પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં ચાર વર્ષના બાળકને પગેથી પકડીને હવામાં ફેરવ્યા બાદ બેરહેમીથી જમીન પર પટકવા બદલ ધરપકડ કરાયેલા રિક્ષાચાલકને ગુરુવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં તેની પોલીસ કસ્ટડી 4 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. આ ઘટનામાં ઘવાયેલા બાળકની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોઇ હવે તેની હાલત સ્થિર છે, એમ પોલીસે જણાવ્યું હતું.
વસઇ પશ્ચિમમાં આવેલી અનુપમ સોસાયટીમાં 30 એપ્રિલે આ ઘટના બની હતી, જેમાં પિતા સાથે થયેલા ઝઘડાનું વેર વાળવા પુત્ર પર અમાનુષી હુમલો કરનારા રિક્ષાચાલક સંદીપ પવારની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ ઘટનામાં ઘવાયેલા બાળકને સારવારાર્થે મીરા રોડની હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જોખમથી બહાર છે.વસઇ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાળકૃષ્ણ ઘાડીગાંવકરે જણાવ્યું હતું કે આરોપી સંદીપ પવારની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેને ગુરુવારે કોર્ટમાં હાજર કરાતો હતો. કોર્ટે તેની પોલીસ કસ્ટડી લંબાવી આપી હતી.
દરમિયાન સ્થાનિક વિધાનસભ્ય સ્નેહા દુબે પંડિતે આરોપી વિરુદ્ધ શક્ય તેટલી કડક કાર્યવાહીની માગણી કરી હતી. તેમણે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી અને ફડણવીસે ખાતરી આપી હતી કે આરોપીને આકરી સજા થશે. (પીટીઆઇ)