Tue Sep 15 2026

Logo

યુએસ ઈરાનમાં 'શાસન પરિવર્તન' માટે હુમલો કરશે? ખામેની થઇ શકે છે અપહરણ

Wasington D.C.   2026-02-22 09:44:00
Author: Savan Zalariya
યુએસ ઈરાનમાં 'શાસન પરિવર્તન' માટે હુમલો કરશે? ખામેની થઇ શકે છે અપહરણ

વોશિંગ્ટન ડી સી: યુએસ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, યુએસએ તેના વિમાન વાહક જહાજો અને ફાઈટર જેટ્સ ઈરાન તરફ મોકલ્યા છે. એવામાં અહેવાલ છે કે યુએસ ઈરાન પર વેનેઝુએલાની જેમ શાસન પરિવર્તન માટે ટાર્ગેટેડ હુમલો કરી શકે છે, ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનું અપહરણ કરવામાં આવી શકે છે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં આદેશની રાહ જોવામાં આવી રહી છે.

યુએસ અને ઈરાન વચ્ચે સ્વીત્ઝરલૅન્ડમાં પરમાણુ કરાર અંગે વાટાઘાટો પણ ચાલી રહ્યા છે, જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જાય યુએસ ઇરાન સામે લશ્કરી કાર્યવાહી શરુ કરી શકે છે. યુએસ સૈન્ય ઇરાન સામે અઠવાડિયા લાંબા ઓપરેશન માટે સતત તૈયારી કરી રહ્યું છે. અહેવાલ મુજબ ઇરાનની ડિફેન્સ ફેસિલિટી અને ન્યુક્લીયર સાઈટ્સ પર હુમલો કરવામાં આવી શકે છે.

ટાર્ગેટેડ હુમલા માટે ઝીણવટભર્યું આયોજન:
તાજેતરમાં ઈરાનમાં ખામેનીની સરમુખત્યારશાહી સામે વિરોધ પ્રદર્શનો યોજાયા હતાં, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં શાસન પરિવર્તનને સમર્થન આપ્યું હતું. ટ્રમ્પ ઈરાન સામે કર્યવાહી કરવામાં કોઈ ઉતાવળ નથી કરી રહ્યા, અહેવાલ મુજબ ટાર્ગેટેડ હુમલા માટે ઝીણવટભર્યું આયોજન કરવામાં આવી રહ્યું છે.  

એક અહેવાલમાં યુએસના અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું કે યુએસ ભૂમિ પર વ્યાપક કાર્યવાહી વગર માત્ર શાસન પરિવર્તન માટે ઈરાનમાં ચોક્કસ લોકોને નિશાન બનાવી શકે છે.

ટ્રમ્પે આપ્યા હતાં સંકેતો:
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન વચન આપ્યું હતું કે ભૂતકાળના યુએસ વહીવટીતંત્રની અફઘાનિસ્તાન અને ઇરાકમાં સરકારોને ઉથલાવી પાડવા લશ્કરી પ્રયાસો જેવી નિષ્ફળ નીતિઓને છોડી દેવામાં આવશે, પરંતુ હવે ટ્રમ્પ આ વચનથી ફરી ગયા છે. 

ગયા અઠવાડિયે ટ્રમ્પે ઈરાનમાં સરકાર ઉથલાવવાની શક્યતા અંગે પુછવામાં આવ્યું ત્યારે, તેમણે કહ્યું, "એવું લાગી રહ્યું છે કે શ્રેષ્ઠ વિકલ્પ એ જ હોઈ શકે છે."