Wed Aug 26 2026

Logo

રાજસ્થાનથી લક્ઝરી બસમાં અમદાવાદ લવાતું 408 કિલો એનાલોગ પનીર ઝડપાયું

2026-08-21 20:24:49
Author: Devayat Khatana
રાજસ્થાનથી લક્ઝરી બસમાં અમદાવાદ લવાતું 408 કિલો એનાલોગ પનીર ઝડપાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ  
તાજેતરમાં જ ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ પનીરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારબાદ આ અંગે આકરી કાર્યવાહી અનેક સ્થળોએથી પ્રતિબંધિત પનીરનો જથ્થો પડકી પાડ્યો હતો, ત્યારે દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (એએમસી) ફૂડ વિભાગે કાંકરિયા ગાર્ડન નજીક કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં બે લક્ઝરી બસમાં દરોડો પાડ્યો હતો. જેમાં 408 કિલો લો ફેટ પનીરનો જથ્થો ઝડપીને સીઝ કર્યો હતો. લક્ઝરી બસમાં રાજસ્થાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પ્રતિ કિલોની એમઆરપી  450 રુપિયા લખેલી હતી અને બે વ્યક્તિ 240 રુપિયાના ભાવે આ જથ્થો લેવા આવ્યા હતા.

એએમસી તરફથી મળેલી વિગતો અનુસાર, દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં લક્ઝરી મારફતે પનીરનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે આજે અરુણાચલ પ્રદેશના નંબર પ્લેટવાળી બે લક્ઝરી બસમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં લો ફેટ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાને નરોડા અને મણીનગર વિસ્તારના બે લોકો પ્રતિ કિલો 240ના ભાવે ખરીદવા માટે આવ્યા હતા.

વધુમાં જાણવા મળ્યું હતું કે લક્ઝરી બસના લોકો દ્વારા લો ફેટ પનીરનો જથ્થો લાવવામાં આવતો હતો. જેમાં એમઆરપી રૂ. 400થી 450 લખેલી હતી. રાજસ્થાનના જોધપુરનામાં આવેલી વેરાઈટી પ્રોડક્ટ નામની મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી પનીરનો જથ્થો લકઝરી બસમાં અમદાવાદ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે નરોડા અને મણીનગરના બે વેપારીઓને આપવાના હતા અને તેઓ પણ વિવિધ જગ્યાએ છૂટકમાં પનીર વેચવાના હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા આ પનીરનો જથ્થો લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો. સેમ્પલના પરિણામ આવ્યા પછી મેન્યુફેક્ચરિંગ યુનિટ અને લાવવામાં આવનાર તેમજ ખરીદનાર તમામ લોકો સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.