Thu Jul 23 2026

Logo

સંગીત, શરાબ, ઠુમકા પછી આવ્યું મોત

2026-06-07 20:22:00
Author: Yogesh C. Patel
Article Image

વરલીના મ્યુઝિકલ કૉન્સર્ટમાં વધુપડતો દારૂ પીધા પછી માહિમના યુવકનું મૃત્યુ: યુવતી હૉસ્પિટલમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગોરેગામના નેસ્કો એક્ઝિબિશન સેન્ટરના હૉલમાં મ્યુઝિકલ કૉન્સર્ટમાં ડ્રગ્સના સેવનને કારણે એમબીએના બે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યાની ઘટના હજુ ચર્ચામાં છે ત્યારે વરલીના મ્યુઝિકલ કૉન્સર્ટમાં યુવકનાં મોતથી હોબાળો મચ્યો હતો. કૅન્સર્ટમાં વધુપડતો દારૂ પીધા પછી સંગીતના તાલે નાચનારાં યુવક-યુવતીનું અચાનક સ્વાસ્થ્ય બગડ્યું હતું. બન્નેને હૉસ્પિટલે લઈ જાય ત્યાં સુધીમાં યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે યુવતી સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું. જોકે આ કૉન્સર્ટમાં ડ્રગ્સના ઉપયોગને પોલીસે નકારી કાઢ્યો હતો.

તાડદેવ પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા યુવકની ઓળખ રુશિલ ગાંગુર્ડે (28) તરીકે થઈ હતી. માહિમમાં શીતલાદેવી મંદિર નજીકના પરિસરમાં રહેતા યુવકે લૉની ડિગ્રી મેળવી હતી. જોકે હાલમાં તે પ્રેક્ટિસ કરતો હતો કે નહીં તેની ખાતરી થઈ નહોતી.

ઝોનલ ડેપ્યુટી પોલીસ કમિશનર જયંત મીનાએ જણાવ્યું હતું કે શનિવારની રાતે વરલીના એનએસસીઆઈ ડોમમાં મ્યુઝિકલ કૉન્સર્ટનું આયોજન કરાયું હતું. કૉન્સર્ટમાં ડાન્સ દરમિયાન યુવકનું સ્વાસ્થ્ય લથડ્યું હતું અને તે બેભાન થઈ ગયો હતો.

બેભાન અવસ્થામાં યુવકને એમ્બ્યુલન્સમાં બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ જ કૉન્સર્ટમાં 31 વર્ષની એક યુવતીની પણ તબિયત બગડી હતી. તેને તાત્કાલિક જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ યુવતીની તબિયત સુધારા પર હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ આ કૉન્સર્ટ માટે ઑનલાઈન ટિકિટ ખરીદવામાં આવી હતી. કૉન્સર્ટમાં લગભગ છ હજાર લોકો આવ્યા હોવાનું કહેવાય છે. મ્યુઝિકને તાલે ડાન્સની સાથે દારૂનું સેવન કરવામાં આવ્યું હતું. એ સિવાય કોકટેઈલ્સ પણ રાખવામાં આવ્યું હતું.

વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ હૉસ્પિટલમાં દાખલ યુવતીએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે તેણે આલ્કોહોલ પર એનર્જી ડ્રિન્ક્સ પીધું હતું. ડ્રગ્સના સેવનનો તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
દરમિયાન રુશિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નાયર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. દારૂના વધુપડતા સેવનને કારણે તેણે જીવ ગુમાવ્યો હોવાનું પ્રથમદર્શી જણાય છે. આ પ્રકરણે તાડદેવ પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

તાડદેવ પોલીસના જણાવ્યા મુજબ કૉન્સર્ટ માટે અધિકૃત પરવાનગી આપવામાં આવી હતી. કૉન્સર્ટમાં દારૂની પણ પરવાનગી હતી. અત્યાર સુધીની તપાસમાં ડ્રગ્સની કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.