Mon Jun 08 2026

Logo

દુહાની દુનિયાઃ આઈ નાગબાઈ: તથ્ય ને તત્ત્વ

2026-06-08 08:19:00
Author: Dr. Balwant Jani
Article Image

 

ડૉ. બળવંત જાની

આઈ ઉજળી, આઈ નેચડી અને આઈ શેણીની માફક આઈ નાગબાઈના ચરિત્ર અને ચારિત્ર્ય વિશે ગુજરાતી સાહિત્ય પરંપરામાં મોટી અને ખોટી ગેરસમજ પ્રસરેલી હતી. વર્ષો સુધી એ પ્રવાહિત પણ રહી. મેઘાણી અને ગુણવંતરાય આચાર્ય જેવા લોકસંસ્કૃતિના જાણતલ સારસ્વતો પણ એ ચૂંગાલથી દોરવાયા. 

રા’ગંગાજળિયો માં મેઘાણીએ અને રામાંડલિક ફિલ્મ પટકથામાં ગુણવંતરાય આચાર્યે વિકૃત, દંતકથાને સત્યકથા માની લઈને એક મહાનાયકના પતનની રસપ્રદ કથા, ટ્રેજીક હીરો આલેખવાની વૃત્તિથી પ્રયોજી જણાય છે. આ કારણે એમણે ઈતિહાસના ચરિત્રોને ચારણી અને રાજપૂતી સંસ્કૃતિથી વિપરીત એવા કુરૂપ-દયનિય અને કુવિચારી રૂપે ચિતર્યા. આપણાં લોકસાંસ્કૃતિક વલણોથી તદ્ન વિપરિત એવા કથાનક, દુહા અને સંવાદો જો કે જનમનરંજન કરતા હોઈને ભારે લોકપ્રિય પણ થઈ પડેલા.

આઈ નાગબાઈ, રામાંડલિક ત્રીજાને શાપ આપે કે તું મુસ્લિમના હાથે પરાજિત થઈશ, મુસ્લિમ થઈશ, પાવૈયો થઈને ભટકીશ આવો શાપ હિન્દુ સંસ્કૃતિની રખેવાળ માતૃશક્તિ ચારણ આઈ આપે એવું આપણી સંસ્કૃતિમાં એકપણ ઉદાહરણ નથી. આવા, લોકસંસ્કૃતિથી તદ્ન વિપરિત વલણો આઈ નાગબાઈને માથે, પ્રખ્યાત લેખકોએ, પ્રચલિત કરવામાં આવેલી દંતકથાને માની લઈને ચઢાવ્યા. 

સાંઠેક વર્ષ વળોટી ગયેલો કોઈ છત્રપતિ, કે જે હિન્દુ સંસ્કૃતિ માટે પોતાનું બલિદાન આપવા અને ભારતીય જીવનમૂલ્યો જાળવવા ક્રિયાશીલ હોય, ગંગાજળથી નિયમિત સ્નાન કરતો હોય અને શિવપૂજા કરતો હોય તેવો રાજપૂત રાજવી પચાસેક વરસની પ્રૌઢ ચારણી સન્નારી આઈ મીણબાઈ સમક્ષ્ા ગામના પાદરે, લોક સમુદાયની વચ્ચે ગેરવર્તણૂંક કરે અને એ પણ સીતેરેક વરસના પ્રૌઢા આઈ જોગમાયા તરીકે જાણીતા આઈ નાગબાઈ જેવા સાસુમાની ઉપસ્થિતિમાં. 

આવા કુકર્મો-ખોટી આળ-રાજવી રાખેંગા2 ત્રીજાને લલાટે ચિતરીને એક મહાન રાજવીના પતનની કરુણકથા ઉપજાવીને જનમનને રંજિત કરતું રસપ્રદ સાહિત્ય કે ફિલ્મ માટે જોડાયેલી- દંતકથાના પ્રસંગોને પ્રયોજીને કૃતિઓ રચાઈ. ભારતીય સાંસ્કૃતિક- લોકસાંસ્કૃતિક પરંપરાથી પરિચિત સાક્ષ્ાર દ્વારા આવું હીનકાર્ય થાય એ આપણી ભાષાની કમનસીબી છે. 

