Mon Jun 08 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ઇ-85 ફ્યુઅલ, મોદી સરકારની સારી પહેલનો ફરજિયાત અમલ જરૂરી

2026-06-08 08:11:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન થવાની વાતો ચાલ્યા કરે છે પણ સમાધાન થતું નથા તેના કારણે ક્રૂડ ઓઈલનો કકળાટ પણ પતતો નથી. એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા કરે છે ને બીજી તરફ હોર્મુઝની ખાડીની નાકાબંધીના કારણે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ પણ મળતું નથી તેથી બીજા રૂટથી ઊંચા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવું પડે છે તેમાં પેટ્રો-ડીઝલલના ભાવ ઊંચા ને ઊંચા જતા જાય છે. 

આ કટોકટીની સ્થિતિમાં નરેન્દ્ર મોદી સરકારે એક સારો નિર્ણય લઈને પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ મિશ્રણ ધરાવતું ‘ઇ85 ફ્યુઅલ’ દિલ્હીમાં સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઇન્ડિયન ઓઇલ (આઈઓસી)ના ભારતના પહા ઇ85 ફ્યુઅલ ડિસ્પેન્સિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરીને ભારત પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ શોધવાની દિશામાં અત્યંત ગંભીર હોવાનો અને મક્કમતાથી આગળ વધી રહ્યો હોવાનો સંકેત આપી દીધો. 

હાલમાં દેશભરમાં પેટ્રોલ પંપો પર જે પેટ્રોલ મળે છે એ ઇ-20 છે. મતલબ કે તેમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ છે.  નવા ઇ85 ફ્યુઅલમાં 85 ટકા સુધી ઇથેનોલ અને માત્ર 15 ટકા પેટ્રોલ છે તેથી અત્યારે મળતા પેટ્રોલ કરતાં ઇ85 ફ્યુઅલ સાવ અલગ છે. અત્યારે આપણે ત્યાં કાર અને ટૂ-વ્હિલર્સનાં મોટા પ્રમાણમાં ઈથેનોલ હોય એવાં ફ્યુઅલ ના ચાલે તેથી તેમના માટે આ ઇ-85 ફ્યુઅલ કામનું નથી પણ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ્સ માટે કામનું છે. 

ભારતમાં અત્યારે મારુતિએ ફ્લેક્સ ફ્યુઅલ કાર લોંચ કરી છે અને બે ફ્લેક્સ ફ્યુઅલ બાઈક પણ લોંચ કરાયાં છે. આ વાહનોમાં ઇ85 ફ્યુઅલ વાપરી શકાશે. અત્યારે આ વાહનોની સંખ્યા બહુ ઓછી છે કેમ કે મારુતિની કાર અને બંને બાઈક હજુ હમણાં જ લોંચ થયેલાં છે. તેના કારણે તાત્કાલિક રીતે ઇ85 ફ્યુઅલ આપણને કોઈ રાહત નહીં આપે પણ લાંબા ગાળે દેશ માટે બહુ ફાયદાકારક સાબિત થશે. 

અત્યારે લોંચ કરાયેલું ઇ85 ફ્યુઅલ પેટ્રોલ કરતાં 20 રૂપિયા પ્રતિ લિટર સસ્તું છે. દિલ્હીમાં ઇ-85 ફ્યુઅલની કિંમત ₹82.12 પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે જ્યારે રેગ્યુલર ઇ-20 પેટ્રોલની કિંમત 102 રૂપિયા છે.  ઇ85 ફ્યુઅલ સસ્તું હોવાથી હવે પછી જે લોકો નવાં વાહનો ખરીદશે એ ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પસંદ કરી શકે. તેના કારણે ધીરે ધીરે ઇ85 ફ્યુઅલનો વપરશ વધશે અને પેટ્રોલનો ઘટશે તેથી ક્રુડ ઓઈલ પરની નિર્ભરતા ઘટશે. 

