Thu Sep 03 2026

Logo

ઉલ્હાસનગરમાં પડોશીની કરપીણ હત્યા કરનારા યુવકની ધરપકડ

2026-03-24 17:07:00
Author: Yogesh C. Patel
ઉલ્હાસનગરમાં પડોશીની કરપીણ હત્યા કરનારા યુવકની ધરપકડ

 

થાણે: જૂના વિવાદમાં પથ્થર અને ઈંટ ફટકારી પડોશીની કરપીણ હત્યા કરવાના કેસમાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ સોમવારની બપોરે ઉલ્હાસનગરમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા શખસની ઓળખ પ્રવીણ આશિક વર્મા (28) તરીકે થઈ હતી. જોકે હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ થઈ શક્યો નહોતો.
મુખ્ય આરોપી પપ્પી ઉર્ફે શુભમ અર્જુન પાટીલ (26) અને વર્મા એક જ પરિસરમાં રહે છે. તેમની વચ્ચે અગાઉ પણ વિવાદ થયો હતો. સોમવારે પાટીલે તેના સાથી સાથે મળીને વર્માને બિરલા ગેટ નજીક આંતર્યો હતો. પછી તેના પર પથ્થર અને ઈંટથી હુમલો કર્યો હતો, એવું ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આ હુમલામાં વર્માનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વર્માના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વર્માના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે પાટીલની ધરપકડ કરી હતી, જ્યારે ગુનામાં સંડોવાયેલા બીજા શકમંદની શોધ હાથ ધરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)