હેમંત વાળા
આદિ શંકરાચાર્યે ઉપદેશ-સાહસ્રીમાં પણ જ્ઞાનની વ્યાખ્યા માટે ગીતાનો ઉલ્લેખ કરેલો છે. ગીતામાં દર્શાવેલ આ સૂચિ માનવ ઇતિહાસની એક અદ્ભુત ઘટના છે. એક રીતે આ સૂચિ જ્ઞાન માટેની લાયકાત પણ દર્શાવે છે. આજ વાત અજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં થઈ શકે. સાંપ્રત સમયે કદાચ તે વધુ જરૂરી છે, વ્યક્તિ તેને વધુ સહજતાથી સમજી શકે.
અભિમાનપૂર્વક પોતાની જાતને શ્રેષ્ઠ માની તેમ સાબિત કરવાની મનોવૃત્તિ, વૈરાગ્ય તેમજ સંયમનો અભાવ, ચિત્તની સ્થિરતા તેમજ સમતાની ગેરહાજરી, સ્વાર્થ કે લોભ આધારિત દંભ પૂર્વકનું છલયુક્ત આચરણ, સૃષ્ટિના ન્યાય તેમજ પરમેશ્વરના અસ્તિત્વ માટે શંકા રહેતાં શ્રદ્ધાના અભાવે સ્થાપિત થતો ભક્તિનો અભાવ, મનની શાંતિ માટે જરૂરી એકાંત અને શુદ્ધ માહોલના સ્થાને ઘોંઘાટ અને મલિન સ્થાન માટેની આસક્તિ, જે તે પ્રકારની ઉત્તેજનાને આધીન વિષયાસક્ત માનવ સમુદાય વચ્ચે રહેવા માટેની રુચિ,
આત્માની યથાર્થ સમજથી પ્રાપ્ત થતી ઉન્નત સ્થિતિ માટે અત્યંત જરૂરી આધ્યાત્મજ્ઞાન તેમજ તત્ત્વજ્ઞાનની સમજ માટે ઉદાસીનતા, સદાય પ્રબળ રહેતી સૂક્ષ્મ તેમજ સ્થૂળ હિંસા વૃત્તિ, ક્ષમાનું મહત્ત્વ ન સમજવાથી ઉદભવતી બદલો લેવાની ભાવના, દરેક પ્રકારની આંતરિક તેમજ બાહ્ય અશુદ્ધિ, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિમાં દોષ કે અજુગતું કે અયોગ્ય જોવાની અક્ષમતા, વિચાર-વાણી-વર્તનમાં સાતત્યપૂર્ણ ઋજુતાનો કે પવિત્રનો અભાવ, અંત:કરણની અનિચ્છનીય પ્રકારની અને અનિચ્છનીય માત્રાની ચંચળતા,
ઇન્દ્રિયો તથા મનના આવેગ સામે સ્વીકારાયેલી સંપૂર્ણ શરણાગતિ, આલોક તેમજ પરલોકના વિવિધ પ્રકારના ભોગમાં અકલ્પનીય આસક્તિ, શ્રદ્ધાના અભાવે તથા સત્યનિષ્ઠ જ્ઞાનમાં અરુચીને કારણે આચાર્ય-ગુરુની સદંતર અવહેલના, પુત્ર-સ્ત્રી-ઘર પ્રત્યે અત્યંત લગાવ અને તેમનાં પ્રત્યેની અપાર મમતા, પ્રિય કે અપ્રિયની પ્રાપ્તિ થતાં આવતો ભિન્ન ભિન્ન પ્રકારનો - ખુશી તેમજ દુ:ખનો - ભાવાત્મક આવેગ; આ અને આવી બાબતો જ્ઞાનના માર્ગમાં બાધા રૂપ રહે. આ બધી બાબતોથી વિપરીત પરિસ્થિતિ એટલે જ્ઞાનની લાયકાત.
અહીં જ્યારે જ્ઞાનની વાત થાય છે ત્યારે આ સામાન્ય દુન્યવી જ્ઞાનની - માહિતીની વાત નથી, આ આધ્યાત્મિક જ્ઞાન છે, આ સંપૂર્ણ જ્ઞાન છે, આ પરમ જ્ઞાન છે, આ પરમ સ્થિતિ વિશેનું જ્ઞાન છે, આ પરમાત્માના સ્વભાવનું જ્ઞાન છે. સામાન્ય જ્ઞાન દુનિયા વિશેની જાણકારી આપે. સામાન્ય જ્ઞાન કળા, વિજ્ઞાન, સમાજ, અર્થવ્યવસ્થા, વ્યવહાર, કાયદા-કાનુન, શિક્ષણ જેવી બાબતોથી માહિતગાર કરે, જેનાથી વ્યક્તિગત તેમજ સામાજિક જીવન-વ્યવહારમાં સરળતા રહે.
આધ્યાત્મિક જ્ઞાન આત્મા, પરમાત્મા, સત્ય, સૃષ્ટિનું સ્વરૂપ, ધર્મ, ન્યાય, પવિત્રતા, સાત્વિકતા તથા મોક્ષલક્ષી હોય. અહીં વ્યક્તિને પોતાનું, સૃષ્ટિનું, સૃષ્ટિના સંચાલનનું તથા સૃષ્ટિના સંચાલકનું યથાર્થ જ્ઞાન મળે અને તેનું રહસ્ય પણ સમજમાં આવે. આ જ્ઞાન માટે વિશેષ પ્રકારની લાયકાતની આવશ્યકતા હોય તે સ્વાભાવિક છે.