આઈ નાગબાઈનું ચરિત્ર, મીણબાઈનો સંવાદ અને નાગબાઈના નામે દુહા હકીકતે મિરાંતે સિંકદરી, મિરાંતે બહાદુરશાહી અને મિરાંતે મુસ્તફાબાદ જેવા મુસ્લિમ ઈતિહાસ ગ્રંથોનાં પ્રભાવ ઝીલીને આલેખાયા જણાય છે. મુસ્લિમ ઈતિહાસકારોથી પ્રભાવિત આપણાં ઈતિહાસ લેખકોએ પણ એમાંનાં જોડી કાઢેલ કઢંગા પ્રસંગને માની લઈને, લોકમાં પ્રચલિત કરાયેલ દંતકથાત્મક કથાનકને પોતાના સર્જનાત્મક લેખનમાં સ્થાન આપ્યું. 

ઉપરાંત ભારત રાજય મંડળ, યદુવંશ પ્રકાશ, સૌરાષ્ટ્રનો ઈતિહાસ, સંસ્થાન જૂનાગઢનો સંક્ષિપ્ત ઈતિહાસ જેવા આપણાં ઈતિહાસ ગ્રંથોએ પણ દસ્તાવેજી આધાર અને હસ્તપ્રાચીન પ્રતોનાં પુરાવા ન હોવા છતાં એને માની લીધા, એ આપણી ભાષાની અવનતિયુક્ત નિયતિ, નહીંતર આમ ન બને. 

લોકસાંસ્કૃતિક ઈતિહાસમાં ક્યાંય સામૈયા-સ્વાગત ગામને પાદર ન હોય. ઘરની ડેલીએ કે શેરીએ હોય અને એ સામૈયું પણ કુમારિકા કરે, કંઈ પ્રૌઢ સન્નારી ન કરે. ભારતીય પરંપરામાં શાપનું પણ એક શાસ્ત્ર છે. એ વ્યક્તિગત જ હોય. આખા સમાજને એમાં સાંકળે નહીં. કોઢ નીકળે, નિર્વંશ થઈશ, આંધળો થઈશ એ પ્રકારના હોય. પરધર્મીને પોરસાવતા, એમનો વિજય કથતા કે આવકારતા શાપ ન હોય. પણ આ ચરિત્રમાં અપાયા-મનાયા અને આલેખાયા. 

ચારણી સંસ્કૃતિ અને મૂલ્યોથી પૂરું પરિચિત, સર્જક વ્યક્તિત્વ અને ઈતિહાસ લેખકો પણ આવું આચરે એ માન્યામાં નથી આવતું. આપણાં છેલ્લાં રાજવીઓ પછી તે રાજા કરણ હોય, પતાઈ રાવળ હોય કે રાખેંગાર, એમના ચરિત્ર વિશે પછીના તૂરતના શાસકે અને શાસકને સારું લગાડવા માટે ઈતિહાસકારોએ વર્તમાન શાસકને ઉત્તમ આલેખવા આવા કુપ્રયત્નો ર્ક્યા છે. 

ઊર્મિનવરચનામાં લોકસંસ્કૃતિ તથા ચારણી સાહિત્યના માલમી અને મરમી આદરણીય જયમલ્લ પરમારે ઈ.સ.1971ના જાન્યુઆરીથી જૂન એમ છ મહિના સુધી રામાંડલિક અને આઈ નાગબાઈ નામે લેખમાળામાં ઘણાં આધારો અને લોકસાંસ્કૃતિક ઐતિહાસિક વિગતો આલેખીને રાખેંગા2 તથા આઈ નાગબાઈના ચરિત્રને પરિશુદ્ધ રીતે પ્રસ્તુત કરેલું. એ સમયે પછીના અંકોમાં ચારણી વિાન રતુદાન રોહડિયા પણ ઘણી વિગતો ચર્ચા રૂપે ઉમેરણ પ્રકારે સૂચવતા અવલોકવા મળે છે. 

ઈ.સ. 1977માં એમને સાજણશી સુરુ રચિત દુહાઓની હસ્તપ્રત પ્રાપ્ત થઈ. એમાં નાગબાઈએ કહેલ દશ દુહા પણ ચારણીસાહિત્યના બહૂમૂલ્ય સાહિત્ય તરીકે સચવાયેલા પ્રાપ્ત થયેલા. બે એક વર્ષ પછી એ ઊર્મિનવરચનામાં પ્રકાશિત પણ થયેલા. રતુદાન રોહડિયાના લેખસંગ્રહ ચારણી સાહિત્ય: સત્વ અને સૌંદર્ય (1984)માં ગ્રંથસ્થ છે. એમાં નવ દુહા મુકાયા છે. આદરણીય જયમલ્લભાઈ પરમારે 1971માં કથેલી સામગ્રીને માટે એ આધારરૂપ છે. મારી દૃષ્ટિએ આઈ નાગબાઈના પવિત્ર ચરિત્રનું અને રાખેંગારનું એમાં સાચું દસ્તાવેજી આધાર પુરાવારૂપ દર્શન પ્રાપ્ત થાય છે. 

