Thu Oct 01 2026

Logo

ફિલ્મ વોન્ટેડ રિલીઝ થયાના 17 વર્ષ બાદ બોની કપૂરે ખોલ્યો રાઝ, કોના માટે ગેમ ચેન્જર હતી ફિલ્મ??

2026-09-19 20:03:18
Author: Mumbai Samachar Team
ફિલ્મ વોન્ટેડ રિલીઝ થયાના 17 વર્ષ બાદ બોની કપૂરે ખોલ્યો રાઝ, કોના માટે ગેમ ચેન્જર હતી ફિલ્મ??

મુંબઈ: ફિલ્મ ‘વોન્ટેડ’ને બોક્સ ઓફિસ પર દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આજે ફિલ્મની રિલીઝને 17 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસર પર ફિલ્મના નિર્માતા બોની કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મની યાદોને તાજી કરી હતી.

બોની કપૂરે શું પોસ્ટ કર્યું?

બોની કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, '17 વર્ષ પહેલાં ભારતે એક એવી ફિલ્મ જોઈ હતી, જેણે સિનેમાની દુનિયામાં એક નવો બદલાવ લાવ્યો અને ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું,‘વોન્ટેડ’. તેમણે આગળ લખ્યું કે, '2009માં રિલીઝ થયેલી ‘વોન્ટેડ’માં સલમાન ખાનના દમદાર અભિનય, પ્રભુ દેવના બ્લોકબસ્ટર દિગ્દર્શન, આયેશા ટાકિયાની સુંદરતા અને જબરદસ્ત કમર્શિયલ મનોરંજનનું એવું સંગમ જોવા મળ્યું, જેણે દેશભરના દર્શકો સાથે ઊંડો જોડાણ બનાવ્યો.' 

સલમાન ખાનના વખાણ કર્યા

બોની કપૂરે ફિલ્મમાં સલમાન ખાનના રાધેના પાત્રની પણ પ્રશંસા કરી. તેમણે લખ્યું, 'વોન્ટેડ’ એક ઐતિહાસિક ફિલ્મ બની ગઈ. તેના શાનદાર એક્શન, યાદગાર ડાયલોગ્સ, સંગીત અને સલમાન ખાન દ્વારા રાધેના પાત્રની યાદગાર રજૂઆતે એવો સાંસ્કૃતિક પ્રભાવ પાડ્યો, જેને દર્શકો આજે પણ યાદ કરે છે.' તેમણે વધુમાં કહ્યું કે આ ફિલ્મ માત્ર એક એક્શન એન્ટરટેનર નહોતી, પરંતુ તેણે આધુનિક હિન્દી માસ-એક્શન સિનેમાના વિકાસમાં એક મહત્વપૂર્ણ વળાંક લાવવાનું કામ કર્યું હતું.

બોની કપૂરે પોતાની પોસ્ટના અંતમાં લખ્યું, 'રાધેના 17 વર્ષ. યાદગાર સંવાદોના 17 વર્ષ. તાળીઓના ગડગડાટથી ભરપૂર એક્શનના 17 વર્ષ. ‘વોન્ટેડ’ના 17 વર્ષ. આવો, ભારતીય સિનેમા માટે સીમાચિહ્ન સાબિત થયેલી આ ફિલ્મની લેગસીની ઉજવણી કરીએ.'

ફિલ્મ ‘વોન્ટેડ’ વિશે

‘વોન્ટેડ’ ફિલ્મ 18 સપ્ટેમ્બર, 2009ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ દેવાએ કર્યું હતું. ફિલ્મમાં સલમાન ખાન, પ્રકાશ રાજ, આયેશા ટાકિયા, વિનોદ ખન્ના અને મહેશ માંજરેકર સહિતના કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ભારતમાં આશરે 60.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે ફિલ્મનું કુલ કલેક્શન આશરે  87.44 કરોડ રૂપિયા રહ્યું હતું.