Mon Jun 08 2026

Logo

ચિંતનઃ જાબાલ ઉપનિષદ યાજ્ઞવલ્કય ને અત્રિ

2026-06-08 09:03:00
Author: Hemu Bhikhu
Article Image

 

હેમુ ભીખુ

શુક્લ યજુર્વેદ સાથે સંકળાયેલ, જાબાલ ઉપનિષદ નામે પ્રખ્યાત, પૌરાણિક ઇતિહાસમાં યાજ્ઞવલ્કય અને અત્રિ વચ્ચે એક અગત્યનો સંવાદ છે. સંન્યાસ શું છે, તે ક્યારેય અને કેવી રીતે લેવો, મોક્ષ મેળવવાની રીત કઈ છે, કાશી-અવિમુક્ત એટલે શું; આવા પ્રશ્નોનો જવાબ અહીં મળે છે. અહીં કર્મકાંડ કરતાં આત્મજ્ઞાન, ધ્યાન અને સંન્યાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. 

એમ કહી શકાય કે આ ઉપનિષદ સંન્યાસ પરંપરાને મજબૂત બનાવે છે. એકવાર અત્રિ ઋષિને કેટલાક પ્રશ્નો થાય છે; સંન્યાસ એટલે શું, જીવન-મરણના ચક્રથી મુક્તિ કેવી રીતે મળી શકે, કયો માર્ગ વધુ હિતાવહ છે; આ બધા પ્રશ્નો લઈને તેઓ ઋષિ યાજ્ઞવલ્કય પાસે જાય છે અને જાબાલ ઉપનિષદ અસ્તિત્વમાં આવે છે. 

અહીં કહેવાયું છે કે ‘અવિમુકતં વૈ કાશી’ અર્થાત્ જે ક્યારેય છૂટતું નથી, જેના કારણે અસ્તિત્વ છે તે આત્માની અનુભૂતિ એટલે કાશી, જ્યાં અજ્ઞાન નાશ પામે તે કાશી. બીજા અર્થમાં એમ કહી શકાય કે મુક્ત જીવાત્મા જ્યાં રહે છે તે બ્રહ્મનું ધામ ‘અવિમુક્ત’ કહેવાય; આ ‘મુક્ત’ જ્યાં જાય, જ્યાં રહે તે જ તીર્થ બની રહે, તે જ કાશી બની રહે. 

વાસ્તવમાં અવિમુક્ત એ એવી અવસ્થા છે જ્યાં બ્રહ્મ-સ્વરૂપ આત્મા સદાય રહેલો હોય. આ અવસ્થાને જ કાશી કહેવાય. તે કોઈ ‘નગર’ નથી, પરંતુ પ્રત્યેક મુક્ત-આત્માની હાજરીથી સ્થાપિત થયેલ જ્ઞાનનાં પ્રકાશનો, પૂર્ણ આધ્યાત્મિકતાનો, ભક્તિની પ્રખરતાનો, સંપૂર્ણ સત્યની હાજરીનો અને ધર્મની સાર્થક પરંપરાનો એકત્રિત સમૂહ છે. અહીં અજ્ઞાન, પાપવૃત્તિ, નાસ્તિકતા, અસત્ય કે અધર્મ માટે કોઈ સ્થાન નથી હોતું. જ્યાં આ બધી નકારાત્મકતા દૂર થાય તે જ કાશી. 

જે માન્યતા છે કે કાશીમાં મરણથી મોક્ષ મળે, તે સમજવા માટે ‘કાશીમાં હાજરી’ એટલે શું તે સમજવું પડે. જે વ્યક્તિને જ્ઞાન સંપન્ન થઈ ચૂક્યું છે, જેણે આત્મજ્ઞાન અને આધ્યાત્મનો અર્થ સમજી લીધો છે, જે ભક્તિમાં સંપૂર્ણ સમર્પિત છે અને જેનું જીવન સત્ય અને ધર્મના પર્યાય સમું છે; તે સદાય કાશીનો નિવાસી છે તેમ કહી શકાય. એ જ્યાં હોય ત્યાં કાશી અને તેની મૃત્યુ બાદ પરમ સ્થિતિને પામવાની પૂરેપૂરી સંભાવના હોવાથી એમ કહી શકાય કે કાશીનું મૃત્યુ એટલે મુક્તિ. કાશી કોઈ સ્થાન તરીકે નહીં, પરંતુ ચેતનાની એક પૂર્ણ અને સાત્ત્વિક અવસ્થા છે. 
  
સંન્યાસ વિશે પણ અહીં કેટલીક સ્પષ્ટતા જોવા મળે છે. ઋષિ યાજ્ઞવલ્કયને જ્યારે પૂછવામાં આવે છે કે ‘સંન્યાસ ક્યારે લેવો જોઈએ.’ તેના જવાબમાં તેઓ જણાવે છે કે ‘યદહરેવ વિરજેત્ તદહરેવ પ્રવ્રજેત્’, અર્થાત્ જ્યારે વૈરાગ્ય જાગે ત્યારે સંન્યાસ લઈ લેવો, કોઈ પણ પ્રકારની પ્રતીક્ષા કર્યા વગર. ગીતા મુજબ ફળની ઇચ્છાથી કરાતાં કર્મોના ત્યાગને સંન્યાસ કહેવાય, જ્યારે વૈરાગ્ય એટલે  ઇન્દ્રિય-સુખ અને અન્ય સાંસારિક બાબતો પ્રત્યેના લગાવની શૂન્યતા. 