પીએચ.ડી. પદવી માટે ચુડાસમા રાજવંશની પ્રશસ્તિ કવિતા વિષયે મહાનિબંધ તૈયાર કરતા મારા વિદ્યાર્થી વિક્રમસિંહ ભરતસિંહ રાયજાદાએ પણ એ હસ્તપ્રતમાં અવલોકી. હકીકતે દશ દુહા અવલોકવા મળેલ. તેમાં સાજણશી સુરુના રચેલા રાખેંગાર વિશેના બીજા તેર દુહા પણ છે. ઉપરાંત ઈ.સ.1971માં જયમલ્લ પરમારે પ્રકાશિત કરેલી અને પછીથી ભાગું તો ભોમકા લાજે (1994)માં ગ્રંથસ્થ કરેલી સામગ્રીને કારણે પૂર્વસૂરિઓથી રાખેંગાર અને આઈ નાગબાઈના ચરિત્રને જે કાટ ચડેલો તે ઊખળી જઈને ઐતિહાસિક અને લોકસાંસ્કૃતિક પ્રમાણોવાળું પરિશુદ્ધ અને ચકચક્તિ તેજસ્વી ચરિત્ર પ્રાપ્ત થાય છે. 

હસ્તપ્રત અંતર્ગત જળવાયેલા નાગબાઈ કથિત એ દશમાંથી મંડલિક મરવું હતું ટેક વાળા પાંચ દુહા આસ્વાદીએ. 

ગુજર ગરનારા, અજરાઆ ચસે નહીં;
જૂનુગઢ જાતાં, મંડળિક મરવું હતું    

હે માંડલિક અડગ અને અટંકા વીરો ચલાયમાન થતા નથી. તારે તો જૂનાગઢ હાથમાંથી પરમધર્મીને હાથે જતાં સમયે મરી જવું જોઈતું હતું.

નર સરઠો ખોઈ નવે, તૂ વણિસે અળ વાસા;
જૂનુગઢ જાતાં, મંડળિક મરવું હતું     

વીર પુરુષ એવા તે નવ સોરઠનું રાજય ખોયું. હવે તારી પૃથ્વી પરની હયાતી બગડી (અપયશકારી થઈ) છે, હે રામાંડલિક, જૂનાગઢ હાથમાંથી જતાં તારે તો એ સમયે જ મરવું જોઈતું હતું.

વંસ પાંત્રિસે વડુ, આદુ ઘર તાળું અછિ;
જૂનુગઢ જાતે, મંડળિક મરવું હતું    

રામાંડળિક, મૂળથી જ તારું ઘર ક્ષ્ાત્રિયોના પાંત્રીસેય વંશમાં મોટું રહ્યું છે, તો તારે જૂનાગઢ હાથમાંથી છૂટી જતાં સમયે મરી જવું જોઈતું હતું. 

શા ની ભાજે સૂળે, અવઢવ અધકેરી કરિ;
નમીએ ઘણાં નમુ મુટાં પાઈ મંડળિક    

હો રામાંડલિક, ઘણી કૂટનીતિ અજમાવીએ તો જ શાહ રૂપી શૂળ ભાંગે. બાકી તો હે વિનયવંત મોટાને પગે(અત્રે કુટુંબી રાવિકા પ્રત્યે અહીં સંકેત છે કે જેની સાથે રામાંડલિકને મનદુ:ખ હતું.) તો નમવું જ જોઈએ.(સુલેહ કરવાનું પ્રબોધન-ઉપદેશ છે.)

છે ઉપા સ ઉની, આગુ નુઉ વસરા;
વારુ ઘર વણઠા, પાલાઉત પાસે રોઈએ    

એનો ઉત્તમ ઉપાય છે એ (રાવિકો પ્રથમ આવો વસમો ન હતો. બાકી, હે મહિપાલના પુત્ર માંડલિક, તારું ઘર વણશ્યે (કુટુંબકલહ થયે) અમારે તો એનો ધોખો-વિલાપ તારી પાસે જ કરવાનો હોય.