ભરત પટેલ
દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ લેતાં તેમને મદદ કરવા દેવગુરુ બૃહસ્પતિ દેવરાજ ઇન્દ્ર સાથે કામધેનુને શોધવા નીકળી પડે છે. પ્રથમ તેઓ ઉત્તર દિશામાં નિવાસ કરતી કામધેનુને પુત્રી ધેનુ પાસે પહોંચ છે. દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિને જોઈ ધેનુ તેમને પ્રણામ કરી પૂછે છે કે, કહો તમારી શું સેવા કરી શકું.’ દેવરાજ ઇન્દ્ર તેને કહે છે, ‘જુઓ ધેનુ હું અને ગુરુદેવ તમારી માતા કામધેનુને ફરી સ્વર્ગલોક લઈ જવા આવ્યા છીએ.’
માતા કામધેનુ સ્વર્ગલોકમાં નથી એ વાતથી અજાણ ધેનુ ક્રોધિત થઈ જાય છે અને કહે છે, ‘હવે મને ખબર પડી રહી છે કે મારી માતા સ્વર્ગલોક ખાતે નથી, તેઓ ક્યાંક ચાલી ગયા છે. મેં ઘણી વાર જોયું છે કે તમે હંમેશાં તેમની ઉપેક્ષા કરતા રહો છો, કેટલો વખત કોઇ પોતાની ઉપેક્ષા સહન કરી શકે, માતા કામધેનુને શોધવા માટે હું તમને કોઈ મદદ નહીં કરું, અહીંથી ચાલ્યા જાવ તમે’. ક્રોધિત ધેનુ દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિને કોઈ સહકાર ન આપતાં તેઓ પશ્ર્ચિમમાં રહેતી કામધેનુની પુત્રી સુભદ્રાને મળવા તેના નિવાસસ્થાને પહોંચે છે.
તેમને જોતાં જ સુભદ્રા પણ કહે છે: ‘કહો તમારી શું સેવા કરું?’ હવે દેવગુરુ બૃહસ્પતિ કહે છે, ‘દેવરાજ ઇન્દ્ર દ્વારા વારંવાર થતી ઉપેક્ષાથી કંટાળી તમારી માતા કામધેનુએ સ્વર્ગનો ત્યાગ કર્યો છે. શું તેઓ અહીં આવ્યા છે?’ માતા કામધેનુએ સ્વર્ગનો ત્યાગ કર્યો છે એ વાતથી અજાણ સુભદ્રા કહે છે, ‘નહીં દેવગુરુ! માતા અહીં આવ્યા નથી. તેઓ ક્યાં હશે. દેવરાજ ઇન્દ્ર તમને યોગ્ય શિક્ષા થવી જોઈએ. હું આશા કરું છું કે તમે કરેલી ભૂલનું પ્રાયશ્ર્ચિત કરશો, માતાને શોધવા હું તમને કોઈ મદદ નહીં કરું.’ એટલું કહી સુભદ્રા ત્યાંથી ચાલ્યા જાય છે. સુભદ્રા તરફથી સહકાર ન મળતાં દેવરાજ ઇન્દ્ર થોડા ક્રોધિત થાય છે.
બીજી તરફ દેવર્ષિ નારદ બ્રહ્મલોક પહોંચી બ્રહ્માજીને પૂછે છે કે કામધેનુ ક્યાં છે? બ્રહ્માજી કહે છે, હું મારી દિવ્ય દૃષ્ટિથી પણ તેમને જોઈ શકતો નથી. તેઓ ધારશે ત્યારે જ આપણી સમક્ષ ઉપસ્થિત થશે. બ્રહ્માજી, માતા સરસ્વતી અને દેવર્ષિ નારદ વૈકુંઠલોક ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે, હું તમારી ઝંખના સમજી શકું છું, પણ અત્યારે કંઈ ન કહી શકાય. દેવરાજ ઇન્દ્ર જ નહીં પશુઓની ઉપેક્ષા કરી તેમને પ્રતાડિત કરનારા પૃથ્વીલોક પર ઘણાં પડયા છે. તેમને જ્ઞાત જ નથી કે તેઓ શું કરી રહ્યાં છે.
