Sat Aug 15 2026

Logo

એક નજર ઈધર ભીઃ સિક્કા-શંખ-સમાધિ: મ્યુઝિયમની લાક્ષણિકતા

2026-08-01 08:57:00
Author: Kamini Shroff
Article Image

કામિની શ્રોફ

ઈતિહાસ એટલે તવારીખ, વખતના ક્રમ પ્રમાણે નોંધાયેલી હકીકત, ભૂતકાળનું વૃત્તાંત, થઈ ગયેલ બનાવો અને એનું ઘાલમેલ કર્યા વગરનું વર્ણન...' એમ શબ્દકોશ કહે છે. 

ઈતિહાસ ભણવો જોઈએ? નાઆઆઆ.... એવો તારસ્વરમાં જવાબ મળવાની ગેરંટી આપી શકાય. અલબત્ત, ઈતિહાસ એટલે કોઈ રાજા કે વંશનો માત્ર શાસનકાળ કે ફલાણું યુદ્ધ ક્યાં, ક્યારે અને કોની વચ્ચે થયું હતું એની કેવળ વિગતો પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. ઈતિહાસ અનેક બાબતો પર પ્રકાશ પાડે જેમાં સાંસ્કૃતિક પાસાનું પણ મહત્ત્વ હોય. આ દૃષ્ટિકોણથી પણ ઈતિહાસને સમજીએ તો મોહનદાસ નામના બાળકે કઈ રીતે મહાત્મા ગાંધી બની જગમાં આદર મેળવ્યો અને એડોલ્ફ નામનો કિશોર કેમ હિટલર બની અનાદર પામ્યો એનો ખ્યાલ આવે છે.

વડનગર મ્યુઝિયમમાં એવી કેટલીક ઐતિહાસિક બાબત સમાવાઈ છે જે જોવી, જાણવી અને સમજવી જરૂરી છે,જેમકે...

સોના - ચાંદીના સિક્કાનો સંગ્રહ

સલામતી, બચત અને કટોકટીના સમયે કામ આવે એ આશય માટે ધનની સાચવણી એ ભારતીય પ્રજાની અને વિશેષ તો ગુજરાતીઓની લાક્ષણિકતા છે. વડનગરમાં મળી આવેલા સિક્કાઓના વિવિધ સંગ્રહમાંથી એક સંગ્રહ મ્યુઝિયમમાં પ્રદર્શનમાં રાખવામાં આવ્યો છે. `આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા' દ્વારા 2015થી કરાયેલા ઉત્ખનનમાં કોડીઓ અને ચાંદીના સિક્કા પણ મળી આવ્યા હતા. રાજકીય અસ્થિરતાના સમયમાં સિક્કાઓનો સંગ્રહ કરવામાં આવતો હતો. સૌથી મોટા જથ્થામાં 1300 ઈન્ડો - સાસાની શૈલીના ચાંદીના સિક્કા છે જે એક હજાર વર્ષ જૂના ગુજરાતના સોલંકી વંશના શાસન વખતે ચલણમાં હોવાની માન્યતા છે. આ સિક્કા પર રાજાનો ચહેરો અને અગ્નિવેદી નજરે પડે છે. પર્શિયન સંસ્કૃતિના પ્રભાવનું આ પ્રતીક છે. 

વડનગરમાં ટંકશાળ જેવી વ્યવસ્થા હશે જ્યાં આ પ્રકારના સિક્કા તૈયાર કરવામાં આવતા હતા એવું પુરાતત્ત્વ વિભાગના આર્કિયોલોજીસ્ટ અભિજીત આંબેકરનું માનવું છે. આ સિવાય 1175 કોડીઓ પણ મળી આવી જે લઘુ ઉદ્યોગ અને આર્થિક ક્ષમતા દર્શાવે છે. ઓછી કિમતની - સસ્તી ચીજવસ્તુની ખરીદીમાં એનો વપરાશ થતો હશે એવો અંદાજ છે. આ સિવાય પંદરમી સદીનો એક સોનાનો સિક્કો પણ મળી આવ્યો છે, જે ઈજિપ્તના રાજવંશ સાથે સંકળાયેલો હોવાનું તારણ છે. આ વિગતો પરથી વડનગર વિદેશ વ્યાપાર સાથે પણ સંકળાયું હશે એમ જરૂર કહી શકાય. સિક્કા અને કોડી દટાયેલી અવસ્થામાં મળી આવ્યા છે એના પરથી સલામતી માટે પૈસા દાટી રાખવાની આદત પ્રાચીન કાળમાં પણ હતી એ સિદ્ધ થાય છે.

શંખકામ ઉદ્યોગ

વડનગરમાં શંખ એક વિશાળ ઉદ્યોગની નામના ધરાવતો હશે. શહેરના અસ્તિત્વના પ્રારંભિક સમયથી મધ્યકાલીન સમય સુધી આ ઉદ્યોગ વિકસ્યો હોવાના પુરાવા મળ્યા છે. 

અહીં મળી આવેલા ટર્બિનેલા પિરમ શંખ, શંખની એક પવિત્ર અને પ્રખ્યાત દરિયાઈ પ્રજાતિ છે, જે તેના ધાર્મિક, સાંસ્કૃતિક અને પુરાતત્ત્વ મહત્ત્વ માટે જાણીતી છે. પવિત્ર શંખ કે દિવ્ય શંખ તરીકે ઓળખાતા આ શંખને હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પૂજા-પાઠ, આરતી અને ધાર્મિક વિધિઓમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. મ્યુઝિયમમાં આપેલી જાણકારી અનુસાર આ પિરમ શંખની મદદથી વીસ હજારથી વધુ શંખની બંગડીઓ, મણકા અને પેન્ડન્ટ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. સાદી, કોતરણીવાળી અને વીંધેલી રચનાઓ બનાવટમાં સતત બદલાવ દર્શાવે છે. આ નિરંતર ઉત્પાદન, કલાત્મક નવીનીકરણ અને વ્યાપક વેપાર સંબંધો દર્શાવે છે.

