Thu Oct 01 2026

Logo

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં નમાજ વખતે મસ્જિદમાં વિસ્ફોટ, 16 લોકોનાં મોત

Islamabad   2026-09-18 16:34:00
Author: Mumbai Samachar Team
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં નમાજ વખતે મસ્જિદમાં વિસ્ફોટ, 16 લોકોનાં મોત

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં ઝુમ્માની નમાઝ વખતે મસ્જિદમાં એક ભીષણ ધમાકો થયો હતો. પ્રાંતની ઓલ્ડ પોલીસ લાઈન નજીક થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.

ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં જુમ્માની નમાઝ વખતે મસ્જિદમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ કોહાટમાં ઓલ્ડ પોલીસ લાઈન નજીકની એક મસ્જિદમાં થયો હતો. વિસ્ફોટ પછી હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ બનાવમાં અત્યાર સુધીમાં પોલીસના પાંચ જવાન સહિત કુલ 16 જણનાં મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.

આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો
ખૈબર પખ્તૂનખ્વાના આઈજીએ જણાવ્યું છે કે વિસ્ફોટ કોહાટ પોલીસ લાઈન્સની નજીકની એક મસ્જિદમાં થયો હતો. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે, જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એક એક્સ્પ્લોસિવ ગાડી પોલીસ લાઈનમાં ઘૂસી ગઈ હતી પણ આ વિસ્ફોટ કઈ રીતે થયો એના અંગે જાણવા મળ્યું નથી. 

લોકો મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે વિસ્ફોટ પછી આસપાસના સમગ્ર વિસ્તારના લોકો બહાર દોડી આવ્યા હતા. વિસ્ફોટને કારણે આસપાસની બિલ્ડિંગની પણ નુકસાન પહોંચ્યું છે, જ્યારે અનેક લોકો કાટમાળમાં દટાઈ ગયા છે. રેસ્ક્યૂ 1122 દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વિસ્ફોટ પછી સમગ્ર વિસ્તારને પોલીસ અને સુરક્ષા દળના જવાનોએ ઘેરી લીધો હતો. સમગ્ર વિસ્તારમાં સર્ચ એન્ડ ક્લિયરન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કોહાટ-હંગુ રોડ સ્થિત વિસ્તારને પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે, જ્યારે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરી છે, જ્યારે જવાબદાર લોકો સામે તપાસ ચલાવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.