Sun Jun 07 2026

Logo

ટ્રમ્પના AI સલાહકાર શ્રીરામ કૃષ્ણનનું રાજીનામું! 18 મહિનામાં કેમ છોડ્યું વ્હાઇટ હાઉસ?

2026-06-07 15:08:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી/વોસિંગ્ટન ડિસીઃ ભારતીય મૂળના જાણીતા ટેક્નોલોજી એક્સપર્ટ શ્રીરામ કૃષ્ણને (Sriram Krishnan) જાહેરાત કરી છે કે તેઓ જૂન 2026ના અંતમાં વ્હાઇટ હાઉસમાં પોતાના પદેથી રાજીનામું આપી દેશે. શ્રીરામ કૃષ્ણન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત મહત્વપૂર્ણ એવા AI પોલિસી એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા હતા. આશરે 18 મહિના સુધી આ પદ સંભાળ્યા બાદ તેમણે હવે મુક્ત થવાનો નિર્ણય કર્યો છે.

રાજીનામા બાદ શોર્ટ બ્રેક લેશે 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને શ્રીરામ કૃષ્ણને વ્હાઇટ હાઉસના પોતાના અનુભવો શેર કર્યા હતા. લખ્યું કે, ‘વ્હાઇટ હાઉસમાં દેશ માટે કામ કરવું એ મારા માટે ગર્વ અને સન્માનની વાત રહી છે. પદ છોડ્યા બાદ હું થોડા સમય માટે શોર્ટ બ્રેક લઈશ અને ત્યાર બાદ અમેરિકા સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને લગતા જે પણ મોટા પડકારો છે તેના પર કામ કરીશ. જોકે, તેમણે પોતાના આગામી પ્રોજેક્ટ કે લાઇન-અપ વિશે કોઈ ખુલાસો કર્યાં નથી. 

ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા કરી

પોતાની પોસ્ટમાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. અમેરિકા AI ની વૈશ્વિક રેસમાં જે સૌથી આગળ છે, તેનો મોટો શ્રેય ટ્રમ્પના વિઝનને જાય છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પના મજબૂત નેતૃત્વ વિના અમેરિકા આ ક્ષેત્રમાં આટલી મજબૂત સ્થિતિમાં ન હોત તેવો પણ શ્રીરામ કૃષ્ણને દાવો કર્યો છે. 

અમેરિકાની ક્ષમતા વધારવા

20 જાન્યુઆરી 2025ના ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ શ્રીરામ કૃષ્ણને વ્હાઇટ હાઉસમાં સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો. આ ટૂંકા ગાળામાં તેમણે અમેરિકા માટે અનેક મહત્વપૂર્ણ નીતિઓ તૈયાર કરી હતી. જેમાં અમેરિકન AI એક્શન પ્લાન (American AI Action Plan) અને નેશનલ AI પોલિસી ફ્રેમવર્ક (National AI Policy Framework) મુખ્ય છે. વૈશ્વિક સ્તરે અમેરિકાની ક્ષમતા વધારવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રો વચ્ચે મજબૂત ભાગીદારી પ્રોગ્રામ શરૂ કરાવ્યા હતાં. 

કોણ છે શ્રીરામ કૃષ્ણન? 

મૂળ ભારતના તમિલનાડુ રાજ્યના ચેન્નાઈના વતની શ્રીરામ કૃષ્ણનનું નામ વૈશ્વિક ટેક માર્કેટમાં ખૂબ મોટું છે. તેમણે ચેન્નાઈની પ્રખ્યાત SRM એન્જિનિયરિંગ કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અહીં અભ્યાસ કર્યા બાદ અમેરિકા શિફ્ટ થયા બાદ તેમણે માઇક્રોસોફ્ટ, ફેસબુક (મેટા), ટ્વિટર અને સ્નેપચેટ જેવી દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓમાં ટોચના હોદ્દા પર કામ કર્યું છે. 
શ્રીરામ કૃષ્ણન વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કના પણ ખૂબ જ નજીકના સલાહકાર રહ્યાં છે. મસ્કે ટ્વિટર ખરીદ્યું હતું, ત્યારે પણ શ્રીરામ તેમની સલાહકાર ટીમમાં સામેલ હતા. ત્યાર બાદ તેઓ જાણીતી વેન્ચર કેપિટલ ફર્મ Andreessen Horowitz સાથે ટેક ઇન્વેસ્ટર તરીકે જોડાયા હતા.