એમ કહી શકાય કે જ્યારે મનમાં કોઈપણ પ્રકારની ઇચ્છા બાકી ન હોય, જ્યારે કોઈ પણ સ્વરૂપનો અહંકાર શેષ ન હોય, જ્યારે ચિત્ત પવન વિનાના સ્થાને રહેલી દીવાની જ્યોતની જેમ સ્થિર હોય, જ્યારે બુદ્ધિની નિર્ણાયક શક્તિની કોઈપણ પ્રકારે આવશ્યકતા ન હોય અને જ્યારે અસ્તિત્વનું પ્રત્યેક પાસું આંતર્ભિમુખ થઈ ચૂક્યું હોય ત્યારે સંન્યાસ યોગ્ય ગણાય. જ્યારે વૈરાગ્યનો ભાવ સંપૂર્ણતામાં સ્થાપિત થઈ ચૂક્યો હોય ત્યારે આમ પણ સંન્યાસ સ્વાભાવિક બની રહે; પછી કશું કરવાનું બાકી ન હોય, કશું જ મેળવવાનું બાકી ન હોય, કોઈપણ પ્રકારનું ઉત્તરદાયિત્વ - ધર્મ બાકી ન હોય કે અને જ્ઞાનની પ્રાપ્તિ પણ પૂર્ણતાને પ્રાપ્ત થઈ ચૂકી હોય. 

જ્યારે અંદરથી વૈરાગ્યનો ભાવ જાગ્રત થાય ત્યારે જ્ઞાનના પ્રકાશમાં જીવતાં જ, સદેહે જ, અહંકાર-મોહ-કામ-ક્રોધ જેવા શત્રુઓનો ત્યાગ કરીને બ્રહ્મમાં સ્થિર થઈ, સંન્યાસ ધારણ કરી મોક્ષના માર્ગે વધી શકાય. શક્ય છેકે આ સ્થિતિ પર પહોંચવા માટે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ જેવી આશ્રમ વ્યવસ્થામાંથી પસાર થવું પડે; પણ તે જરૂરી નથી. આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉંમર કે આશ્રમ વ્યવસ્થા મહત્ત્વની નથી, જાગૃતિ જ મુખ્ય છે. 

વૈરાગ્ય આવે એટલે તરત જાગી જવાનું. પરંપરાગત ક્રમ ફરજિયાત નથી. અહીં સંન્યાસીના જીવન વિશે જણાવ્યું છે કે આવી વ્યક્તિ એકાંતમાં રહી, ભિક્ષાને આધારે સરળતા અને શુદ્ધિ સાથે જીવન નિર્વાહ કરે અને સતત બ્રહ્મ-ચિંતનમાં મગ્ન રહે. આ સંન્યાસી જ્યારે મરણકાળ પાસે આવે ત્યારે અસ્તિત્વની દરેક પ્રકારની અહંતા અને મમતાથી મુક્ત બની, ધ્યાનમાં મગ્ન થઈ, આત્મામાં એકાગ્રતા સાધી દેહનો ત્યાગ કરે. પછી તેનો પુનર્જન્મ ન હોય.    

યજ્ઞ, તપ, દાન કે ક્રિયાકાંડનું સાંસારિક કે લૌકિક મહત્ત્વ હશે પરંતુ અંતે સંન્યાસ ગ્રહણ કર્યા બાદ પ્રાપ્ત થતાં બ્રહ્મજ્ઞાન વિના મુક્તિ નથી. આ મુક્તિ માટેનો માર્ગ એટલે કે ‘કાશી’ અંદર છે, બહાર નહીં. સંન્યાસ વસ્ત્રમાં નથી, મનમાં છે. જ્ઞાન પરોક્ષ નથી, પ્રત્યક્ષ છે. સંપત્તિ, સંબંધો, યશ, વિદ્વતા, કર્મ, બધું અસ્થાયી છે, માત્ર જ્ઞાન અને તેનાથી સ્થાપિત થતું પરિણામ કાયમી છે. જીવનનું સાચું લક્ષ્ય તેની પ્રાપ્તિ છે. 

યાજ્ઞવલ્કય અને અત્રિના સંવાદથી તે સ્થાપિત કરવામાં આવ્યું છે કે ‘જ્ઞાન એ જ મુક્તિનો માર્ગ છે’. આ સંદર્ભમાં એમ કહી શકાય કે મોક્ષ એ મૃત્યુ પછી પ્રાપ્ત થતી સ્થિતિ નહીં પરંતુ જ્ઞાન પ્રાપ્તિની અવસ્થા એટલે જ મોક્ષ. આ વાત અષ્ટાવક્ર ગીતામાં પણ જણાવાઈ છે. અહીં તો એ પણ સ્પષ્ટ કરાયું છે કે બંધનની માન્યતા જ બંધન છે, વાસ્તવમાં તો દરેક વ્યક્તિ આત્મ-સ્વરૂપ છે અને આત્માને ક્યારેય બંધન ન હોય. જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપમેળે મુક્તિની અનુભૂતિ થઈ શકે.