Tue Aug 18 2026

Logo

કોણ છે ઇન્સ્પેકટર સંતોષ વૈજનાથ કેંદ્ર? જેમણે નાંદેડમાં સુખબીર સિંહ બાદલનો જીવ બચાવ્યો હતો...

2026-08-16 17:24:52
Author: Mumbai Samachar Team
Article Image

નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત માતા સાહેબ ગુરુદ્વારામાં ગુરુવારે શિરોમણી અકાલી દળ (એસએડી)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. જોકે, મહારાષ્ટ્ર પોલીસ ઇન્સ્પેકટર સંતોષ વૈજનાથ કેંદ્રએ આ હુમલાને વધારે ગંભીર બનતા રોકવામાં મદદ કરી હતી. 

ઘટનામાં બન્યું એવું કે જયારે બાદલ ગુરુદ્વારાથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એક હુમલાખોરે તેમની તરફ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરે પોતાની શાલ નીચે કિરપાણ છુપાવી રાખ્યું હતું. ઇન્સ્પેકટર સંતોષે તેને જોઈ લેતા તરત જ વચ્ચે આવીને તેને કાબૂમાં કરવાની કોશિશ કરી હતી. આ જપાજપીમાં બાદલના હાથ પર ઇજા થઈ હતી, જયારે ઇન્સ્પેકટર કેંદ્રના હાથમાં ઇજા થઈ હતી. ઘટના બાદ સુખબીર બાદલની પત્ની હરસિમરત કૌરે ઇન્સ્પેકટર સંતોષને મળીને આભાર વ્યક્ત કર્યો હતો. 

કોણ છે ઈન્સ્પેક્ટર સંતોષ વૈજનાથ કેંદ્ર?

ઇન્સ્પેકટર સંતોષ વૈજનાથ કેંદ્ર મહારાષ્ટ્ર પોલીસના અનુભવી અધિકારી છે. તેમણે વર્ષ 2001માં કોન્સ્ટેબલ તરીકે મહારાષ્ટ્ર પોલીસમાં સેવા આપવાનું શરૂ કર્યું હતું અને પોતાની સેવા વખતે પ્રમોશન મેળવીને ઈન્સ્પેક્ટરના પદ સુધી પહોંચ્યા હતા. વીઆઈપી સુરક્ષા ડ્યુટી દરમિયાન તેમની સતર્કતાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. હુમલાના સમયે પ્રતિક્રિયા આપવા માટે તેમની પાસે ઘણો ઓછો સમય હોવા છતાં જોખમ લાગતા તરત જ કાર્યવાહી કરી હુમલાખોરને રોકવામાં સફળતા મળી હતી. 

મેં તો મારી ફરજ નિભાવી હતી...

ઘટના બાદ બાદલ પરિવારે ઇન્સ્પેકટર કેંદ્રની બહાદુરીના વખાણ કર્યા હતા. સુખબીર બાદલના પત્ની અને સાંસદ હરસિમરત કૌર બાદલે હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત ઇન્સ્પેકટરની મુલાકાત લઈને હાલચાલ પૂછ્યા હતા. તેમણે જવાનની બહાદુરી માટે આભાર માની પૂછ્યું કે તેઓ આભાર વ્યક્ત કરવા પર કંઈક કહી શકે છે. જેના જવાબમાં તેમણે ફક્ત એટલું જ કહ્યું કે મેં તો મારી ફરજ નિભાવી છે. પોલીસકર્મીઓને આવી પરિસ્થિતિઓથી ઝઝૂમવા માટે જ તાલીમ આપવામાં આવે છે. આ તેમની ટ્રેનિંગનો જ એક ભાગ છે. પ્રતિક્રિયા આપવા માટે તેમની પાસે ઘણો ઓછો સમય મળ્યો હતો.

હુમલાખોરની ઓળખ જસપાલ સિંહ તરીકે કરી હતી

સુખબીર સિંહ બાદલ 12 ઓગસ્ટે સાંજે લગભગ 4.45 વાગ્યે નાંદેડ પહોંચ્યા હતા. 13 ઓગસ્ટ તેમના કાર્યક્રમમાં માલ્ટકડી, હીરાઘાટ અને માતા સાહિબ ગુરુદ્વારાનો પ્રવાસ સામેલ હતો. તેમની સુરક્ષાની જવાબદારી એએસપી રેન્કના અધિકારી પાસે હતી. પંજાબ પોલીસના જવાનો સિવાય મહારાષ્ટ્ર પોલીસે પીએસઆઇ/પીઆઇ લેવલના અધિકારીઓ અને 11 અન્ય જવાનની ટીમ તૈનાત કરવામાં આવી હતી. હુમલા બાદ ઘટનાસ્થળેથી જ હુમલાખોરની અટકાયત કરવામાં આવી હતી. જેની ઓળખ જસપાલ સિંહ તરીકે થઈ છે, જે નિહંગ શીખ છે અને ગુરુદ્વારામાં કામ કરી રહ્યો હતો તેવી જાણકારી મળી હતી.