Thu Jul 23 2026

Logo

વૈભવ સૂર્યવંશી બન્યો ટી-20નો યંગેસ્ટ હાફ સેન્ચુરિયન

Harare   2026-07-23 22:44:12
Author: Ajay Motiwala
Article Image

હરારેઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) બાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશી ધાર્યા મુજબ ખીલ્યો છે એમ કહી શકાય, કારણકે તેણે તાજેતરમાં ઇંગ્લૅન્ડમાં ઇન્ટરનૅશનલ ગ્રાઉન્ડના મેદાન પર નિષ્ફળ ડેબ્યૂ કર્યા બાદ ગુરુવારે ધમાકેદાર હાફ સેન્ચુરીથી વિશ્વવિક્રમ રચી દીધો હતો.

વૈભવ (Vaibhav) ટી-20 ઇન્ટરનૅશનલમાં સૌથી નાની વયે હાફ સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો છે. 15 વર્ષીય વૈભવે ગુરુવારે 18 બૉલમાં ચાર સિક્સર અને ચાર ફોરની મદદથી 50 રન પૂરા કર્યા હતા.

વૈભવે ટી-20ના ગુરુવાર પહેલાંના યંગેસ્ટ (Youngest) હાફ સેન્ચુરિયન નેપાળના કુશાલ મલ્લાનો વિક્રમ તોડ્યો હતો. કુશાલે 15 વર્ષ, 340 દિવસની ઉંમરે ફિફ્ટી ફટકાર્યા હતા, જ્યારે વૈભવની ઉંમર 15 વર્ષ, 118 દિવસની છે.

ગુરુવારે ભારતે ફીલ્ડિંગ પસંદ કર્યા પછી ઝિમ્બાબ્વેને 20 ઓવરમાં સાત વિકેટે 125 રન સુધી સીમિત રાખ્યું હતું. ત્યાર બાદ ભારતે વૈભવની હાફ સેન્ચુરીવાળી આતશબાજીની મદદથી 13.2 ઓવરમાં ત્રણ વિકેટે 126 રન બનાવીને વિજય મેળવ્યો અને ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી.