Mon Jun 08 2026

Logo

ગીતા મહિમાઃ ધ્યાનયોગ

2026-06-08 09:22:00
Author: Sarangpreet
Article Image

 

સારંગપ્રીત

ગત અંકમાં ‘નૈષ્કર્મ્ય સિદ્ધિ’ને સમજવીને હવે ભગવાન કૃષ્ણ ધ્યાનયોગને ઉજાગર કરી રહ્યા છે.

ધ્યાન એટલે કેવળ આંખો મીંચવી નહીં પણ સ્વને અને પરમને સમજવાની પ્રક્રિયા છે. જેમ તળાવનું પાણી ઊથલપાથલ હોય ત્યારે તળિયું દેખાતું નથી, તેમ વિચારોના તરંગો ઊંચા હોય ત્યારે આત્માનું દર્શન થતું નથી. ધ્યાન એ તરંગોને ધ્રુજારી નહીં, પરંતુ પરમમાં સ્થિર થવાની શાંતિ છે. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે યોગમાં સ્થિર રહીને કર્મ કરો. આ યોગસ્થિતિ પરમાત્માના ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે.

શારીરિક રીતે ધ્યાન માનવીને તન અને મન સાથે સામંજસ્ય કરાવે છે. આજનો માનવી પોતાના શરીરને માત્ર સાધન સમજે છે, કામ કરવા માટે, દોડવા માટે, સહન કરવા માટે. ધ્યાનમાં બેઠેલો માનવી પ્રથમવાર શરીરની વાત સાંભળે છે. શ્વાસ ધીમો થાય છે, હૃદયની ધડકન સુમેળમાં આવે છે, નસોમાં વહેતી ચિંતા ઓછી થાય છે. અનિદ્રા, તણાવ, અશાંતિ, આ બધા રોગો કોઈ દવા કરતાં પહેલાં ધ્યાનની માગ કરે છે. નિયમિત ધ્યાન શરીરમાં રહેલી ઊર્જાને વિખેરાતી અટકાવે છે અને તેને સંયમિત પ્રવાહ આપે છે. પરિણામે માનવી થાકેલો હોવા છતાં તૂટતો નથી; થાકમાં પણ એક સ્વસ્થ શાંતિ અનુભવાય છે.

પરંતુ ધ્યાનનો સાચો લાભ અહીં પૂરતો નથી. ધ્યાન માનવીને પોતે કોણ છે તે પ્રશ્ન સામે બેસાડે છે. ગીતામાં વર્ણવાયેલ ધ્યાનયોગ માનવીને ઇન્દ્રિયોથી ઉપર ઉઠાવી, મનને સાક્ષી બનાવે છે. જ્યારે મન સાક્ષી બને છે ત્યારે સુખદુ:ખ, લાભહાનિ, માનઅપમાન આ બધું સમાન લાગે છે. આ સમત્વભાવ જ યોગસિદ્ધિનો મૂળ મંત્ર છે. શ્રીકૃષ્ણ કહે છે સમં પશ્યન હિ સર્વત્રજે સર્વત્ર સમાનતા જુએ છે. એટલે તે દરેક જગ્યા પરમાત્મા રહ્યા છે તેનો અનુભવ કરે છે. તેને કારણે સાચો સમત્વભાવ જન્મે છે પરિણામે તે યોગમાં સ્થિત થાય છે.

ધ્યાનને આપણે ઘણી વખત આંખ મીંચીને મૌન બેસી રહેવાની ક્રિયા સુધી સીમિત કરી દઈએ છીએ, પરંતુ સાચું ધ્યાન તો આંખ ખુલ્લી રાખીને સમગ્ર સૃષ્ટિને જોવાની નવી દૃષ્ટિ છે. બધે જ પરમાત્માના સ્પર્શને માણવાની પ્રક્રિયા છે. હા, આમ તે સર્વેના મહિમાને સમજવાની, સ્વીકારવાની અને આદરવાની પ્રક્રિયા છે. જ્યારે મન શાંત થાય છે, ત્યારે તે માત્ર પોતાને જ નથી સાંભળતું, પરંતુ આસપાસના જીવનના નાજુક ધબકારને પણ અનુભવે છે.