આધ્યાત્મ જ્ઞાનથી વ્યક્તિ જાણી શકે કે પોતે સ્થૂળ તેમજ સૂક્ષ્મ તત્ત્વોેનો સંગ્રહ માત્ર નથી, પરંતુ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અહીં તેને પોતાનું સૃષ્ટિ અને પરમાત્મા સાથેનું સમીકરણ સમજમાં આવે. આત્માનું મૂળ સ્ત્રોત કયું છે અને આત્માના બંધનનાં કારણો કયાં છે તે વિશે અહીં પ્રકાશ પડે. નિત્ય-અનિત્ય, સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, અખંડ-ખંડિતનો ભેદ અહીં યથાર્થ સ્વરૂપે ધ્યાનમાં આવે. કામ, ક્રોધ, લોભ, મોહ, જેવા દુશ્મનોથી મુક્ત થવાની સંભાવના સ્થપાય અને અંતે મુક્તિનો માર્ગ પ્રશસ્ત થાય. કૈવલ્ય સ્થિતિ, મોક્ષ, પરમાનંદ સ્વરૂપ, અંતિમ સ્થિતિની પ્રાપ્તિ માટે આધ્યાત્મજ્ઞાન આવશ્યક ગણાય. આ એક સ્વાભાવિક પણ કઠિન સ્થિતિ છે. તેની માટે લાયકાત જરૂરી છે.
એમ પણ કહી શકાય કે વિનમ્રતા, અહિંસા, ક્ષમા, શુદ્ધિ, આત્મવિચાર વગેરે ગુણોનો સંકલન જ સાચું જ્ઞાન છે; બાકી બધું અજ્ઞાન છે. એમ પણ કહી શકાય કે ‘બ્રહ્મને જાણવું’ એ જ જ્ઞાન છે. અન્ય બધું પરોક્ષ છે. અનિત્ય, દુ:ખ, અનાત્માને અનુભવી નિર્વાણ તરફ જવું જ જ્ઞાન છે. આત્માના સ્વરૂપના અનુભવથી આ શક્ય બને.
આધ્યાત્મિક જ્ઞાનથી ચિંતા, ભય, દ્વેષ, અસુરક્ષા, શંકા, અવિશ્વાસ જેવા નકારાત્મક ભાવ ઓછા થતાં થતાં ક્રમશ: નાશ પામે. જીવનની વાસ્તવિકતા સમજમાં આવતાં જીવન જીવવા માટેનો યથાર્થ દૃષ્ટિકોણ ઉદભવે. આનાથી જીવનમાં દયા, કરુણા, પ્રેમ, સહનશીલતા, ક્ષમા, અહિંસા જેવા ગુણો પ્રગટે, જેના અનુસરણથી શાંતિ, સંતોષ અને સાત્ત્વિક આનંદની અનુભૂતિ થાય. આ બધા સાથે મોક્ષ તરફની યાત્રા તો સરળ બને જ.
શાસ્ત્રોના વાંચન, ચિંતન અને મનનથી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે. સંત-મહાત્માના સત્સંગ થકી પણ આ જ્ઞાન મેળવી શકાય. આ પ્રકારના સ્ત્રોતથી જે પણ જ્ઞાન પ્રાપ્ત થાય તે જ્ઞાનમાં ચિંતન અને ધ્યાન દ્વારા ઊંડા ઊતરવું પડે. અહીં માત્ર માહિતીનું મહત્ત્વ નથી, અનુભૂતિ આવશ્યક છે. આધ્યાત્મિક જ્ઞાનની માહિતી મળી રહે એટલે જ્ઞાન પ્રાપ્તિ થઈ ચૂકી છે તેમ ન કહેવાય. જ્ઞાન તો જ્ઞાનમાં ત્યારે જ રૂપાંતરિત થાય જ્યારે આત્માનુભૂતિ થઈ હોય. જ્યારે પોતાના અસ્તિત્વ સહિતની દરેક સ્થિતિનું વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં આવે ત્યારે જ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિ થઈ છે તેમ કહેવાય.
આધ્યાત્મિક દૃષ્ટિએ જ્ઞાન એટલે પોતાનું, સૃષ્ટિનું અને પરમાત્માનું સાચું સ્વરૂપ સમજવું, જીવનનું અંતિમ સત્ય ઓળખવું અને મોક્ષ તરફ જતો માર્ગ પ્રકાશિત થવો. આ માટેની લાયકાત મનની નિર્મળતા અને પવિત્રતાથી જ પ્રાપ્ત થઈ શકે. જો મન મલિન અને અપવિત્ર હોય તો આધ્યાત્મિક જ્ઞાન ક્યારેય સંભવ ન બને.
આધ્યાત્મજ્ઞાન માટેની લાયકાત ગુરુદેવના આશીર્વાદથી, સંતપુરુષોના સત્સંગથી, શાસ્ત્રોનાં વાંચન અને ચિંતનથી, શાસ્ત્રીય પદ્ધતિના ધ્યાન અને સાધનાથી, સંપૂર્ણ સમર્પિત ભક્તિથી, નિષ્કામ કર્મથી મળતી શુદ્ધિથી, દૈવી આશીર્વાદથી, પરમાત્માની કૃપાથી, સંચિત પવિત્ર કર્મથી, સૃષ્ટિ પ્રત્યે સકારાત્મક અને ન્યાયપૂર્ણ અભિગમથી, દરેક પરિસ્થિતિમાં સત્યની સ્વીકૃતિથી, ધર્મયુક્ત આચરણથી, ઈશ્વરની રચનામાં અપાર વિશ્વાસથી કે સંસાર પ્રત્યેનાં વૈરાગ્યથી પ્રાપ્ત થઈ શકે. આ માટે પણ લાયકાત જોઈએ જે વ્યક્તિએ જાતે કેળવવી પડે.