આ અવશેષોનું પ્રદર્શન વડનગરના રોજિંદા જીવનમાં શંખ કારીગરીના સંયોજનને પ્રગટ કરે છે. મ્યુઝિયમમાં આ માહિતી ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં આપવામાં આવી છે જેથી બિન ગુજરાતી સહેલાણીઓ પણ આ વારસાથી, આ પ્રવૃત્તિથી વાકેફ થાય. સારી વાત છે, પણ એક વાત ખટકી. 

હિન્દી અને અંગ્રેજીમાં આપેલી માહિતીમાં ભાષાનો કોઈ દોષ નથી જ્યારે ગુજરાતીમાં આપેલી જાણકારીમાં શંખની બંગડીઓને બદલે શ્ખંની બંગડીઆ એવું દોષપૂર્ણ લખાણ નજરે પડ્યું. એ સમયે મેં સ્ટાફનું ધ્યાન ક્ષતિ પ્રત્યે દોર્યું હતું. એ ભૂલ સુધારાઈ કે નહીં ખબર નથી. અહીં દરેક યુગમાંથી શંખકામના અવશેષ મળ્યા છે. આ કલાનું સાતત્ય જળવાઈ રહ્યું હતું એનો આ પુરાવો છે. 

આ કૌશલનો સીધો સંબંધ હડપ્પા યુગ સાથે જોડવામાં આવે છે. હડપ્પા યુગ પછી શંખકામ બંધ થયું અને અનેક સૈકા પછી શરૂ થયું એ પ્રકારની ધારણા આ વડનગરના ઉત્ખનનથી ખોટી પડે છે. વડનગર હડપ્પા કૌશલની મહત્ત્વની કડી છે.

સમાધિવાલે બાબાજી

આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) - ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ નામની સંસ્થા દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની જાળવણી, સંરક્ષણ અને પુરાતત્ત્વીય ઉત્ખનનની જવાબદારી સંભાળતી સરકારી એજન્સી છે. સ્મારકોની સંભાળ રાખવી અને સંશોધન કરવું એ એની મુખ્ય કામગીરી છે. 2016 - 2019 દરમિયાન આ સંસ્થાએ વડનગરમાં વિશાળ પાયે ઉત્ખનન અને સંશોધનની કામગીરી બજાવી. 

વડનગરમાં આજે જે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ ઊભું છે એના પાયામાં સંસ્થાનો પુરૂષાર્થ છે. 

વડનગરમાં ઉત્ખનન દરમિયાન માનવ અસ્થિના બે નમૂના મળી આવ્યા હતા. પુરાતત્ત્વની પ્રસિદ્ધ ડેટિગ મેથડ (જમીનમાંથી મળેલા અવશેષો, સિક્કાઓ, વાસણોનો સમય કે યુગ નક્કી કરવાની પદ્ધતિ)થી એક અસ્થિ અંદાજે બે હજાર વર્ષ પ્રાચીન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પુરાતત્ત્વમાં જૂથને ઉત્ખનન દરમિયાન પલાંઠી વાળીને ધ્યાન મુદ્રામાં બેઠેલું બીજું એક અસ્થિપિંજર મળી આવ્યું. 

ડેટિગ મેથડથી અભ્યાસ કરતા `સમાધિવાલે બાબા' નામથી ઓળખાયેલા બીજા અસ્થિપિંજરના અભ્યાસ પરથી મધ્ય યુગીન સમયના તપસ્વીઓની પરંપરાનો ખ્યાલ આવ્યો. સમાધિ કે ધ્યાનસ્થ બેઠેલી અવસ્થામાં અસ્થિપિંજર મળી આવ્યું હોય અને એનો વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરી જાળવણી કરવામાં આવી હોય એવી આ વડનગરની સાઈટ ભારતની આ પ્રકારની ચોથી સાઈટ છે. 

અગાઉ રાજસ્થાનના બાલાથલ, મધ્ય પ્રદેશમાં જબલપુર જિલ્લામાં ત્રિપુરી અને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના અડમ સાઈટ પર આવા અવશેષ મળી આવ્યા છે. આ પ્રકારના અસ્થિપિંજરના અભ્યાસથી જે તે સમયની પરિસ્થિતિ અને વ્યવસ્થાનો ખ્યાલ આવે છે અને કાળક્રમે માનવજીવનમાં શું અને કેવા ફેરફાર થયા એ સમજાય છે.

આ સિવાય પણ વડનગરના અનંત અનાદિ પુરાતત્ત્વ અનુભવાત્મક સંગ્રહાલયમાં ઘરમાં વપરાતું રાચરચીલું, આપણી પ્રાચીન રમતો સહિત જોવા- જાણવા અને સમજવા જેવી અન્ય અનેક બાબતો પણ છે. એકવાર વડનગર જાઓ તો ધર્મસ્થાન ઉપરાંત આ મ્યુઝિયમ સહિત શહેરના અન્ય કલાત્મક વારસાસ્થળોની મુલાકાત જરૂર લેજો. કશુંક પામ્યાનો અનુભવ થશે.