Sun Jul 26 2026

Logo

આજે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત!  સિઝનનો 53 ટકા વરસાદ; 178 એસટી રૂટ હજુય બંધ

2026-07-26 19:51:00
Author: Devayat Khatana
Article Image

ChatGPT Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે મેઘરાજાએ થોડો પોરો લેતા વરસાદથી ત્રસ્ત બનેલા લોકો અને તંત્ર બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો. રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 92 તાલુકાઓમાં વરસાદ થયો હતો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના કપરાડામાં 3.23 ઇંચ પડ્યો હતો. તે સિવાય બનાસકાંઠાના અમીરગઢમાં 1.85 ઇંચ, નાનાપોંઢામાં 1.46 ઇંચ, લાખણીમાં 1.38 ઇંચ, ડાંગમાં 1.18 ઇંચ અને ધરણીધરમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર નોંધાઈ હતી, સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 5.51  ઇંચ નોંધાયો હતો.  

નર્મદા ડેમ ૬૯.૩૨ ટકા સંગ્રહ 

ગુજરાતમાં તાજેતરના વરસાદ બાદ રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૨,૩૧,૫૮૫ એમસીએફટી જળસંગ્રહ થયો છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૯.૩૨ ટકા છે. નર્મદા ડેમની હાલની જળસપાટી ૪૨૧.૨૯ ફૂટ પર પહોંચી છે અને તેમાં ૧૧,૫૦૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ, રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ૪૫.૨૫ ટકા જળસંગ્રહ નોંધાયો છે.

આ ૨૦૬ જળાશયોમાંથી ૧૩ ડેમ સંપૂર્ણપણે ભરાઈ છલોછલ થઈ ગયા છે, ૨૬ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે, ૨૭ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા વચ્ચે અને ૫૬ ડેમ ૨૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે ભરાયા છે; જ્યારે હજુ પણ ૮૪ ડેમ એવા છે જેમાં ૨૫ ટકાથી ઓછું પાણી છે. જળાશયોમાં વધતી જળસપાટીને પગલે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ૨૧ ડેમોને 'હાઈ એલર્ટ', ૫ ડેમોને 'એલર્ટ' અને ૧૩ ડેમોને 'વોર્નિંગ' પર મૂકવામાં આવ્યા છે.

સિઝનનો કુલ સરેરાશ 53.67 ટકા વરસાદ 

રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ ૫૩.૬૭ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના જુદા જુદા ઝોનવાર વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર કરી છે અને ત્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૭૭.૪૨ ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે બીજી તરફ કચ્છ પંથક હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યું છે જ્યાં માત્ર ૧૮.૮૯ ટકા જ સરેરાશ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત અન્ય વિસ્તારોની વાત કરીએ તો પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૫.૨૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૩.૫૦ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૩૯.૫૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકના આંકડા મુજબ સમગ્ર રાજ્યમાં સરેરાશ ૧૪.૯૬ મી.મી. વરસાદ પડ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૩૩.૮૪ મી.મી. સરેરાશ વરસાદ નોંધાયો છે.

વાહનવ્યવહાર માટે 257 રસ્તાઓ બંધ

વરસાદની અસર રસ્તાઓ પર પણ પડી હતી, રાજ્યમાં વાહનવ્યવહાર માટે કુલ ૨૫૭ રસ્તાઓ બંધ હાલતમાં છે. આ બંધ રસ્તાઓમાં સૌથી વધુ ૨૧૪ પંચાયત હસ્તકના રસ્તાઓ, ૨૬ અન્ય માર્ગો, ૧૫ સ્ટેટ હાઈવે અને ૨ નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી હેઠળ અગાઉ બંધ થયેલા રસ્તાઓમાંથી ૧૦૩ રસ્તાઓ ફરીથી વાહનવ્યવહાર માટે ચાલુ કરી દેવામાં આવ્યા છે, પરંતુ નવા ૩ રસ્તાઓ બંધ થતાં હાલ કુલ ૨૫૭ રસ્તાઓ બંધ છે.

જિલ્લાવાર પરિસ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ ૬૪ રસ્તાઓ બંધ છે, જ્યારે અમદાવાદમાં ૪૧, નવસારીમાં ૩૨, સુરેન્દ્રનગરમાં ૨૨, સુરતમાં ૧૭ અને પાટણમાં ૧૬ રસ્તાઓ બંધ હોવાથી સ્થાનિક લોકોને અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એસટીના કુલ 178 રૂટ અને 950 ટ્રીપ બંધ

ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે એસટી બસ સેવાઓને વ્યાપક અસર પહોંચી હતી. રવિવાર સુધીમાં રાજ્યભરમાં હજુ પણ એસટીના કુલ 178 રૂટ અને 950 ટ્રીપ બંધ હાલતમાં છે, જેના પરિણામે એસટી નિગમને અંદાજિત રૂ. 28.61 લાખથી વધુની આવક ગુમાવવાનો વારો આવ્યો હતો.

વાહનવ્યવહાર ખોરવાયો હોય તેવા વિસ્તારોમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદ ડિવિઝનની છે, જ્યાં 95 રૂટ હજુ પણ શરૂ થઈ શક્યા નથી. આ ઉપરાંત, નડિયાદ વિભાગ હેઠળ આવતા આણંદ અને ખેડા જિલ્લામાં કુલ 33 રૂટ, અમરેલી વિભાગના ગીર સોમનાથમાં 14 રૂટ, ભુજ (કચ્છ) માં 11 રૂટ, પાલનપુર વિભાગના બનાસકાંઠામાં 7 રૂટ તેમજ ગાંધીનગરમાં 3 રૂટ સહિત રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં બસ સેવાઓ સ્થગિત હોવાથી રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.