Mon Sep 07 2026

Logo

મહારાષ્ટ્રમાં 28 ઓગસ્ટથી લાગુ થશે 'ધર્મ સ્વાતંત્ર્ય કાયદો', જાણી લો બળજબરી ધર્મપરિવર્તન પર કરાવનારાને શું સજા થશે...

2026-08-18 16:33:16
Author: Darshana Visaria
મહારાષ્ટ્રમાં 28 ઓગસ્ટથી લાગુ થશે 'ધર્મ સ્વાતંત્ર્ય કાયદો', જાણી લો બળજબરી ધર્મપરિવર્તન પર કરાવનારાને શું સજા થશે...

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે 'મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય કાયદો, 2026' અંગેનું ઓફિશિયલ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડી દીધું છે, જે આગામી 28મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં લાગુ થશે. મહારાષ્ટ્રમાં બળજબરીપૂર્વક, લાલચ આપીને કે છેતરપિંડીથી કરાવાતા ધર્મ પરિવર્તન પર કડક પ્રતિબંધ મૂકતો 'મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય કાયદો, 2026' આગામી 28મી ઓગસ્ટના શુક્રવારથી સમગ્ર રાજ્યમાં લાગુ થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારે આ અંગેનું ઓફિશિયલ ગેઝેટ નોટિફિકેશન (રાજપત્ર અધિસૂચના) બહાર પાડી દીધું છે.

આ કાયદો તમામ ધર્મના નાગરિકોને સમાન રીતે લાગુ પડશે. આ કાયદા હેઠળ ગેરકાયદે કે જબરદસ્તીથી કરાવવામાં આવતા ધર્મ પરિવર્તનને બિનજામીનપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

કાયદાની મુખ્ય જોગવાઈઓ અને કડક નિયમો

બિનજામીનપાત્ર ગુનો અને સજા 


કોઈનું પણ દબાણપૂર્વક, છેતરપિંડી કે લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવા પર સાત વર્ષ સુધીની જેલ ની સજા થશે અને આ ગુનો બિનજામીનપાત્ર રહેશે.

મરજીથી ધર્મ બદલવો હોય તો 60 દિવસની નોટિસ

જો કોઈ વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છતી હોય, તો તેણે નિર્ધારિત સત્તામંડળ (જિલ્લા વહીવટીતંત્ર)ને 60 દિવસ અગાઉથી અરજી કરવી ફરજિયાત રહેશે.

બાળકના ધર્મ અંગે ઐતિહાસિક જોગવાઈ

ગેરકાયદે કે અમાન્ય ધર્મ પરિવર્તન બાદ થયેલા લગ્ન કે સંબંધથી જન્મનાર બાળકનો ધર્મ તેની માતા લગ્ન કે સંબંધ પહેલાં જે ધર્મ પાળતી હતી તે જ માનવામાં આવશે. અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્રના આ કાયદામાં બાળકના ધર્મને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.

દંડ અને સજાની વિગતવાર જોગવાઈઓ

લગ્નના બહાને ધર્મ પરિવર્તન: લગ્નના બહાને ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવનારને સાત વર્ષની જેલ અને એક લાખનો દંડ થઈ શકે છે.
સગીર, મહિલા, SC-ST કેટેગરીમાં કડક દંડ: જો ધર્મ પરિવર્તન કોઈ સગીર, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ, મહિલા અથવા અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) ની વ્યક્તિનું કરાવવામાં આવ્યું હશે, તો સાત વર્ષની કેદ અને રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ થશે. સામૂહિક ધર્મ પરિવર્તન (Mass Conversion): સામૂહિક ધર્મ પરિવર્તનના ગુનામાં સાત વર્ષની જેલ અને રૂપિયા પાંચ લાખનો દંડ થશે. વારંવાર ગુનો આચરનારાઓ માટે 10 વર્ષની જેલ અને ₹૫ લાખના દંડની જોગવાઈ છે.

સરકાર વતીથી પ્રધાને શું કહ્યું?

રાજ્યના ગૃહ રાજ્યના પ્રધાન પંકજ ભોઈરે જણાવ્યું હતું કે, આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનો અને લાલચ, છેતરપિંડી કે બળજબરીથી થતાં ગેરકાયદે ધર્મ પરિવર્તનને કાયદાકીય રીતે રોકવાનો છે.

વધુ જુઓ...