Sat Sep 05 2026

Logo

મોદી સરકારને ઘેરવા વિપક્ષનું 'મહામંથન': INDI ગઠબંધનની બેઠકમાં કયા મુદ્દા ગાજશે?

2026-06-07 20:19:48
Author: Mumbai Samachar Team
મોદી સરકારને ઘેરવા વિપક્ષનું 'મહામંથન': INDI ગઠબંધનની બેઠકમાં કયા મુદ્દા ગાજશે?

ChatGTP Ai Generated Image


આવતીકાલે 23 વિપક્ષી નેતાઓ કરશે ચર્ચા, DMK બેઠકથી દૂર રહેશે

નવી દિલ્હીઃ દેશની વર્તમાન રાજકીય હાલાત અને 2029ની આગામી લોકસભાની ચૂંટણીની પોલિસી નક્કી કરવા માટે આવતીકાલે કોંગ્રેસની આગેવાની હેઠળની ઈન્ડિ ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી છે. કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષે ફરી એકવાર રાજકીય યોજના બનાવવાનું ચાલુ કરી દીધું છે. જુદા-જુદા મુદ્દાઓને લઈને સરકારને સવાલ કરવા માટે વિપક્ષે એક મહત્ત્વની બેઠક બોલાવી છે. આ બેઠકને હાઈપ્રોફાઈલ બેઠક માનવામાં આવે છે. રાજકીય મહામંથનમાં 23 જુદા-જુદા વિપક્ષના કદાવર નેતાઓ જાડાશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. 

સરકારને ફરજિયાત જવાબ આપવો પડે કે સ્પષ્ટતા કરવી પડે એ પ્રકારના મુદ્દાઓની યાદી તૈયાર થઈ રહી છે. દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને વર્ષ 2029ની લોકસભાની ચૂંટણીની રણનીતિ પર મનોમંથન કરવા માટે આ બેઠક હોવાનું મનાય રહ્યું છે. 

સરકારની પોલિસી સામે સવાલ

સંવિધાન ક્લબમાં યોજાનારી બેઠકમાં વિપક્ષી એકતાને મજબૂત કરવા અને કેન્દ્રની મોદી સરકારની સામે સંયુક્ત રણનીતિ પર ખાસ વિચારણા થઈ શકે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી), કોંગ્રેસ, આરજેડી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી જેવા મોટા નેતાઓના પક્ષના પદાધિકારી આ બેઠકમાં જોડાશે. 

ઈન્ડિ ગઠબંધનના સભ્ય રહેલા એમકે સ્ટાલિનની પાર્ટીમાંથી કોઈ આ બેઠકમાં સામેલ થશે નહીં. આ તમામ વિપક્ષના નેતાઓની બેઠકમાં અનેક એવા મોટા પ્રશ્નોની ચર્ચા થાય એવું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર આ બેઠકમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓની યાદી તૈયાર થઈ શકે છે. જેની રજૂઆત સરકાર સામે કરી શકાય. 

ડીએમકે પણ આ બેઠકમાં જોડાશે નહીં, વિપક્ષના નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકારની પોલિસી પર આરોપ લગાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની પોલિસીને કારણે લાખોની સંખ્યામાં મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મળ્યો નથી. 

મોઘવારીનો મુદ્દો મુખ્ય

બંધારણની કેટલીય એવી જોગવાઈઓ છે જેનું સરકારે પાલન પણ કર્યું નથી. મોંઘવારી, બેરોજગારી, સુરક્ષા, આર્થિક પડકારો તથા પેટ્રોલ-ડીઝલના ભાવે પ્રજાની મુશ્કેલી વધારી છે ત્યારે તપાસ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષના નેતાઓને ટાર્ગેટ કરવા માટે થઈ રહ્યો છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થતા અનેક પરિવારનું બજેટ ખોરવાયું છે તો બીજી તરફ અનેક દેશવાસીઓની રોજીરોટીને નુકસાન થઈ રહ્યું છે. 
લાખો યુવાનોની આશા અને અપેક્ષા પર પાણી ફરી રહ્યું છે. તો રોકાણકારો માટે પણ માહોલ બગડી રહ્યો છે. જે રીતે ભારતમાં વિવિધતામાં એકતા છે એમ જુદા-જુદા વિપક્ષના નેતાઓ પણ એકતા સાથે ઊભા છે. 

વિદેશ પોલિસી અંગે પણ ટોણો માર્યો

જયરામ રમેશે બીજી પણ એકવાત સ્પષ્ટ કરી કે, સરકારની ફોરેન પોલિસી રાષ્ટ્રીયહિતને અનુરૂપ નથી, આ કારણે વિદેશથી મળતું રોકાણ પ્રભાવિત થયું છે.  કોંગ્રેસના મહાસચીવ તથા સાંસદ જયરામ રમેશે જણાવ્યું કે, આ બેઠકમાં 23 વિપક્ષના નેતાઓ જાડાશે.કેટલાક પક્ષ પોતાના કેટલાક કારણોસર આ બેઠકમાં જોડાશે નહીં પણ તેઓ પણ મોદી સરકારની કાર્યશૈલી, પોલિસી અને કેટલાક મુદ્દાઓનો વિરોધ કરી રહ્યા છે. 

ખાસ કરીને યુવાનોના સંદર્ભમાં સરકારે કરેલા વિશ્વાસની વાત પર ભાર મૂકતા તેમણે આ વાત કહી હતી. આ પહેલી બેઠક નથી, આ પહેલા પણ વિપક્ષે આ પ્રકારની બેઠક બોલાવી હતી પણ આ વખતે મોંઘવારી અને શિક્ષણના મુદ્દાને લઈને વિપક્ષ સવાલ કરશે એવું મનાય રહ્યું છે.