Fri May 01 2026

Logo

ગુજરાત બજેટમાં ખેડૂતો માટે શું થઈ મોટી જાહેરાત ?

2026-02-18 13:58:00
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત બજેટમાં ખેડૂતો માટે જાહેરાત કરતાં જણાવ્યું, જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ તેમની પડખે ઊભી રહી છે. રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા ₹૧૧ હજાર કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી ૩૩ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવેલ છે.

“વાવણીથી વેચાણ સુધી” ખેડૂતની સાથે રહી તેને ચડ-ઉતર થતા બજારના ભાવોમાં મદદ કરવા ૯ લાખ ૫૦ હજારથી વધુ ખેડૂતો પાસેથી ₹૧૮ હજાર કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરેલી છે.

ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૧૫૬૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે, વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટીંગ અને બ્રાન્‍ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડીંગ અને સર્ટીફીકેશન સહાય માટે ₹૩૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

​રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટે છ (૬) સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે ₹૧૨ કરોડની જોગવાઇ  કરવામાં આવી છે. 

રાજ્યમાં બાગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા બે વર્ષમાં લગભગ બે લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ-શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન ૨૧ લાખ મેટ્રિક ટનથી વધુ થયું છે

રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતાં “પર ડ્રોપ મોર ક્રોપ” સૂક્ષ્મ સિંચાઇ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૫ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે.

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ₹૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ₹૧૩૩૩ કરોડ એમ કુલ ₹૩૦૪૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે ₹૯૫૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે..

રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹૧૩૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૧૦%થી વધુ લઇ જવાનું આયોજન છે.

​રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

​ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹૧૫૩૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના ૪ ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે ₹૧૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.