Sun Sep 06 2026

Logo

IRCTCની ધમાકેદાર ઓફર! માત્ર રૂ. 2550માં કરો ગુવાહાટીના સુપ્રસિદ્ધ મા કામાખ્યા દેવીના દર્શન, રહેવા-જમવા સાથે મળશે આ સુવિધાઓ

2026-06-13 15:58:00
Author: Darshana Visaria
IRCTCની ધમાકેદાર ઓફર! માત્ર રૂ. 2550માં કરો ગુવાહાટીના સુપ્રસિદ્ધ મા કામાખ્યા દેવીના દર્શન, રહેવા-જમવા સાથે મળશે આ સુવિધાઓ

જો તમે પણ ધાર્મિક યાત્રાના શોખીન છો અને કોઈ બજેટ ફ્રેન્ડલી પેકેજની શોધમાં છો, તો આઇઆરસીટીસી તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. આઈઆરસીટીસીએ આસામની રાજધાની ગુવાહાટીમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મા કામાખ્યા દેવીના દર્શન માટે એક ખાસ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજ અંતર્ગત શ્રદ્ધાળુઓ પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 2550ના ખર્ચે મા કામાખ્યાના આશીર્વાદ મેળવી શકશે. ટુ ડેઝ અને વન નાઈટવાળા આ આ શોર્ટ એન્ડ સ્વીટ પેકેજની શરૂઆત ગુવાહાટીથી થશે. ચાલો જાણીએ વિસ્તારથી... 

કામાખ્યા મંદિરનું ધાર્મિક મહત્વ
આસામના ગુવાહાટીમાં નીલાંચલ પર્વત પર સ્થિત કામાખ્યા મંદિર દેશના ૫૧ શક્તિપીઠોમાં સૌથી મુખ્ય માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ શક્તિપીઠ દેવી સતી સાથે જોડાયેલું છે. આ મંદિર તેની અદભુત તાંત્રિક સાધના, શક્તિ ઉપાસના અને વાર્ષિક અંબુબાચી મેળા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

માત્ર રૂ. 2550માં કઈ-કઈ સુવિધાઓ મળશે?
IRCTC ના આ સ્પેશિયલ પેકેજમાં માત્ર મંદિરના દર્શન જ નહીં, પરંતુ યાત્રાને આરામદાયક બનાવવા માટે ઘણી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે-

  • રહેવાની સગવડ: ગુવાહાટીમાં 1 રાત હોટલમાં રોકાણ.
  • ભોજન: હોટલમાં સવારનો બ્રકફાસ્ટ અને રાતનું ડિનર.
  • લોકલ ટ્રાન્સપોર્ટ: સ્થાનિક જોવાલાયક સ્થળો અને મંદિર દર્શન માટે વાહનની સુવિધા.
  • અન્ય ઇન્ક્લુઝન્સ: ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, ટોલ ટેક્સ, પાર્કિંગ, જીએસટી અને રોજના વપરાશ માટે પ્રતિ વ્યક્તિ એક લીટર પાણીની બોટલ.

બે દિવસનો સંપૂર્ણ રૂટ પ્લાન 
પહેલો દિવસ: ગુવાહાટી એરપોર્ટ અથવા રેલ્વે સ્ટેશન પર પહોંચતા જ મુસાફરોને હોટલ પર લઈ જવામાં આવશે. જો સમય બચશે તો સાંજે પ્રખ્યાત 'શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર' ની મુલાકાત કરાવવામાં આવશે. રાત્રિ રોકાણ ગુવાહાટીમાં રહેશે.

બીજો દિવસ: સવારે નાસ્તો કર્યા પછી હોટલમાંથી ચેક-આઉટ કરવાનું રહેશે. ત્યારબાદ મુસાફરોને મા કામાખ્યા દેવીના દર્શન માટે લઈ જવાશે. ત્યાંથી પરત ફરતી વખતે ઉમાનંદ મંદિરના દર્શન પણ કરાવવામાં આવશે. સાંજે તમામ યાત્રીઓને ગુવાહાટી એરપોર્ટ અથવા રેલ્વે સ્ટેશન પર ડ્રોપ કરી દેવાશે.

વીઆઈપી દર્શન માટે આ નિયમ ખાસ જાણો
આઈઆરસીટીસીની સત્તાવાર નોટિફિકેશન મુજબ, આ પેકેજની અંદર વીઆઈપી દર્શન પાસનો સમાવેશ નથી કરાયો. જો કોઈ શ્રદ્ધાળુ ખાસ કે ઝડપી દર્શન કરવા ઈચ્છે છે, તો તેમણે કામાખ્યા મંદિરની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં જાતે ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે.

કોના માટે લાગુ પડશે રૂ. 2550 નું ભાડું?
આ ટૂર પેકેજમાં સીટના ઓક્યુપન્સીના આધારે અલગ-અલગ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. 

  • 4 લોકોનું ગ્રુપ: જો 4 લોકો એકસાથે મુસાફરી કરે, તો પ્રતિ વ્યક્તિ માત્ર રૂપિયા 2550 ચૂકવવા પડશે.
  • ટ્રિપલ ઓક્યુપન્સી (રૂમમાં 3 લોકો): રૂ .4,370 પ્રતિ વ્યક્તિ.
  • ડબલ ઓક્યુપન્સી (રૂમમાં 2 લોકો): રૂ. 5,585 પ્રતિ વ્યક્તિ.
  • સિંગલ ઓક્યુપન્સી (રૂમમાં 1 વ્યક્તિ): રૂ.10,650 પ્રતિ વ્યક્તિ

આ વસ્તુઓનો ખર્ચ જાતે ભોગવવો પડશે
જોકે, આ પેકેજમાં ગુવાહાટી સુધી પહોંચવાની એર ટિકિટ કે ટ્રેન ટિકિટનો સમાવેશ નથી કરવામાં આવ્યો. આ ઉપરાંત બપોરનું લંચ, બોટિંગ કે ફેરી ચાર્જિસ, કેમેરા ફી, લોન્ડ્રી, ટિપ અને અન્ય કોઈ પણ પર્સનલ ખર્ચ ટ્રાવેલર્સે પોતે કરવાનો રહેશે.

બુકિંગ કેવી રીતે કરવું?: આ ધાર્મિક યાત્રાના બુકિંગ માટે મુસાફરો આઇઆરસીટીસીની ઓફિશિયલ ટુરિઝમ વેબસાઇટ irctctourism.com પર જઈને ઓનલાઈન સીટ બુક કરી શકો છો.