આપણામાંથી અને લોકો એ વિચારીને પરેશાન થઈ જાય છે કે ઓરિજિનલ ફાસ્ટ ચાર્જર હોવા છતાં પણ તેમનો સ્માર્ટફોન કેમ ધીમી ગતિએ ચાર્જ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અનેક વખત લોકો સામાન્ય રીતે ચાર્જર કે કેબલ બદલી નાખતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે તમારા ફોનની આ સમસ્યા પાછળ ફોનની જ એક ખાસ સ્માર્ટ સેટિંગ જવાબદાર હોઈ શકે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ...
વાત કરીએ ઓરિજનલ અને ફાસ્ટ ચાર્જર હોવા છતાં પણ ફોન સ્લો ચાર્જ થવાની સમસ્યા વિશે તો આ માટે અનેક વખત આપણા ફોનમાં રહેલી જ એક સેટિંગ જવાબદાર હોય છે. આ સમસ્યાને ટેક્નિકલ લેન્ગ્વેજમાં 'એડેપ્ટિવ ચાર્જિંગ' (Adaptive Charging) તરીકે ઓળખવામાં આવે છે.
એડેપ્ટિવ ચાર્જિંગ શું છે એ સમજાવવાનું થાય તો એડેપ્ટિવ ચાર્જિંગ એ આધુનિક એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં આપવામાં આવતું એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત બેટરી મેનેજમેન્ટ ફીચર છે. આ ફીચર યુઝરના ફોન ચાર્જિંગ પર મૂકવાના અને સવારે જાગવાના સમયની આદતને સમજે છે.
ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જો તમે આખી રાત ફોન ચાર્જમાં રાખો છો, તો આ ફીચર ફોનને શરૂઆતમાં 80 ટકા સુધી જ ઝડપથી ચાર્જ કરશે અને બાકીનો 20 ટકાનું ચાર્જિંગ તમારા જાગવાના સમય પહેલા ધીમે-ધીમે પૂરો કરશે. આને કારણે બેટરી પર આવતું વધારાનું દબાણ અને ગરમી (Heat) ઘટી જાય છે.
લોકો કેમ માની લે છે કે ફોન ખરાબ થઈ ગયો છે?
જ્યારે આ ફીચર એક્ટિવ હોય ત્યારે ફોન જાણીજોઈને ચાર્જિંગ સ્પીડ ધીમી કરી નાખે છે. આનાથી યુઝર્સને એવો ભ્રમ થાય છે કે તેમનું ચાર્જર કે કેબલ બગડી ગયું છે, જ્યારે વાસ્તવમાં ફોન માત્ર તેની બેટરી લાઈફ વધારવાનો પ્રયાસ કરતો હોય છે.
આ સેટિંગ કેવી રીતે ચેક કરશો?
જો તમારે તાત્કાલિક ફાસ્ટ ચાર્જિંગની જરૂર હોય, તો તમે આ ફીચરને ફોનની સેટિંગ્સમાં જઈને બંધ કરી શકો છો-
Settings > Battery > Adaptive Charging
કે પછી
Settings > Battery Health > Charging Optimisation
પર જઈને આ ઓપ્શનને 'Off' કરી દો. આ સેટિંગ ઓફ કરવાથી ફોન તરત જ તેની ફૂલ સ્પીડમાં ચાર્જ થવા લાગશે.
શું આ ફીચર કાયમ માટે બંધ રાખવું યોગ્ય છે?
નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો આ ફીચરને હંમેશા બંધ રાખવું લાંબા ગાળે બેટરીની હેલ્થ (Battery Health) બગાડી શકે છે. લિથિયમ-આયન બેટરીઓ જ્યારે લાંબો સમય 100 ટકા ચાર્જ પર રહે છે ત્યારે તેની ક્ષમતા ઘટે છે. જેને કારણે જ કંપનીઓ આ ફીચરની સેટિંગ ડિફોલ્ટ રીતે ઓન રાખે છે જેથી બેટરી વધુ વર્ષો સુધી ચાલે અને યુઝર્સને કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ જ વધારો કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...