Mon Jun 08 2026

Logo

અલખનો ઓટલોઃ પાંડવોનો આંબો

2026-06-08 08:17:00
Author: Dr Niranjan Rajyaguru
Article Image

 

ડૉ. નિરંજન રાજ્યગુરુ

પાવનકારી એવો પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે ગામડાંની વયોવૃદ્ધ ગોપીઓના કંઠે સાંભળવા મળે કેટલીક ધોળ પ્રકારની રચનાઓ. ‘પાંડવોનો આંબો’ નામની એક ખૂબ જ જાણીતી રચના કલાભગત દ્વારા સર્જન પામી છે. 

લોકકંઠે વહેતી આવેલી આ રચનાના અનેક પાઠાંતરો-રૂપાંતરો કંઠસ્થ પરંપરામાં જળવાતાં આવ્યાં છે. ‘કલો કોલીખડાવોળો’ના નામે જાણીતા થયેલા આ સંતકવિ પોરબંદર વિસ્તારમાં રબારી સમાજમાં આદરણીય ભક્ત તરીકે પૂજાય છે.

દૂરવાસા ૠષિયે ગોઠલી કીધી, માંય મેલી છે ગાળ;  
પકવી આપો પાંડવો મારે, કરવું છે ફરાળ,
પાંડવોને ઘેર આંબલો ઊગે આજ, આંબલો ઊગે આજ, 
રાખો તમે લક્ષ્મીના વર લાજ...
ઘઉં કણકની ગોઠલી, ત્રીજી શેકી શાળ, 
પકવી આપો પાંડવો મારે, કરવું છે ફરાળ...
પાંડવોને ઘેર આંબલો ઊગે આજ, 
આંબલો ઊગે આજ, રાખો તમે લક્ષ્મીના વર લાજ...
ત્રણ પહોરમાં તઈયાર કરોને, બ્રાહ્મણ માગે ભાગ, 
ચાકરીમાં જો ચુકશો તો સાંભળશો સરાપ... 
ધરમે આંબો રોપિયો ને ધર્યા હરિનાં ધ્યાન, 
સતને વિસવાસે સમરિયા ને આંબલે રાતા પાન... 
પાંડવોને ઘેર આંબલો ઊગે આજ, આંબલો ઊગે આજ, 
રાખો તમે લક્ષ્મીના વર લાજ...
અર્જુનને તો આધીન છે, નિત્ય ભજે નારાયણ, 
સ્મરણ કીધું શામળિયાનું એમાં દસે દિશે ડાળ... 
નિકુળને તો નિશ્ર્ચે છે તે, નિત્ય ભજે નારાયણ, 
સ્મરણ દીધું શામળિયાનું આંબલે આવ્યો મોર... 
પાંડવોને ઘેર આંબલો ઊગે આજ, આંબલો ઊગે આજ, 
રાખો તમે લક્ષ્મીના વર લાજ...
ભીમસેનને ભાવ ઘણેરો, ઘેર પધાર્યા ગોર, 
નવ તેરી ત્યાં નોતરી એની પાંખડિયે ખડ ધન... 
દ્રોંપદીજી તો મહાસતીને, લાંબી કાઢે લાજ, 
કરજોડી ઊભાં રિયા ત્યાં ફળ જડયા હજાર... 
પાંડવોને ઘેર આંબલો ઊગે આજ, આંબલો ઊગે આજ, 
રાખો તમે લક્ષ્મીના વર લાજ...
થાળ ભરી આંબો વેડિયો, કરો ૠષિ હવે ફરાળ, 
હાથનો વેડેલ આંબલો, મારે ફળ ન આવે કામ઼.. 
કુંતાજી તો મહાસતી ને અલોકિક અવતાર, 
પાય લાગ્યા એને પાંડવો ત્યારે ફળ પડયા હજાર... 
પાંડવોને ઘેર આંબલો ઊગે આજ, આંબલો ઊગે આજ, 
રાખો તમે લક્ષ્મીના વર લાજ...
ૠષિ જમાડી રાજી થયાને બદલે વેંચ્યાં પાન, 
કલાના સ્વામી શામળા, એના સત રાખ્યા ભગવાન...
પાંડવોને ઘેર આંબલો ઊગ્યો આજ, આંબલો ઊગ્યો આજ, 
રાખી તમે લક્ષ્મીના વર લાજ...

દુર્વાસા મુનિ તો ક્રોધના અવતાર તરીકે જાણીતા એકવાર પાંડવોની પરીક્ષા લેવા આવ્યા. ઘઉંના લોટની ગોટલી બનાવી, એને શેકી ને લઈ આવ્યા. પાંડવોને હવે આને વાવો ને એના ફળનાં મને ફરાળ કરાવો. ત્રણ પહોરમાં જો તૈયાર નહીં થાય તો મારો શ્રાપ ખમવા તમે તૈયાર રહેજો. ધરમરાજાએ તો શ્રી હરિનાં નામ લઈ એ ગોઠલી વાવી અને પોતાનાં સત્યવ્રતના પુણ્ય અર્પણ ર્ક્યા. 

ત્યારે એ ગોઠલીમાંથી કોંટા ફૂટીને રાતાં પાન બહાર આવ્યા. એ પછી ભીમ, અર્જુન, સહદેવ, નકુળના પુણ્યના પ્રતાપે આંબો વધ્યો, મોર આવ્યો ને કેરી તૈયાર થઈ. દ્રૌપદીના પુણ્યે એ ફળ પાકી ગયાં, એણે ફળ ઉતારીને મુનિને આપ્યાં તો દુર્વાસા મુનિ કહે હાથે ઉતારેલા ફળનો આહાર હું ન કરું. ત્યારે કુંતામાતાને પાંડવોએ નમસ્કાર ર્ક્યા, કુંતા માતા અંબા પાસે આવ્યા અને પોતાનું સત અર્પણ કર્યું એટલે આપોઆપ ફળ એના થાળમાં પડયા. ૠષિને જમાડયા ને દુર્વાસા મુનિ પ્રસન્ન થઈ ગયા. ભગવાને સત રાખ્યું એ પ્રસંગને વર્ણાવતો કલા ભગતે ભક્તિનો મહિમા ગાયો છે.