અમદાવાદઃ વિરમગામમાં દરગાહ સહિતના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું હતું. વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ સ્ટેટ હાઈવે-17ને ફોર-લેન બનાવવાની કામગીરીને વેગ આપવા માટે અંદાજે 4000 ચોરસ મીટર સરકારી અને ખાનગી જમીન પર મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ કામગીરીનો મુખ્ય હેતુ વિરમગામ શહેરમાં પ્રવેશતા જ વર્ષોથી થતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાનો હતો. આ ઝુંબેશના ભાગરૂપે ત્રણ દરગાહ સહિતના અસંખ્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
₹ 62 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું
એસ.ડી.એમ. વિરેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે આશરે 1200 ચોરસ મીટર ખાનગી જમીન અને 2300 ચોરસ મીટર કબ્રસ્તાનની જમીન સંપાદિત કરવામાં આવી હતી. આ કામગીરીથી અસરગ્રસ્ત થયેલા ખાનગી જમીન માલિકોને ₹ 62 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે.
550થી પોલીસ કર્મચારીઓ તૈનાત
કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 550થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન 5 જેસીબી, 2 હિટાચી એક્સકેવેટર અને 15 ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસે શું કહ્યું
ડીવાય.એસ.પી.તપન કુમાર ડોડિયાએ જણાવ્યું હતું કે, આ રોડ ક્રોસિંગ/વાઇડનિંગ પ્રોજેક્ટનો હેતુ વિરમગામની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાને કાયમ માટે દૂર કરવાનો અને આ વિસ્તારમાં વાહનવ્યવહારની અવરજવર તેમજ કનેક્ટિવિટીને વધુ સારી બનાવવાનો છે.