મોદી સરકારે એક સમયે ક્રૂડ ઓઈલની આયાતનું બિલ 10 ટકા ઘટાડવાનો નિર્ણય કરો પણ અત્યાર સુધી એ દિશામાં કશું ના થયું કેમ કે ઇ-85 ફ્યુઅલ ઉપલબ્ધ કરાવવા જેવાં કોઈ નક્કર પગલાં જ નહોતાં લેવાયાં. હવે પહેલું કદમ ભરાયું છે ત્યારે લાંબા ગાળે ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી શકાશે. 

મોદી સરકાર તો ધીરે ધીરે ઇ-100 એટલે કે 100 ટકા ઇથેનોલ હોય ફ્લેક્સ ફ્યુઅલ તરફ આગળ વધવા માગે છે પણ એ તાત્કાલિક શક્ય નથી તેથી હાલના તબક્કે ઇ85 ફ્યુઅલનો વપરાશ વધારવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. એ એ માટે પહેલા તબક્કામાં દિલ્હી અને મુંબઈ-પુણે-નાગપુર કોરિડોરમાં લગભગ 100 જેટલા ઇ85 ફ્યુઅલ સ્ટેશન ઉભાં કરાશે અને આ વર્ષના અંત સુધીમાં દેશમાં લગભગ 500 ઇ-85 ફ્યુઅલ પંપ હશે. 

2027ના અંત સુધીમાં દેશના તમામ મુખ્ય શહેરોમાં લગભગ 5000 ઇ-85 ફ્યુઅલ પંપ શરૂ કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. -મોદી સરકારનો ઈરાદો શુભ છે અને દેશ માટે ફાયદાકારક છે તેમાં શંકા નથી પણ ભારત જેવા ટેકનોલોજી માટે બીજા પર નિર્ભર દેશ માટે આ ઉદ્દેશને પાર પાડવો કપરો તો છે જ. તેનું કારણ એ કે, ભારત વ્હિકલ્સના ઉત્પાદન માટે બીજા દેશો પર વધારે પડતો નિર્ભર છે. ભારતમાં ટ્રક સહિતનાં મોટાં વાહનોમાં ભારતીય કંપનીઓની બોલબાલા છે પણ કાર તથા બીજાં વાહનોમાં વિદેશી કંપનીઓનો પ્રભાવ છે. 

ભારત પાસે કાર ઉત્પાદનમાં પોતાની કહેવાય એવી ટેકનોલોજી નથી તેથી વિદેશી કંપનીઓ પોતાનો ધૂમ માલ વેચે છે.  ભારતમાં સૌથી વધારે  વેચાતી મોટા ભાગની કાર વિદેશી કંપનીઓની છે. આ કારના એન્જિન સહિતની ટેકનોલોજી વિદેશથી આવે છે ને ભારતના પ્લાન્ટમાં માત્ર તેનું એસેમ્બલિંગ થાય છે. ટાટાને બાદ કરતાં ભારત પાસે પોતાની કહેવાય એવી કોઈ મોટી કાર ઉત્પાદક કંપની નથી. સીએનજીથી ચાલતી કાર્સમાં પણ ઈટાલિયન બનાવટની સીએનજી કિટ વપરાય છે ત્યારે ફ્લેક્સ-ફ્યુઅલ કાર માટેની ટેકનોલોજી ભારત પોતે વિકસાવી શકે એ અઘરું છે. 

ભારતમાં કારનું મોટું બજાર છે પણ લોકોની ખરીદશક્તિ બહુ નથી. આ કારણે કંપનીઓ પરંપરાગત રીતે પેટ્રોલ-ડીઝલ પર ચાલતાં વાહનો બનાવીને વેચે છે. અમેરિકા કે યુરોપની જેમ હાયબ્રિડ કાર્સ ભારતમાં છે જ નહીં. હવે ફ્લેક્સ-ફ્યુઅલ કાર બનાવવી હોય તો કંપનીઓએ નવી ટેકનોલોજી અપનાવીને પ્રોડક્શન લાઈન બદલવી પડે.