હવે મને આ વાતનું આંકલન કરતાં સમજ પડે છે કે આ બાબતે સંસારને જાગૃત કરવા પશુપાલક રૂપ ધારણ કરનાર ભગવાન શિવ મણિકાને તૈયાર કરી રહ્યાં છે. સામે પક્ષે દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ માતા કામધેનુને શોધવા તેમની ત્રીજી પુત્રી હર્ષચિકા પાસે જાય છે. હર્ષચિકા પણ તેમને એમ જ કહે છે, માતા કામધેનુ અહીં આવ્યા નથી અને તેમને ખબર પણ નથી કે માતા કામધેનુ ક્યાં ગયા છે.
ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ તરફ જુએ છે.
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ આ સમય ગભરાવાનો નથી, તમારે હિંમતથી કામ લેવું રહ્યું, હું તમારી સાથે જ છું કે જ્યાં સુધી માતા કામધેનુ સ્વર્ગલોક પરત ન આવી જાય.
દેવરાજ ઇન્દ્ર: ‘ગુરુદેવ આપણે માતા કામધેનુની ત્રણ દિકરીઓને મળી ચૂક્યા છીએ, હવે તેમની જ્યેષ્ઠ પુત્રી સૌરભીને મળવા જવું જોઈએ, માતા કામધેનુ ત્યાં અવશ્ય મળી જશે.
બીજી તરફ માતા કામધેનુ પશુપૂજક પાસે આવે છે.
પશુપૂજક: ‘કામધેનુ તમારું અહીં સ્વાગત છે, મને ખાતરી હતી કે તમે અહીં અવશ્ય આવશો.’
માતા કામધેનુ: ‘પ્રભુ તમને અને માતાને પ્રણામ. પ્રભુ હવે હું દેવરાજ ઇન્દ્રની ઉપેક્ષા સહન કરી શકતી નથી.’
પશુપૂજક: ‘કામધેનુ તમારે જરાયે ચિંતા કરવાની જરૂર નથી, તમે અહીં અમારા આશ્રમમાં તો રહી જ શકો છો પણ તમારી ઇચ્છા હોય તો કૈલાસ ખાતે નિવાસ કરો.’
માતા કામધેનુ: ‘નહીં પ્રભુ! ઘણો સમય વિતી ગયો છે, હું મારી પુત્રીઓને મળી નથી, મારે એમની સાથે થોડો સમય વ્યતિત કરવો છે. ત્યારબાદ તમારા સાન્નિધ્યમાં રહેવાની ઇચ્છા છે.’
પશુપૂજક: ‘કામધેનુ તમારે સંભાળીને આકાશ વિહાર કરવાની જરૂર છે દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતી તમારી પુત્રીઓના નિવાસસ્થાને શોધખોળ કરી જ રહ્યા છે.’
માતા કામધેનુ: ‘પ્રભુ! હું તમારી માફી માગવા આવી છું, પોતાની જવાબદારીનો પરિત્યાગ કરી સ્વર્ગથી પ્રસ્થાન કરવા માટે. પણ પ્રભુ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો.’
પશુપૂજક: ‘કામધેનુ તમારે જરાયે ક્ષોભ અનુભવવાની જરૂર નથી, તમે કાંઇ એવું નથી કર્યું કે જે અનુચિત હોય. દેવરાજ ઇન્દ્રને પોતાની ભૂલનો અહેસાસ કરાવવો જરૂરી છે.’
માતા કામધેનુ: ‘પ્રભુ! તમારો ખૂબ ખૂબ આભાર. હું મારી પુત્રીઓ સાથે થોડો સમય ગાળવા ઉત્સુક છું.’
પશુપૂજક: ‘જાઓ કામધેનુ તમારી પુત્રીઓ સાથે સમય વ્યતીત કરો અને પ્રસન્ન રહો.’
માતા કામધેનુ તેમની પુત્રીઓને મળવા પ્રયાણ કરે છે.
એજ સમયે મહામંત્રી મણિકા ત્યાં આવે છે.
