Thu Jul 23 2026

Logo

બેસ્ટ કર્મચારીઓની ૧૮ જૂન બાદ બેમુદત હડતાળની ચીમકી

2026-06-07 21:52:26
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દિવસેને દિવસે આર્થિક રીતે વધુ ખખડી રહી છે, તેની પાસે પોતાના નિવૃત્ત કર્મચારીઓને  તેમના બાકી રહેલા પગાર અને પીએફ આપવાને પણ પૈસા બચ્યા નથી ત્યારે હવે પોતાના હક માટે બેસ્ટના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓે એક થયા છે. બેસ્ટના ૧૨ જેટલા સંગઠનોએ ભેગા થઈને એક એક્શન કમિટી બનાવી છે અને સોમવાર,  ૮ જૂન  એક કામદાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમવારે થનારી બેઠકમાં કામદારોની સમસ્યાઓના ઉકેલ માટે આંદોલનની દિશા નક્કી કરવામાં આવશે. જો ૧૮ જૂન, ૨૦૨૬  સુધીમાં કોઈ નક્કર નિર્ણય નહીં લેવાય તો એક્શન કમિટીએ બેમુદત હડતાળની ચેતવણી આપી છે. છેલ્લા થોડા વર્ષોમાં બેસ્ટ આર્થિ રીતે પડી ભાંગી છે. બેસ્ટના ટ્રાન્સપોર્ટ વિભાગની ખાધ દિવસેને દિવસે વધી રહી છે. બેસ્ટની પોતાની માલિકીની બસની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે, તેની અસર સીધી બસ સેવા પર  છે. એક સમયે નફો કરનારો બેસ્ટનો વીજળી વિભાગ પણ હવે ખોટમાં ગયો છે અને તેની સેવાને પણ અસર થઈ રહી છે.

બેસ્ટ ઉપક્રમ એટલી હદે આર્થિક રીતે કંગાળ થઈ ગયું છે કે તેની પાસે નિવૃત્ત કામદારોના બાકી રહેલી રકમ ચૂકવવાને પણ પૈસા નથી.  કોર્ટના આદેશ છતાં બેસ્ટ ઉપક્રમ હજુ સુધી આ બાકી રકમ ચૂકવી શકી નથી. બેસ્ટ કર્મચારીઓને  અપેક્ષા હતી કે મહાયુતિ સત્તામાં આવે ત્યારે બેસ્ટની બધી સમસ્યાઓનો ઉકેલ આવશે. જોકે, કેન્દ્રમાં, રાજ્યમાં અને પાલિકામાં  મહાયુતિ સરકાર સત્તામાં હોવા છતાં અને બેસ્ટની ક્રેડિટ સોસાયટી પર ભાજપનો પણ કબજો હોવા છતાં કામદારોની સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી. 

તેથી બેસ્ટ પ્રશાસનની વિરુદ્ધ બાર સંગઠનોએ હવે એક સાથે આવીને લડવાનું નક્કી કર્યું છે. જોકે મજૂર નેતા શશાંક રાવ અને વિધાનસભ્ય પ્રસાદ લાડના સંગઠનો આમા જોડાયા નથી. મજદૂર સંગઠનોની એક્શન કમિટીએ ગયા અઠવાડિયે એક બેઠક યોજી હતી અને કામદારોની માગણીઓ પર ચર્ચા કરી હતી. મુખ્ય માગણીઓમાં નિવૃત્ત કર્મચારીઓના બાકી રકમ તાત્કાલિક ચૂકવવી, નવા નિવૃત્ત થયેલા લોકોના બાકી રકમ એક મહિનાની અંદર ચૂકવવી અને બેસ્ટ બજેટનો પાલિકા બજેટમાં સામેલ કરવાનો સમાવેશ થાય છે.

આ માગણીઓનું નિવેદન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત બંને નાયબ મુખ્યમંત્રીઓ, પાલિકા કમિશનર, મેયર, બેસ્ટ જનરલ મેનેજર, બેસ્ટ પ્રમુખને આપવામાં આવશે અને કામદારોની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે બેસ્ટ પ્રશાસનને ૧૮ જૂન સુધીનો સમય આપવામાં આવશે. સોમવારે તમામ બેસ્ટ ટ્રેડ યુનિયનોના ભૂતપૂર્વ અને વર્તમાન કામદારોનો મેળાવડો યોજવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પ્રવેશ સભાઓ દ્વારા જાગૃતિ લાવવામાં આવશે ત્યારબાદ ૧૮ જૂન બાદ બેમુદત હડતાળ પર ઉતરી જવાની ચેતવણી આપવામાં આવશે.