નવા બે બોલર ગુર્નુર-હર્ષના તરખાટ પછી ગિલ-રાહુલની આતશબાજી
ધરમશાલાઃ ભારતે અહીં શનિવારે અફઘાનિસ્તાનને પ્રથમ વન-ડેમાં 13 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું અને ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી. એ સાથે, ભારતે 2027ના વન-ડે વર્લ્ડ કપના અભિયાનનો જીત સાથે આરંભ કર્યો છે.
ભારતે વરસાદને પગલે પચીસ-પચીસ ઓવરની ટૂંકાવાયેલી મૅચમાં 22.5 ઓવરમાં ત્રણ વિકેટે 195 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. કૅપ્ટન શુભમન ગિલ 84 રન, 66 બૉલ, બે સિક્સર, અગિયાર ફોર) ઓપનિંગમાં આવ્યા બાદ છેક સુધી આઉટ નહોતો થયો. તેણે રોહિત શર્મા (16 રન) સાથે 46 રનની ઓપનિંગ ભાગીદારી કર્યા બાદ ઇશાન કિશન (34 રન) સાથે 70 રનની ભાગીદારી, શ્રેયસ ઐયર (12 રન) સાથે 26 રનની ભાગીદારી તથા છેલ્લે કેએલ રાહુલ (39 અણનમ, 19 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) સાથે 53 રનની અતૂટ ભાગીદારી કરી હતી. રોહિતને બૅટિંગ દરમ્યાન બૉલ વાગતાં ઈજા થઈ હતી. ઝિયા ઉર રહમાન અને રાશીદ ખાને એક-એક વિકેટ લીધી હતી. રોહિત રનઆઉટ થયો હતો.

એ પહેલાં, અફઘાનિસ્તાને પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 24.5 ઓવરમાં 194 રન બનાવ્યા જેમાં ઓપનર રહમનુલ્લા ગુરબાઝના 102 રનનો ફાળો હતો. ગુરબાઝે 102 રન 51 બૉલમાં આઠ સિક્સર, આઠ ફોરની મદદથી બનાવ્યા હતા. ગુરબાઝ આ વન-ડે મૅચમાં ટી-20 જેવું (વૈભવ સૂર્યવંશી જેવું કહીએ તો પણ ખોટું નથી) રમ્યો. તેણે 48 બૉલમાં અફઘાનિસ્તાન વતી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી. તે પોતાના 102 રનના સ્કોર પર પાર્ટ-ટાઇમ પેસ બોલર નીતીશ રેડ્ડીના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેણે 200.00ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા. વન-ડેમાં તેની આ નવમી સદી હતી.
નવા ફાસ્ટ બોલર ગુર્નુર બ્રારે 27 રનમાં ત્રણ વિકેટ અને નવા સ્પિનર હર્ષ દુબેએ 47 રનમાં ત્રણ વિકેટ લીધી. બે-બે વિકેટ અર્શદીપ અને નીતીશ રેડ્ડીએ મેળવી હતી. ભારતીય ટીમને આઇપીએલની ટીમ જેવો 195 રનનો મેળવી શકાય એવો ટાર્ગેટ મળ્યો હતો.