નવી ટેકનોલોજીમાં રોકાણમાં જંગી ખર્ચ થાય તેથી કારની પડતર કિંમત વધે. ભારતમાં ઊંચી કિંમતની કાર ખરીદનારા બહુ ઓછા છે તેથી કંપનીઓને તેમાં રસ ના પડે. ભારતમાં લોકો લાખ રૂપિયામાં કાર મળે એવાં સપનાં જોતા હોય ત્યારે ને કંપનીઓ તેમને સંતોષવા સસ્તી કાર બનાવવા મથે છે ત્યારે ફ્લેક્સ-ફ્યુઅલ કાર કોણ ખરીદે એ સવાલ છે. 

આ સવાલ યોગ્ય છે કેમ કે મારુતિએ બજારમાં મૂકેલી ફ્લેક્સ ફ્યુઅલ કારની કિંમત લગભગ સાડા આઠ લાખ રૂપિયા હશે, ટેક્સ ને બીજું બધું અલગ એ જોતાં ઓન રોડ 10 લાખ રૂપિયામાં પડે. 6 લાખ રૂપિયામાં મળતી કાર 10 લાખમાં કોણ લે? ભારતમાં ઈલેક્ટ્રિક કાર સહિતના પેટ્રોલના વિકલ્પરૂપ વાહનોને નડતી સમસ્યા ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ્સને પણ નડે જ તેથી કંપનીઓને તેમાં રસ ના પડે એ સ્વાભાવિક છે. આ કારણે જ ચાર વર્ષ પહેલાં નીતિન ગડકરી દરેક કંપનીએ ફરજિયાત ફ્લેક્સ ફ્યુઅલ કારનું ઉત્પાદન લાવવાનું ફરમાન કર્યા પછી પાણીમાં બેસી ગયેલા. 

ભારતે આ સમસ્યાના નિવારણ માટે બ્રાઝિલ મોડલ અપનાવવું પડે. વિશ્વમાં ફ્લેક્સ ફ્યુઅલ વ્હિલ્સમાં સૌથી સફળ બ્રાઝિલ છે. અત્યારે રસ્તા પર દોડતી કારમાંથી 20 ટકા કારમાં બળતણ તરીકે માત્ર ને માત્ર ઈથેનોલનો ઉપયોગ થાય છે. વિશ્વમાં 1970માં ક્રૂડ ઓઈલની કટોકટી વખતે બ્રાઝિલે ઇથેનોલનો વાહનોમાં બળતણ તરીકે ઉપયોગ શરૂ કર્યો અને આ પ્રયોગને સફળ કરવા સરકારે પ્રો-આલ્કુલ પ્રોગ્રામ જાહેર કર્યો. આ પ્રોગ્રામ હેઠળ ઈથેનોલ આધારિત ટેકનોલોજીને વિકસાવવામાં સરકારે મદદ કરી. 

બ્રાઝિલે 2000ના દાયકાની શરૂઆતમાં એક કદમ આગળ વધીને ફ્લેક્સ-ફ્યુઅલ ક્રાંતિ દ્વારા ઈલેક્ટ્રોનિક સેન્સરથી સજજ એન્જિન બનાવ્યાં. આ સેન્સર ક્યા પ્રકારનું બળતણ ટાંકીમાં છે તે શોધી કાઢે છે ને એન્જિન તેના આધારે ચાલે છે તેથી 100 ટકા ઈથેનોલ નાંખો તો પણ કાર ચાલે છે. ભારત સરકારે બ્રાઝિલની મદદથી કે પોતાની તાકાત પર ભારત માટેની ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી વિકસાવીને કંપનીઓને આ ટેકનોલોજીનો ઉપયોગ ફરજિયાત કરવાની ફરજ પાડવી પડે. તેના કારણે ધીરે ધીરે ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ્સનું ઉત્પાદન વધશે ને લોકોએ ફરજિયાત એ જ ખરીદવાં પડશે. આ વિકલ્પ થોડો આકરો છે પણ વરસે 10 લાખ કરોડ રૂપિયા ક્રૂડની આયાત પાછળ વેડફી દેતા ભારત પાસે બીજો વિકલ્પ જ નથી.