મહામંત્રી મણિકા: ‘હે યુગપુરુષ, પશુપૂજક ગુરુદેવ તમારી સાથે સત્સંગ કરતાં કરતાં ઘણો દિવસો નીકળી ગયા. મારા રાજા આર્યવર્તનનો દૂત મને મળવા આવ્યો છે. મને પૂછે છે કે શું દસ સહસ્ત્ર અશ્ર્વોની ખરીદી થઈ ગઈ. તમે માતાને લઈ અહીંથી ચાલ્યા જાઓ, હું એમની સમજાવી દઈશ કે તમારી કોઈ ભૂલ નથી, દંડનો પાત્ર તો હું જ છું. આટલા અશ્ર્વો મળવા મુશ્કેલ છે.’
પશુપૂજક: ‘ચિંતા ન કરો મણિકા બધું વ્યવસ્થિત થશે.’
એ જ સમયે અશ્ર્વોનું મોટું ધણ ત્યાં આવી પહોંચે છે, એ ધણ જોઈ મણિકા ખૂબ પ્રસન્ન થઈ જાય છે. પશુપૂજકના આશ્રમમાં હવે મણિકાને જોઈએ એથી વધુ અશ્વો હતા. વાતની જાણ થતાં જ રાજા આર્યવર્તન ત્યાં આવી પહોંચે છે. એની પાછળ પાછળ એક સૈનિક આવી જણાવે છે કે, તેમના અશ્ર્વ શાળામાં એકપણ અશ્ર્વ નથી રહ્યાં. બધા અહીં આવી ગયા છે.
રાજા આર્યવર્તન: ‘હે પશુપૂજક, તમને વિનંતી કરું છું કે આ અશ્ર્વો અમને સોંપી દો.’
એટલું બોલતાં જ ત્યાં રહેલા બધા અશ્ર્વો અદૃશ્ય થઈ જાય છે. રાજા આર્યવર્તન ખૂબ ક્રોધિત થાય છે. તેઓ કહે છે કે ‘આ બધી સમસ્યાની જડ મણિકા છે, એને મૃત્યુ દંડ આપવામાં આવે.’
સૈનિકો મણિકાને રાજે આર્યવર્તન સમક્ષ ઉપસ્થિત કરે છે. રાજાનો ઈશારો થતાં જ સૈનિકો મણિકાનું મસ્તક શરીરથી છૂટું કરવાં જાય છે એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાં ઉપસ્થિત થાય છે.
માતા પાર્વતી: ‘રાજા આર્યવર્તન તમે મહાદેવના ભક્તને જ નહીં, મહાદેવના શિષ્યની નહીં, મૂંગા પશુઓને અખંડ પ્રેમ કરનારા મહાન વ્યક્તિને મૃત્યુ દંડ આપવાનો પ્રયાસ કર્યો છે. આવા પાપના દંડને પાત્ર સ્વયં તમે છો. તમે મહાન માનવીની બલી ચઢાવનાર હતા, આજ સુધી તમે રાજ્યને શક્તિશાળી બનાવવા માટે પશુઓની બલિ ચઢાવતા હતાં, આજસુધી તમે જે પ્રકૃતિનું અપમાન કરતાં આવ્યાં છો. હવે તમારે અને તમારા રાજ્યએ પ્રકૃતિનો પ્રકોપ ભોગવવો પડશે.’
માતા પાર્વતી આટલું જ બોલતાં વંટોળ ફૂંકાવા લાગ્યો. પોતાના રાજ્યનો નાશ નક્કી છે એ સમજાતાં રાજા આર્યવર્તન ગભરાઈ ગયો.
રાજા આર્યવર્તન: ‘માફ કરો માતા....’
ભગવાન શિવ: ‘શાંત થાઓ પાર્વતી, આર્યવર્તનના પાપોની સજા એની પ્રજાને, એના રાજ્યને ન આપો.’
ભગવાન શિવની વિનંતી સાંભળતાં જ માતા પાર્વતી શાંત થઈ જાય છે. વંટોળ ફૂંકાતો બંધ થઈ જાય છે.
રાજા આર્યવર્તન: ‘માતા તમે અને પ્રભુ તમે પણ મારા પરિવાર સહિત રાજ્ય પર કૃપા વરસાવતા રહેજો. હું તમને વચન આપું છું કે આજ પછી મારા રાજ્યમાં બલી પ્રથા બંધ થશે.’ (ક્રમશ:)