Tue Sep 15 2026

Logo

૧૫ જૂન સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસુ નબળું રહી શકે છે:  ચોમાસું કોંકણમાં પ્રવેશી ગયું પણ દરેક જગ્યાએ સક્રિય નથી

2026-06-07 19:50:32
Author: Sapna Desai
૧૫ જૂન સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસુ નબળું રહી શકે છે:  ચોમાસું કોંકણમાં પ્રવેશી ગયું પણ દરેક જગ્યાએ સક્રિય નથી

ખેડૂતોને વાવણીમાં ઉતાવળ નહીં કરવાની સલાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નૈર્ઋત્યના ચોમાસાએ મહારાષ્ટ્રના દક્ષિણ કોંકણમાં એન્ટ્રી કરી લીધી છે અને  સિંધુદુર્ગ તથા  રત્નાગિરી જિલ્લાના કેટલાક ભાગોમાં નવ જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જોકે, વર્તમાન હવામાન અંદાજા મુજબ રાજ્યમાં વરસાદની એકંદર તીવ્રતા અને ચોમાસાની ગતિ ૧૫ જૂન સુધી ધીમી રહેવાની સંભાવના છે. તેથી આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં સંતોષકારક વરસાદની શક્યતા ઓછી છે હોવઆથી ખેડૂતોએ વાવણી કરવાની ઉતાવળ કરવી નહીં એવી સલાહ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતોને આપી છે.

વર્તમાન હવામાન આગાહી મુજબ  ૧૫ જૂન સુધી બપોર બાદ  વિદર્ભ, મરાઠવાડા, ખાનદેશ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળો સાથે ગાજવીજ અને છૂટાછવાયા વાવાઝોડાની શક્યતા છે. જોકે વરસાદનું જોર ઓછું હોઈ વાવણી માટે અનુકૂળ નહીં હોય.

રાજ્યના કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અનુસાર, ૯ જૂન સુધી સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લાના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જોકે હવામાન વિભાગની આગાહી સૂચવે છે કે આગામી અઠવાડિયા દરમિયાન વરસાદની તીવ્રતા અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ચોમાસાની પ્રગતિની ગતિ બંને ધીમી રહી શકે છે.  તેથી ખેડૂતોએ વાવણી માટે ઉતાવળ નહીં કરતા થોડી રાહ જોવી એવી સલા આપવામાં આવી છે.

આ દરમ્યાન રાજ્યના ઘણા ભાગોમાં ઓછામાં ઓછા ૧૨ જૂન સુધી મહત્તમ તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે. વિદર્ભ અને ખાનદેશમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના છે, જ્યારે મરાઠવાડામાં ૩૫ થી ૪૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.

નૈર્ઋત્યનું ચોમાસું ગયા અઠવાડિયે કોંકણના કેટલાક ભાગોમાં પ્રવેશ્યું હતું, પરંતુ હવામાન વિભાગના કહેવા મુજબ  આગામી દિવસોમાં મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં તેની પ્રગતિ ધીમી રહેવાની શક્યતા છે.