનો પ્રયત્ન જો દિવ્ય સ્વરૂપોની પવિત્રતાને સીમિત કરવાનો હોય તો તે અસ્વીકાર્ય છે.

ગુજરાતભરના અનેક સંતો અને અખાડાઓએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો
હનુમાન દાદાની મૂર્તિ અને તેના નામ સાથે સંકળાયેલા કાનૂની હકો અંગે લેવાયેલા નિર્ણયને મામલે ગુજરાતભરના અનેક સંતો અને અખાડાઓએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું કે, ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ એક ટ્રસ્ટનો એકાધિકાર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે કોર્પોરેટ સંપત્તિ નથી. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેના પર માલિકીનો દાવો કરી શકે નહીં.
કોપીરાઈટ સુરક્ષાને ક્યારેય ભગવાન સાથે જોડાઈ શકે?
આ પગલે ચિંતા વ્યક્ત કરતા, જૂનાગઢના ખાખીમડી આશ્રમના મહંત સુખરામદાસ બાપુએ જણાવ્યું હતું કે, કોપીરાઈટ સુરક્ષાને ક્યારેય ભગવાન સાથે જોડાવી જોઈએ નહીં, અને નિર્ણયના સમર્થકોને તેની વ્યાપક અસર પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. સનાતન પરંપરાના અનેક સાધુ સંતો અને મહંતોએ મંદિર ટ્રસ્ટને મૂર્તિ અને તેની સાથે સંકળાયેલા તમામ ટ્રેડમાર્કની નોંધણી રદ્દ કરવાની માંગ કરી છે. કેટલાકે ચેતવણી આપી છે કે જો નિર્ણય બદલવામાં નહીં આવે તો વિરોધ અને બહિષ્કાર અભિયાન ચલાવવામાં આવશે.
કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પણ આ નિર્ણયથી નારાજ
આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પણ વિરોધ નોંધાવ્યો છે. કહ્યું કે, સનાતમ ધર્મ કોઈની જાગીર નથી, આ સંપ્રદાય વારંવાર વિખવાદોમાં આવે છે. ભૂતકાળમાં આ જ મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક બતાવ્યા હતા અને સનાતમ ધર્મના લોકોએ જ્યારે ઉગ્ર વિરોધ કર્યો હતો, ત્યારે એ લોકોએ આ પ્રતિમાઓને ત્યાંથી હટાવવી પડી હતી. હવે હનુમાનજીની પ્રતિકૃતિના કોપિરાઈટ લીધા છે. કષ્ટભંજન અને સંકટમોચન નામ છે, જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે, ગણપતિદાદા વિઘ્નહર્તા શાસ્ત્રોમાં લખેલું છે, આ બધા નામનો કોપિરાઈટ કેવી રીતે હોઈ શકે? 'કિંગ ઓફ સાળંગપુર'માં સાળંગપુર પણ એક શહેર છે, તો એક શહેરનું નામ કેવી રીતે કોપિરાઈટ કરી શકે?
સાળંગપુર ખાતે જઈને વર્લ્ડ બ્રાહ્મણ એજ્યુકેશન અને અન્ય સનાતની સંસ્થાઓએ ભેગા મળીને આનો વિરોધ કરશે તેવું પણ જાણવા મળ્યું છે. આ ટ્રેડમાર્ક અને કોપિરાઈટ પાછો ખેંચવામાં નહીં આવે તો ચેરિટી કમિશનર, ટ્રેડ માર્ક રજિસ્ટ્રી, અને જરૂર પડે તો હાઈકોર્ટ-સુપ્રીમકોર્ટ માં પીઆઈએલ પણ દાખલ કરીશું તેવું કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું છે.