શહેરના એક બગીચામાં વહેલી સવારે લોકો ધ્યાન કરવા આવતા. ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ દરરોજ એક જ બેંચ પર થોડી ક્ષણો બેસી રહેતા. તેઓ ન તો આંખ મીંચતા, ન તો કોઈ મંત્ર બોલતા. સામે બેઠેલી કીડીઓની લાઇન, ઝાડ પર બેઠેલા પંખીઓ, ફૂલ પર મંડરાવતી મધમાખી, બધું તેઓ નિ:શબ્દ નિહાળતા. એક દિવસ કોઈ યુવાને પૂછ્યું, તમે ધ્યાન કરો છો? વૃદ્ધે જવાબ આપ્યો, હું એમને જીવતા જોઉં છું. એમના અસ્તિત્વને પોષણ આપતાં ભગવાનને સ્મરું છું. બસ, એટલું જ મારું ધ્યાન છે.
આ જવાબમાં ધ્યાનનો મર્મ છુપાયેલો હતો. ધ્યાન એટલે ‘હું’ના કેન્દ્રમાંથી બહાર આવી ‘અમે’ની અનુભૂતિ કરવી. જ્યારે આપણે બીજા જીવને માત્ર ઉપયોગી કે નિરસ વસ્તુ તરીકે નથી જોતા, પરંતુ જીવનના સહયાત્રી તરીકે જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે કરુણા આપોઆપ જન્મે છે, કારણ કે બધી સૃષ્ટિ ભગવાનની સંતાન છે. આ ધ્યાનનું સ્વાભાવિક ફળ છે.

ધ્યાનમાં સ્થિર થયેલું મન વૃક્ષને કાપતાં પહેલાં થોભે છે, પ્રાણીને દુ:ખ આપતાં પહેલાં વિચાર કરે છે અને માણસને મળતાં પહેલાં માનવતાથી ઝૂકે છે. એ સમજાવે છે કે જીવન માત્ર આપણું નથી તે સહભાગી છે. તેથી ધ્યાન આંખ બંધ કરીને અંદર જવા જેટલું જ નથી, પરંતુ આંખ ખોલીને સમગ્ર જીવસૃષ્ટિમાં એક જ ચેતનાનું દર્શન કરવાની સાધના છે. ત્યાં પહોંચ્યા પછી, જીવન પોતે જ ધ્યાન બની જાય છે.

ધ્યાન દ્વારા પ્રાપ્ત થતી આધ્યાત્મિક શાંતિ કોઈ પલાયન નથી; તે જીવનમાં ઊંડો પ્રવેશ છે. જે માનવી ધ્યાનમાં સ્થિર થાય છે તે કર્મથી ભાગતો નથી, પરંતુ કર્મમાં બંધાતો નથી.  

મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે સમગ્ર ચેતન-અચેતનમાં ભગવાન રહ્યા છે. તે પ્રભુના મહિમાનો વિચાર રહે તે ધ્યાન ! હા, ધ્યાનયોગ કોઈ સિદ્ધિ મેળવવાની પ્રક્રિયા નથી; તે તો સ્વયં સાથે સચ્ચાઈ રાખવાની સાધના છે. ગીતાનો યોગ ધ્યાનમાં ઊતરે ત્યારે જીવન ભાર નહીં, પ્રસાદ બને છે અને ત્યારે માનવી સમજે છે કે શાંતિ ક્યાંય બહાર નહોતી, તે તો હંમેશાં અંદર બેઠેલા પરમાત્મામાંથી વહેતી હતી, ધ્યાનથી તેનો અનુભવ થયો.