Mon Jun 08 2026

Logo

ટ્રમ્પની ‘ના’, ઇઝરાયેલની ‘હા’..ટ્રમ્પની ના છતાં ઇઝરાયેલનો ઇરાનમાં મિસાઇલ એટેક, 4 શહેરોમાં જબરજસ્ત હુમલા

2026-06-08 08:22:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં પરિસ્થિતિ ઝડપથી બગડતી દેખાઈ રહી છે. એપ્રિલમાં લાગુ થયેલા યુદ્ધવિરામ (સીઝફાયર) પછી પહેલીવાર ઈરાને સીધો ઈઝરાયેલ પર મિસાઈલોનો વરસાદ કરી દીધો. આ પછી ઈઝરાયેલે પણ જવાબી હુમલો કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને પક્ષોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ અસફળ રહ્યા. તેમણે નેતન્યાહૂને ફોન કર્યો હતો, પરંતુ નેતન્યાહૂએ તેમની વાત માની નહીં. 

ટ્રમ્પની ના છતાં રવિવારે મોડી રાત્રે ઈરાને ઈઝરાયેલ પર જોરદાર હુમલા કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂને જવાબી કાર્યવાહી ન કરવાની સૂચના આપી હતી. તેમ છતાં, ઈઝરાયેલની વાયુસેનાએ ઈરાન પર એર સ્ટ્રાઈક (હવાઈ હુમલો) કરી દીધી હતી. ઈઝરાયેલી સેનાએ આ હુમલા ઈરાનના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર)ની બહારથી જ કર્યા હતા.

ઈઝરાયેલના ફાઈટર પ્લેનોએ ઈરાનની સરહદમાં પ્રવેશ્યા વગર, તેની હવાઈ સરહદની બહારથી જ મિસાઈલો છોડીને ઈરાનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઈઝરાયેલે તેહરાન, ઈસ્ફહાન, તબરીઝ અને મહેરાબાદ એરપોર્ટ પર હુમલા કર્યા હતા.

ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, ઈરાને સોમવારે તેના ઘણા વિસ્તારો તરફ મિસાઈલો છોડી હતી. હાઈફા અને નાઝરેથને નિશાન બનાવવામાં આવ્યા હોવાના સમાચાર છે.

ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે તેની સંરક્ષણ પ્રણાલી (ડિફેન્સ સિસ્ટમ) એ આ જોખમને રોકવા માટે કાર્યવાહી કરી અને મિસાઈલોને હવામાં જ તોડી પાડી (ઈન્ટરસેપ્ટ કરી). ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (IDF) એ માહિતી આપી કે દેશના ઘણા ભાગોમાં સાયરન વગાડવામાં આવ્યા હતા અને લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે સૂચના આપવામાં આવી હતી.

ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કર્યો

પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું, ‘ઈરાનના હુમલામાં કોઈને નુકસાન થયું નથી. આશા છે કે ઈઝરાયેલ વળતો પ્રહાર નહીં કરે. જો બીબી (નેતન્યાહૂ) ફરીથી હુમલો કરશે, તો આ સિલસિલો આગામી 47 વર્ષ કે 3000 વર્ષ સુધી ચાલતો રહેશે.’

નવો વિવાદ કેમ ભડક્યો?

ઈરાનનો આ હુમલો બેરૂતના દક્ષિણ ઉપનગરો પર ઈઝરાયેલના હુમલા બાદ થયો હતો. ઈઝરાયેલે કહ્યું હતું કે આ કાર્યવાહી હિઝબુલ્લાહ તરફથી ઉત્તરી ઈઝરાયેલ પર થયેલા ગોળીબારના જવાબમાં કરવામાં આવી હતી. આ પછી ઈરાને ચેતવણી આપી હતી કે તે જવાબ આપશે. હવે આ મિસાઈલ હુમલા બાદ તેહરાન (ઈરાન)નું વલણ વધુ કડક થઈ ગયું છે.