Mon Jun 08 2026

Logo

કુર્લામાં ૧૨૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈનમાં ભંગાણ: પાણીના ધાંધિયા

2026-06-08 08:08:00
Author: Sapna Desai
Article Image


અનેક ટેક્નિકલ અડચણો સાથે ૨૪ કલાકથી પણ વધુ સમય ચાલ્યું પાઈપલાઈનનું સમારકામ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લામાં ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં શનિવારે ભંગાણ પડતા અનેક વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો. યુદ્ધના ધોરણે શનિવાર મોડી રાતથી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું પણ અનેક ટેક્નિકલ અડચણોને કારણે રવિવારે મોડે સુધી તેનું સમારકામ ચાલ્યું હતું.

 કુર્લામાં ક્ષતિગ્રસ્ત ૧,૨૦૦ મિ.મી વ્યાસની પાણીની મુખ્ય પાઇપલાઇન પર શનિવાર મોડી સાંજથી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું પણ પાઈપલાઈનમાં થયેલા ગળતરને પગલે શનિવારથી અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો અને રવિવારે પણ સમગ્ર દિવસ સ્થાનિક નાગરિકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.  પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ભૂગર્ભમાં પાંચ મીટર ઊંડાઈએ આવેલી પાઇપલાઇનનું સમારકામમાં અનેક ટેક્નિકલ અડચણોનો સામનો કરવો પડ્યો હતો.  ખોદકામ કરનારી ટીમને મર્યાદિત કાર્યક્ષેત્ર મળવાને કારણે નોંધપાત્ર તકનીકી પડકારોનો સામનો કરવો પડયો હતો.

જમીનમાં નીચે એક તરફ ૩૦૦ મિ.મી ડાયામીટરની મહાનગર ગેસ લિમિટેડ પાઇપલાઇન અને બીજી તરફ બ્રિજનો પાઇલ ફાઉન્ડેશન હોવાથી બહુ સંભાળીને ખોદકામ કરવું પડયું હતું. ખોદકામ બાદ  પાણીની પાઇપલાઇનનો ક્ષતિગ્રસ્ત ભાગ લગભગ ૧.૫ મીટર  સંપૂર્ણપણે ખુલ્લો કર્યા બાદ તેને બદલવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જે  રવિવારે સાંજે મોડે સુધી ચાલ્યું હતું.

સમારકામ પછી પાણી પુરવઠો તબક્કાવાર પુન:સ્થાપિત કરવામાં આવશે.
પાલિકાએ સ્થાનિક રહેવાસીઓને ધીરજ રાખવા અપીલ કરી હતી અને  કહ્યું હતું કે  કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા અને અસુવિધા ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. કુર્લા દક્ષિણ અને નજીકના વિસ્તારોના રહેવાસીઓએ ૨૪ કલાકથી વધુ સમયથી પાણી વગર રહેવું પડ્યું હતું, તેમાંથી અનેક એ પાણીના ટેન્કર પર આધાર રાખવો પડયો હતો.