ભાણદેવ
હરિદ્વાર
काशीकाञ्ची च मायाख्या त्वयोध्या द्वारवत्यपि|
मथुरावन्तिका चैता: सप्तपुर्योऽत्र मोक्षदा:॥
‘કાશી, કાંચી, માયાપુરી (હરિદ્વાર), અયોધ્યા, દ્વારિકા, મથુરા અને અવન્તિકા- આ સાતે પુરી મોક્ષદાયિની છે.’
મોક્ષદાયિની આ સાત પુરીઓમાં માયાપુરી એટલે કે હરિદ્વાર પણ એક છે.
હિમાલયનાં સૌથી વધુ અને સૌથી મહત્ત્વનાં તીર્થો ઉત્તરાખંડમાં આવેલાં છેઅને હરિદ્વાર ઉત્તરાખંડનું દ્વાર છે. હરિદ્વારને કોઈ હરદ્વાર પણ કહે છે. બદરીનાથ (હરિ)ની યાત્રા માટે આ દ્વાર છે તેથી તે હરિદ્વાર છે અને કેદારનાથ (હર)ની યાત્રા માટે પણ આ દ્વાર છે, તેથી તે હરદ્વાર પણ છે. ભગવતી ભાગીરથી ગંગા અહીંથી હિમાલય છોડીને મેદાનમાં પ્રવેશે છે, તેથી તે ગંગાદ્વાર પણ કહેવાય છે.
હરિદ્વાર ધર્મનગરી છે. હરિદ્વાર અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહે છે. આ ધર્મનગરીમાં અનેક આશ્રમો, મંદિરો, તીર્થસ્થાનો, અન્નક્ષેત્રો, ધાર્મિક સંસ્થાઓનાં મુખ્ય મથકો, સાધુઓના અખાડા વગેરે આવેલાં છે. ભારતનો સૌથી મોટો મેળો કુંભમેળો છે. કુંભમેળામાં ચાર સ્થાનોમાં હરિદ્વાર પણ એક છે. હરિદ્વારમાં દર બાર વર્ષે કુંભમેળો અને કુંભમેળા પછીનાં છ વર્ષે અર્ધકુંભમેળો ભરાય છે. કુંભમેળા દરમિયાન હરિદ્વારમાં ભારતભરના સાધુ, સંતો તથા વિશાળ જનમેદની એકઠાં થાય છે. આ કુંભમેળાની કથા અને સ્વરૂપ પણ સમજવાં જેવાં છે.
દેવો અને અસુરોએ સાથે મળીને સમુદ્રમંથન કર્યું. અનેક રત્નો નીકળ્યાં અને આખરે અમૃતકુંભ લઈને ભગવાન ધન્વંતરિ બહાર આવ્યા. અમૃત માટે દેવો અને દાનવો વચ્ચે વિવાદ શરૂ થયો. વિવાદે સંઘર્ષનું રૂપ ધારણ કર્યું. બ્રહ્માજીની સૂચનાથી ગરુડજી આ અમૃતકુંભ લઈને નાઠા. અસુરો તેમની પાછળ પડ્યા. આ ઝપાઝપી દરમિયાન ચાર વખત અમૃતકુંભ પડી ગયો. જે ચાર સ્થળોએ અમૃતકુંભ પડી ગયો તે ચાર સ્થળો આ હતાં - હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાશિક.
અમૃતકુંભ જે ભૂમિ પર થોડો વખત પણ રહ્યો તે ભૂમિનું એક વિશેષ મહત્ત્વ ઊભું થયું, એટલે આ ચારે પવિત્ર સ્થાનોમાં એક વિશિષ્ટ મુહૂર્ત વખતે સ્નાનનું ખાસ મહત્ત્વ છે. આવું મુહૂર્ત દરેક સ્થાનમાં દર બાર વર્ષે આવે છે, તેથી તે વખતે તે સ્થાને મેળો ભરાય છે. આ મેળાને કુંભમેળો કહે છે. ગુરુ અને સૂર્યની વિશિષ્ટ સ્થિતિ મુજબ કુંભમેળાનો સમય નિશ્ચિત થાય છે.
1. હરિદ્વાર- કુંભ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય.
2. પ્રયાગરાજ- વૃષભ રાશિમાં ગુરુ અને મકર રાશિમાં સૂર્ય.
3. ઉજ્જૈન- સિંહ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય.
4. નાશિક- સિંહ રાશિમાં ગુરુ અને સિંહ રાશિમાં સૂર્ય.
ગુરુ બાર વર્ષમાં રાશિચક્ર પૂરું કરે છે, તેથી ઉપરોક્ત દરેક સ્થળે તે જ પ્રકારનું ગ્રહમાન બાર વર્ષે આવે છે, એટલે ચારેમાંના દરેક સ્થળે બાર વર્ષે કુંભમેળો ભરાય છે. સૂર્ય એક વર્ષમાં રાશિચક્ર પૂરું કરે છે, એટલે કે એક રાશિમાં એક મહિનો રહે છે. એટલે કુંભમેળો એક મહિના સુધી ચાલુ રહે છે. ચારમાંનાં બે સ્થાનો : હરિદ્વાર અને પ્રયાગરાજમાં અર્ધકુંભમેળો પણ થાય છે. કુંભમેળા પછી બરાબર છ વર્ષે અર્ધકુંભ ભરાય છે. એ મુજબ હરિદ્વારમાં દર બાર વર્ષે કુંભમેળો અને કુંભમેળા પછીનાં છ વર્ષે અર્ધકુંભમેળો ભરાય છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો કુંભમેળાનો સમ્રાટ હર્ષ સાથે સંબંધ છે. સમ્રાટ હર્ષ ઉપરોક્ત ચારે સ્થાનોમાં વારાફરતી સમગ્ર ભારતના બધા સાધુઓને નિમંત્રણ આપતો અને તે વખતે સેના સિવાયની પોતાની તથા રાજ્યની સમગ્ર મિલકતનું દાન કરતો. પહેરેલાં વસ્ત્રો સુધ્ધાં દાનમાં આપી દેતો અને પોતે પોતાની બહેન પાસેથી દાન માગીને એક વસ્ત્ર મેળવતો અને તે પહેરીને ફરીથી રાજ્યવહીવટ શરૂ કરતો અને આ રીતનો ક્રમ ચાલુ જ રહ્યો. તે વખતથી સાધુઓના મહાસંમેલનની પરંપરા ચાલુ થઈ અને તે જ પરંપરા આજે કુંભમેળારૂપે જોવા મળે છે.
કુંભમેળો મૂલત: સાધુઓનો મેળો છે, પણ હવે તો સામાન્ય જનસમાજ પણ વિશાળ પ્રમાણમાં આવે છે. ભારતભરના બધા સંપ્રદાયના લગભગ સમગ્ર સાધુસમાજનાં એક જ સ્થળે દર્શન કરવાં હોય અને સાધુસમાજનો પરિચય મેળવવો હોય તો કુંભમેળો આદર્શ સ્થાન છે. ભારતભરનાં દૂરદૂરનાં સ્થળોમાં રહેતા સાધુઓ કુંભમેળામાં અવશ્ય આવે છે. હિમાલયની દૂરદૂરની ગુફામાં રહેતા અને ભાગ્યે જ બહાર નીકળનારા સાધુઓ પણ કુંભમેળામાં પધારે છે. વિરાટ જનમેદની અને ભીડને ભેદીને અંદર ઊતરતાં આવડે તો દેખાય છે કે કુંભમેળામાં સાત્ત્વિક, એકાંતપ્રિય અને સાધનપરાયણ સાધુઓ પણ આવે છે. કુંભમેળામાં હાજર રહેવું એ હિંદુ ધર્મના સમગ્ર સાધુસમાજની શિસ્ત છે. એ વણલખ્યું ફરમાન છે.
કુંભમેળો ધાર્મિક મહાસંમેલન છે. કુંભમેળામાં ગુરુ-શિષ્યનું મિલન થાય છે. ગુરુભાઈઓનું મિલન થાય છે, નવા શિષ્યોની દીક્ષા પણ કુંભમેળામાં થાય છે. કુંભમેળામાં સાધુસમાજની વ્યવસ્થા અંગેના નિર્ણયો લેવાય છે. સંપ્રદાય પ્રમાણે સાધુઓનાં સંમેલનો યોજાય છે. તેમાં નવા હોદ્દેદારોની નિમણૂક થાય છે. સાધુસમાજના પ્રશ્ર્નોની ચર્ચા થાય છે, તેમના ઉપાયો શોધાય છે.
સાધુઓ અરસપરસ પ્રેમથી મળતા હોય છે. સાધુ-સાધુના પણ સંબંધો હોય છે. આ સંબંધો કુંભમેળામાં તાજા બનાવાય છે. નવા સંબંધો જોડાય છે. ભિન્ન-ભિન્ન સંપ્રદાયના સાધુઓ પણ અરસપરસ પ્રેમથી મળતા હોય છે. કુંભમેળામાં સ્વાધ્યાય, પ્રવચનો, ભજનો, સત્સંગ પણ સતત ચાલુ જ હોય છે. સૌ પોતપોતાના રસ મુજબનો વિકલ્પ પસંદ કરી લે છે.
કુંભમેળો બહારથી એક ભીડ જેવો લાગે છે. પણ ભીડ તો કુંભમેળાનો બાહ્ય દેખાવ છે. આ ભીડની અંદર અનેકવિધ ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સામૂહિક અને વ્યક્તિગત સ્વરૂપે ચાલુ હોય છે. જેમને સત્સંગમાં જ રસ હોય તેમને તેવા સાધુઓ પણ કુંભમેળામાં મળી રહે છે. કુંભમેળા દરમિયાન અનેક એકલમલ સાધુઓ નદીની રેતીમાં દૂરદૂરના વિસ્તારમાં રહેતા હોય છે. તેમાંના ઘણા સાત્ત્વિક સાધનપરાયણ સાધુઓ પણ હોય છે. કુંભમેળામાં ધર્મ અને અધ્યાત્મ અંગે વિચારવિનિમય, વિવાદ, સંવાદ, માર્ગદર્શન વગેરે પણ ખૂબ થાય છે. કુંભમેળો એ હિન્દુ ધર્મની એક બહુ મહત્ત્વની સંસ્થા છે.